News of Thursday, 19th February 2026
અનન્ય ચાહકઃ અક્ષય કુમારને મળવા મુંબઇ જવા માટે રાજકોટનો અશોક પગપાળા રવાના
૭૦૦ કિલો મીટરનું અંતર ચાલીને કાપશેઃ રેપીડો રાઇડર અશોક કહે છે-વર્ષોથી ઇચ્છા હતી તે હવે સાકાર કરવા તરફ કદમ માંડી દીધા છે

રાજકોટતા. ૧૯: બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સના ચાહકો પોતાના ફેવરિટ કલાકારો માટે કંઈક ખાસ કરવાની ઈચ્છા રાખતા હોય છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પ્રમ વ્યક્ત કરે છે, તો કેટલાક અનોખા પ્રયાસો દ્વારા પોતાનો જુસ્સો દર્શાવે છે. ત્યારે રાજકોટના એક યુવાને પોતાના પ્રિય સ્ટારને મળવા માટે એક અનોખો સંકલ્પ લીધો છે. રાજકોટનો અશોક કંજારિયા પોતાના મનપસંદ અભિનેતા અક્ષય કુમારને મળવા માટે અંદાજે ૭૦૦ કિલોમીટરનું અંતર પગપાળા કાપવા રવાના થતાં તેને મિત્રો ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
બોલિવૂડ સ્ટાર્સ માટે લોકોમાં ગજબનો ક્રેઝ જોવા મળે છે, પરંતુ રાજકોટના અશોક કંજારિયાનો જુસ્સો ખરેખર અનોખો કહી શકાય. અશોક વ્યવસાયે રેપિડો રાઈડર છે અને રોજિંદી જિંદગીમાં સામાન્ય યુવક તરીકે જીવન જીવતા હોવા છતાં દિલથી તે પોતાના પ્રિય સ્ટાર અક્ષય કુમારના મોટા ચાહક છે. વર્ષોથી તેમના મનમાં એક જ ઈચ્છા હતી કે કયારેક તેમને રૂબરૂ મળી શકું. આ ઈચ્છાને સાકાર કરવા માટે અશોકે અનોખો રસ્તો પસંદ કર્યો છે.
અશોક કંજારિયા રાજકોટથી મુંબઈ સુધીની લગભગ ૭૦૦ કિલોમીટર લાંબી યાત્રા ખુલ્લા પગે પુર્ણ કરવાનો સંકલ્પ લઈને નીકળ્યા છે. તેમની આ યાત્રા માત્ર એક સફર નથી, પરંતુ તેમના માટે એક ભાવનાત્મક પ્રયાણ છે. રસ્તામાં આવનારી તકલીફો, થાક, ગરમી અને મુશ્કેલીઓ છતાં તેઓ પોતાના સંકલ્પ પર અડગ છે. અશોકભાઈનું કહેવું છે કે વર્ષોથી હું અક્ષય કુમારનો ફેન છું. તેમની ફિલ્મો અને જીવનશૈલી મને પ્રેરણા આપે છે. તેથી એક દિવસ તેમને મળવાની ઈચ્છા મારા દિલમાં હતી, અને હવે મેં તે ઈચ્છા પુરી કરવા માટે કદમ માંડી દીધા છે.
અશોક રેપિડો સાથે જોડાયેલા હોવાથી રાજકોટના અન્ય રેપિડો રાઈડર્સને પણ એક અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હું જ્યારે રાજકોટથી મુંબઈ સુધીની યાત્રા પર છું, ત્યારે રસ્તામાં જ્યાં પણ આપણા રેપિડો પરિવારના ભાઈઓ મળે, તેઓ મારીે હિંમત વધારશે અને જરૂર પડે ત્યાં મદદ કરશે તેવી મને આશા છે. આ સંદેશા પછી અનેક રેપિડો રાઈડર અને મિત્રો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. રાજકોટમાં અશોક કંજારિયાની આ અનોખી પદયાત્રા ચર્ચાનો વિષય બની છે.
લોકો સોશિયલ મીડિયા પર પણ તેમના આ જુસ્સાને વધાવી રહ્યા છે. એક સામાન્ય યુવક પોતાના પ્રિય અભિનેતાને મળવા માટે આટલો મોટો સંકલ્પ લે છે, તે ઘણી વખત સાંભળવામાં આવતું નથી. અશોક માટે આ યાત્રા માત્ર એક ફેન તરીકેનો ક્રેઝ નથી, પરંતુ તેમના માટે આ એક સપનાની દિશામાં ભરાયેલું દ્રઢ પગલું છે. અક્ષય કુમારને મળવાનો આ અતૂટ સંકલ્પ લઈને અશોક ખુલ્લા પગે આગળ વધી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે તેમની આ મહેનત અને લાગણીનો સંદેશ તેમના પ્રિય સ્ટાર સુધી પહોંચે છે કે નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજકોટનો આ યુવાન પોતાની લાગણી અને જુસ્સા માટે યાદ રાખવામાં આવશે. આ અગાઉ પણ અક્ષય કુમારને એક ચાહક પગપાળા મુંબઇ જઇને મળ્યો હતો. ત્યારે અક્ષયે તેને આવકાર આપી નાસ્તો કરાવ્યો હતો અને આ રીતે કષ્ટદાયક સફર નહિ ખેડવા સમજ આપી હતી.
(4:08 PM IST)










