તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 20th February 2026
મેટોડામાં ઘરમાં ઘુસી યુવતિને છરીના ઘા-ગંભીર ઇજાઃ બચાવવા આવેલા ભાઇને પણ ઘા ઝીંકાયો
સવારે આઠેક વાગ્યે બનાવઃ વાદળી રંગના કપડા પહેરીને આવેલો શખ્સ હુમલો કરી ભાગી ગયોઃ ઉપરના માળે રહેતો ભાઇ દુધ લેવા નીકળ્યો ત્યારે નીચે બહેનના રૂમમાં દેકારો સંભળાતાં અંદર જતાં જ હુમલાખોર તેને છરી હુલાવી ભાગ્યો

રાજકોટ તા. ૨૦: મેટોડા જીઆઇડીસીમાં સવારે ભાઇ-બહેન પર છરીથી હુમલાની ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. જેમાં બહેનને ગંભીર ઇજા પહોંચતા બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. ભાઇને પ્રાથમિક સારવાર અપાઇ છે. ઉપરના રૂમમાં રહેતો ભાઇ સવારે આઠેક વાગ્યે દૂધ લેવા માટે નીચે ઉતર્યો ત્યારે બહેનના રૂમમાંથી દેકારો સંભળાતો હોઇ અંદર જોવા જતાં જ એક શખ્સ તેની બહેનને છરીના ઘા મારતો દેખાયો હતો. યુવાને બૂમાબૂમ કરી બહેનને બચાવવા પ્રયાસ કરતાં આ શખ્સ તેના હાથ પર છરી ઝીંકી ભાગી ગયો હતો. ભાઇ-બહેનને રાજકોટ સારવાર માટે ખસેડાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૨માં રહેતી પ્રભાબેન પ્રેમજીભાઇ જોગદીયા (ઉ.વ.૨૮) અને તેના ભાઇ અશ્વીનભાઇ પ્રેમજીભાઇ જોગદીયા (ઉ.વ.૨૬) પર સવારે આઠેક વાગ્યે એક શખ્સ ઘરમાં ઘુસી છરીથી હુમલો કરી ભાગી જતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં બહેનને ગંભીર ઇજા પહોંચી હોઇ બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જ્યારે અશ્વીનભાઇને હાથમાં ઇજા હોઇ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને કરતાં તપાસ શરૂ થઇ છે.
હુમલામાં ગંભીર ઇજા પામનાર પ્રભાબેન ત્રણ ભાઇ અને બે બહેનમાં નાની છે. તેના માતા-પિતા અને ભાઇ કંપનીમાં કામ કરે છે. અશ્વીનભાઇ પરીણીત છે અને ઘરના ઉપરના માળે રહે છે. સવારે માતા-પિતા કંપનીમાં કામે જતાં રહ્યા હોઇ પ્રભાબેન નીચેના રૂમમાં એકલી હતી. અશ્વીનભાઇ ઉપરના માળેથી નીચે ઉતરી દૂધ લેવા જતો હતો ત્યારે નીચે બહેનના રૂમમાંથી ચીસો સંભળતા તે અંદર દોડી ગયો હતો. ત્યારે એક શખ્સ બહેનને છરીના ઘા મારતો દેખાયો હતો. આ શખ્સને પડકારતાં તે અશ્વીનભાઇને પણ હાથમાં છરીનો ઘા મારી ભાગી ગયો હતો. અશ્વીનભાઇના કહેવા મુજબ આ શખ્સ વાદળી રંગના કપડા પહેરેલા હતાં. જો કે હુમલો શા માટે થયો? તે અશ્વીનભાઇ જાણતા નથી. મેટોડા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ મેટોડા જીઆઇડીસીમાં ચકચાર જગાવી છે. પ્રભાબેન બેભાન હોઇ હોઇ પોલીસ નિવેદન નોંધી શકી નથી. તેના પરિવારજનો હુમલાખોર વિશે વધુ કંઇ જાણતા નથી. મેટોડા પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
(3:00 PM IST)










