<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

સાવધાન! રાજકોટમાં ‘નોટ બદલવાના બહાને' બેંકોને ચૂનો લગાવતી સ્‍પ્‍લેન્‍ડર ગેંગ સક્રિયઃ મવડી રોડની ૩ બેંકોમાં ખેલ પાડી દીધો!

આજે પણ ગઠીયાઓએ ખેલ નાખ્‍યો પણ ફલોપ શોઃ કેશીયરની સતર્કતાથી ભાગવું પડયું

રાજકોટઃ રંગીલા રાજકોટમાં હવે ગઠિયાઓએ પણ પોતાની 'મોડસ ઓપરેન્‍ડી' બદલી છે. સ્‍પ્‍લેન્‍ડર પર સવાર થઈને નીકળેલા બે ભેજાબાજ ગઠિયાઓએ ગઈકાલે મવડી રોડ પર આવેલી ખાનગી બેંકોને નિશાન બનાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેશિયરની નજર ચૂકવી મિનિટોમાં હજારો રૂપિયા સેરવી લેતી આ ટોળકીથી હવે શહેરની તમામ બેંકોમાં ફફડાટ ફેલાયો છે.

ચર્ચાતી વિગતો મુજબ આ ગઠિયાઓ ખૂબ જ આયોજનબદ્ધ રીતે બેંકમાં પ્રવેશે છે અને એક અલગ જ પ્રકારની તરકીબ અજમાવે છે

સૌથી પહેલા કેશિયર પાસે જઈને રૂ.૨૦૦ની નોટોનું રૂ.૨૦,૦૦૦નું બંડલ આપે છે.

તેના બદલામાં રૂ.૫૦૦ની ૪૦ નોટો (કુલ રૂ.૨૦,૦૦૦) માંગે છે.

જેવી કેશિયર નોટો આપે, એટલે ગઠિયાઓ નજર ચૂકવી તેમાંથી ૨૦ નોટો (રૂ.૧૦,૦૦૦) સેરવી લે છે.

ત્‍યારબાદ ફરી કેશિયરને કહે છે કે, આ નોટો નથી જોઈતી, અમને નવી સીરીઝવાળી કે કડકડતી નોટો આપો.

કેશિયર અજાણતામાં આખું બંડલ પાછું લઈ લે છે અને ગઠિયાઓ રૂ.૧૦,૦૦૦ લઈને રફુચક્કર થઈ જાય છે.

ગઈકાલે મવડી રોડની ૩ પ્રાઇવેટ બેંકોમાં આ રીતે ફ્રોડ આચરાયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન ગત મોડી સાંજે બેંક મેનેજરોએ સોશિયલ મીડિયા ગ્રુપમાં આ અંગે સાવધ કર્યા હતા.

દરમિયાન આજે ફરી આ ગઠિયાઓ મવડી રોડની જ એક અન્‍ય બેંકમાં આ જ ખેલ કરવા ગયા હતા. જોકે, ત્‍યાંના કેશિયર સતર્ક હોવાથી જેવો તેણે ઉચ્‍ચ અધિકારીને જાણ કરવાનો પ્રયાસ કર્યો, કે તરત જ આ ગઠિયાઓ બેંકમાંથી પલાયન થઈ ગયા હતા.

(4:02 PM IST)