News of Thursday, 19th February 2026
હપ્તા ભરવાની ત્રેવડ ન હોય તો લોન શું કામ લ્યો છો? રીકવરી એજન્ટે પથ્થર ફટકારતાં વેપારીને ફ્રેકચર
ફાઇનાન્સમાંથી ત્રણ લાખની લોન લઇ નિયમીત હપ્તા ભર્યા હતાં: હાલ હપ્તા ચડી જતાં ડખ્ખો : અટીકાના ન્યુ નહેરૂનગર રોડ પર બનાવઃ નેણ ઉપર ગંભીર ઇજાઃ ભક્તિનગર પોલીસે જંગલેશ્વર રાધાકૃષ્ણનગરના જશપાલભાઇ જમોડની ફરિયાદ પરથી મક્સુદ અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: અટીકા વિસ્તારમાં દૂકાન ચલાવતાં જંગલેશ્વર વિસ્તારના વેપારી યુવાને ત્રણ લાખની બીઝનેસ લોન લીધી હોઇ તેના હપ્તા ચડત થઇ જતાં બે રિકવરી એજન્ટે દુકાને આવી ઉઘરાણી કરતાં વેપારીએ હાલ પૈસા નથી જે પ્રોસેસ કરવી હોય તે કરો તેમ કહેતાં આ બંનેએ લોન ભરવાની ત્રેવડ ન હોય તો શું કામ લ્યો છો? કહી ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં તેમજ પથ્થર ઉપાડીને મારતાં નેણ ઉપર ફ્રેકચર થઇ ગયું હતું.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વર રાધાકૃષ્ણનગર મેઇન રોડ વેલનાથ ચોક પાસે રહેતાં જશપાલભાઇ લક્ષમણભાઇ જમોડ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી મક્સુદ અને તેની સાથેના અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જશપાલભાઇ અટીકા ન્યુ નહેરૂનગર રોડ પર ન્યુ આદર્શ ઈલેક્ટ્રિક નામની દુકાન ચલાવે છે તે પોતાની દુકાને હાજર હતાં ત્યારે આદિત્ય બિરલા ફાઇનાન્સના રિકવરી એજન્ટ મકસુદભાઈ અને તેમની સાથે અન્ય એક અજાણ્યો શખ્સ દુકાને આવ્યા હતા. વેપારી જસપાલભાઇએ ૨૦૨૩માં ત્રણ લાખની બિઝનેસ લોન લીધી હતી, જેનો ૧૧૫૦૦નો હપ્તો હતો. પોતે નિયમિત હપ્તા ભરતા હતા. પરંતુ છેલ્લા ૯ મહિનાથી આર્થિક તંગીને કારણે હપ્તા ભરી શકયા નહોતા.
બુધવારે રીકવરી એજન્ટો આવ્યા ત્યારે જસપાલભાઇએ જણાવ્યું હતું કે-અત્યારે મારી પાસે સગવડ નથી, તમે કાયદેસરની પ્રોસેસ કરી નાખો. આ સાંભળતા જ એજન્ટ મકસુદ અને તેનો સાથી ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ ગાળાગાળી શરૂ કરી હતી અને ‘લોન ભરવાની ત્રેવડ ન હોય તો લોન કેમ લો છો?' તેમ કહી દુકાનમાં જ ઝપાઝપી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
ઝઘડો વધતા મકસુદ નામના શખ્સે રસ્તા પરથી પથ્થર ઉપાડી જસપાલભાઇ પર છૂટો ઘા કર્યો હતો. આ પથ્થર ડાબી આંખના નેણ પાસે વાગતા વેપારી લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક ૧૦૮ મારફતે લોટસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ટાંકા લેવાયા હતાં અને ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. આ ઝપાઝપી દરમિયાન વેપારીના ગળામાં રહેલો સોનાનો ચેઇન પણ કયાંક પડી ગયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ હરસુરભાઈ ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:43 PM IST)










