News of Friday, 20th February 2026
પ્લોટની હરરાજી મંજુર કરવાની દરખાસ્ત મોકુફ
ખોટી અડચણ ઉભી કરનાર સામે કાર્યવાહી કરાશેઃ આગામી સ્ટેન્ડીંગમાં આ અંગે નિર્ણય લેવાશે

રાજકોટઃ અલગ-અલગ ટીપી સ્કિમ અંતર્ગત કોર્પોરેશનને મળેલા ટીપીના પ્લોટનું સમયાંતરે વેંચાણ કરવામાં આવતું હોય છે. ગત મહિને અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના ૭ પ્લોટ વેચવા માટે ઇ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કેટલાક જમીનધારકોએ આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઇ-ઓક્શન દરમિયાન એકમાત્ર અમિન માર્ગ - ૧૫૦ ફૂટ રીંગ રોડના ખૂણે આવેલો ૪૬૬૯ ચોરસ મીટરનો પ્લોટ જ વેચાયો હતો. જેને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ટીપીના પ્લોટ સામે વાંધા ઉભા કરી ખોટી અડચણ નાખનારા લોકોને પાઠ ભણાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્તને અટકાવી દેવામાં આવી છે. હાલ પૂરતી આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. આવતી સ્ટેન્ડિંગમાં આ અંગે નિર્ણય લઇ લેવામાં આવશે.
મહાનગરપાલિકાએ તાજેતરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર અમીન માર્ગના ખૂણે આવેલ પ્લોટનું હરરાજીથી ૧૦૬ કરોડમાં વેચાણ કર્યુ હતું. કોઈપણ જમીન ચોખ્ખી હોય ત્યારે જ ખરીદદાર દ્વારા સ્વિકારવામાં આવતી હોય છે અને આ નિયમ પણ અમલમાં છે. હરરાજી પૂર્ણ થતાં મંજુરી માટે દરખાસ્ત આજની સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ હરરાજી એક અરજદારે આ પ્લોટમાં પોતાનો હક્ક છે તેવું જણાવી વાંધા અરજી કરતાં ઓકશન પછીની તમામ પ્રક્રિયાઓ અટકી ગઈ હતી તેવી જ રીતે બાકી રહી ગયેલા હરરાજીનાં ૬ પ્લોટ પૈકી બે પ્લોટ માટે પણ વાંધા અરજી કરવામાં આવી છે. આથી આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠક દરમિયાન ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે દર વખતે પ્લોટનું વેચાણ થયા બાદ જ વાંધા અરજીઓ આવી રહી છે. આની પાછળ એક ખાસ ગેંગ કામ કરી રહી છે. ફકતને ફકત જ ખરીદનાર પાર્ટી પાસેથી પૈસા પડાવવા અને તંત્રની કામગીરીમાં ખલેલ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આથી હવે વાંધા અરજી કરનાર વ્યક્તિ ખોટો ઠરશે ત્યારે તેમની વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે અને આ મુદ્દે લીગલ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ કાર્યવાહીના કારણે હવે પછી થનાર પ્લોટ વેચાણમાં કોઈ જાતનું વિઘ્ન નહીં આવે અને કડક પગલાંના ડરના કારણે આગામી દિવસોમાં પણ આ પ્રકારની અરજી કોઈ કરશે નહીં તેમ જણાવી હાલ પુરતી હરરાજી થયેલ એક પ્લોટ અને બાકી રહેલા છ પ્લોટ સહિતની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી
(3:36 PM IST)










