News of Saturday, 21st February 2026
આજીનો પટ્ટો- ટી.પી. રોડના ૧૪૮૯ ગેરકાયદે બાંધકામો તોડાશે
મનપા દ્વારા કુલ ૮૭૦૦૦ ચો.મી. વિસ્તારમાંથી અનઅધિકૃત દબાણો હટાવવા ફુલપ્રુફ તૈયારી : કન્ટ્રોલરૂમમાં ધમધમાટઃ પોલીસ બંદોબસ્ત ઉપરાંત ડ્રોનથી પણ ચાંપતી નજરઃ વોકી-ટોકીથી સજ્જ કાફલો તૈનાતઃ પીજીવીસીએલ સહિતનું તંત્ર ખડેપગે

રાજકોટ તા.૨૧: શહેરના સુવ્યવસ્થિત વિકાસ, નદી કાંઠા વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાનો હેતુ અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓથી બચાવ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી આજથી શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
કામગીરીનો વ્યાપ - વિસ્તાર અને આંકડાકીય વિગતો જોઇએ તો આજી નદી પટ્ટા વિસ્તારમાં આશરે ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે. જેથી કુલ ૯૯૨ મકાનો/રચનાઓ દૂર કરવાની કામગીરી કરાશે.
જયારે ટી.પી. રોડ વિસ્તારમાં આશરે ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે. જેના ઉપરના કુલ ૪૯૭ મકાનો/રચનાઓ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આમ કુલ મળીને આશરે ૮૭,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આવેલી ૧૪૮૯ જેટલી રચનાઓ તબક્કાવાર દૂર કરવામાં આવશે.
જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો તા.૨૩થી મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કામગીરીનો ખર્ચ સંબંધિત મિલ્કતધારક પાસેથી વસુલવામાં આવશે. સામગ્રીના નુકસાન માટે પણ સંબંધિત વ્યક્તિ જવાબદાર રહેશે. કાયદેસર જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સંબંધિત રહેવાસીઓને અગાઉથી નોટિસ આપવામાં આવી, સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સમયમર્યાદા આપવામાં આવી, એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, લાઈટ, પાણી પુરવઠા તથા પોલીસ વિભાગ સાથે સંકલન, જરૂરી મશીનરી, માનવબળ અને વાહનોની વ્યવસ્થા, આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને કાયદેસર રીતે અમલમાં મુકાઈ રહી છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સ્વૈચ્છિક રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરે. જો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરવા ઇચ્છે, તો મનપા દ્વારા શકય હોય ત્યાં જરૂરી સાધન-સામગ્રી અને તકનીકી સહયોગ આપવામાં આવશે. નાનું મશીનરી સાધન ઉપલબ્ધ કરાવવામાં સહાય, મલબા ઉઠાવવાની વ્યવસ્થા, માર્ગદર્શન માટે અધિકારીઓની હાજરી, સુરક્ષિત રીતે રચનાઓ દૂર કરવા તકનીકી માર્ગદર્શન, આ સહયોગનો હેતુ નાગરિકોને સરળતા રહે અને કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે છે.
કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મનપાના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. દરેક તબક્કે કામગીરી સુવ્યવસ્થિત અને કાયદેસર રીતે પૂર્ણ થાય તે સુનિヘતિ કરવામાં આવશે.
જંગલેશ્વર વિસ્તારમાં સમગ્ર કામગીરીને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા વિસ્તારને ૭ (સાત) ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-૧ સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફીલ્ડ કર્મચારીઓની ટીમ ઝોનવાઈઝ જવાબદારી અને કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવશે. આ રીતે કાર્ય વહેંચાણ થવાથી કામગીરી ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકાશે.
ડીમોલેશન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે. તમામ સાત ઝોનમાંથી માહિતી પ્રાપ્ત કરાશે અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન અને તાત્કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટે કેન્દ્રિય નિયંત્રણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાએ વિશાળ સ્તરે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. ૬૪થી વધુ JCB મશીનો, ૮૪ ટ્રેક્ટર, ૭ હિટાચી મશીન, ૫૦ ટ્રેક્ટર બ્રેકર, ૪૨ ગેસ કટર, ૧૪ ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. સુનિヘતિ આયોજન સાથે ઝોનવાઈઝ અને તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કામગીરીથી નદીના કુદરતી વહેણમાં અવરોધ દૂર થશે, વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે, ટી.પી. રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુધરશે, ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો થશે, નદી કાંઠા વિસ્તારને સુવ્યવસ્થિત રૂપ આપવામાં સહાય મળશે.
(3:20 PM IST)










