News of Friday, 20th February 2026
માલિયાસણ પાસે માનવ કંકાલ મળ્યું
અવાવરૂ જગ્યાએ હાડપીંજર મળતાં પોલીસ તપાસનો ધમધમાટઃ કંકાલ મહિલાનું કે પુરૂષનું? તે જાણવા ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેવાશેઃ ઉચ્ચ અધિકારીઓ, કુવાડવા પોલીસ મથકના પીઆઇ બી.પી. રજયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળેઃ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૦: રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ નજીક ખુલ્લા પટમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચાર જાગી છે. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ એફએસએલ નિષ્ણાંતોએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ કંકાલ મહિલાનું છે કે પુરૂષનું તે નક્કી થઇ શકે તેમ નથી. મેડીકલ કોલેજ ખાતે કંકાલને ખસેડી ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવશે.
જાણવા મળ્યા મુજબ માલિયાસણ નજીક આઇઓસીની પાછળના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં એક માનવ કંકાલ પડયું હોવાની જાણ કોઇ
રાહદારીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પીઆઇ બી. પી. રજયા અને ડી. સ્ટાફની ટીમ તાબડતોબ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે જોતાં ખુલ્લા પટમાં એક કંકાલ જોવા મળ્યું હતું. આ માનવ કંકાલસ્ત્રીનું છે કે પુરૂષનું તે નક્કી થઇ શકે તેમ નથી. તેમજ આ કંકાલ અહિ ક્યાંથી આવ્યું? શું ઘટના બની? ક્યારે બની? મૃતક કોણ છે? તેનું મોત કઇ રીતે થયું? આ સહિતના સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે ઘટના સ્થળ તથા આસપાસ તપાસ શરૂ કરી છે. તેમજ માનવ કંકાલને મેડીકલ કોલેજ ખાતે ખસેડી નિષ્ણાંતો દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે. આ રીતે માનવ કંકાલ પટમાંથી મળતાં ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી. જે. ચોૈધરી સહિતના સ્ટાફની રાહબરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. (૧૪.૧૨)
(3:33 PM IST)










