News of Tuesday, 24th February 2026
હસનવાડીમાં ટ્રાન્સપોર્ટ પેઢીમાં નિર્દોષ યુવાન અમન ચાનીયાને ગટીયો અને ભગતે છરીના ૭ ઘા ઝીંક્યાઃ હત્યાનો પ્રયાસ
અમન જ્યાં નોકરી કરે છે તે દુકાન હેપ્પીભાઇએ ભાડેથી રાખી છેઃ આ દુકાનના માલિક જીતુભાઇ ટારીયા સાથે જયેશ ઉર્ફ ગટીયો અને રવિ ઉર્ફે ભગતને માથાકુટ થઇ હોઇ ખાર રાખી બંને જીતુભાઇને શોધવા આવ્યા, તે ન મળતાં અમન સાથે ઝઘડો કરી તૂટી પડયાઃ ભક્તિનગર પોલીસે આરોપીઓની શોધખોળ આદરી

હત્યાની કોશિષનો બનાવ જ્યાં બન્યો ત્યાં એફએસએલ અધિકારીનેસાથે રાખી પીઆઇ રાઇટર નિલેષભાઇ મકવાણા સહિતે પંચનામાની કાર્યવાહી કરી હતી
રાજકોટ તા. ૨૪: પોપટપરામાં રહેતાં અને હસનવાડીમાં નાદ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં નોકરી કરતાં અમન કાસમભાઇ ચાનીયા (ઉ.વ.૨૩) નામના યુવાન પર રાતે તે ઓફિસમાં હતો ત્યારે બે શખ્સોએ આ દુકાનના માલિક જીતુભાઇ ટારીયા ક્યાં છે? તેમ પુછી ઝઘડો કરી છરીથી હુમલો કરી સાતેક ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવમાં ભક્તિનગર પોલીસે પોપટપરા શેરી નં. ૧૪ ભરવાડ સમાજની વાડીમાં રહેતાં અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં કાસમભાઇ અલ્લારખાભાઇ ચાનીયા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી રવિ ઉર્ફે ભગત અને જયેશ ઉર્ફે ગટીયો મહેશભાઇ દવે વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.
કાસમભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સિક્યુરીટીની નોકરી કરુ છું. મારે સંતાનમાં બે દિકરી અને એક દિકરો અમન (ઉ.વ.૨૩) છે, જે અપરિણીત છે અને હવસનવાડી-૩માં આવેલા નાદ ટ્રાન્સપોર્ટમાં એક વર્ષથી નોકરી કરે છે. હું ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓનેલા બિલ્ડીંગ પાસેના એચડીએફસીના એટીએમમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરુ છું. રાતે સવા દસેક વાગ્યે હું ત્યાં હતો ત્યારે ભત્રીજા અમીન રજાકભાઇ ચાનીયાએ ફોન કરી કહ્યું હતું કે નાદ ટ્રાન્સપોર્ટની ઓફિસે તમારા દિકરા અમને કોઇએ છરીના ઘા મારી દીધા છે, તેને મધુરમ્ હોસ્પિટલે લાવ્યા છીએ તમે જલ્દી આવો. જેથી હું તુરત ત્યાં પહોંચ્યો હતો.
હોસ્પિટલમાં મારા દિકરા અમનને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. તેના વાંસામાં બે જગ્યાએ, છાતીમાં ડાબી બાજુએ ત્રણ જગ્યાએ અને મોઢા પર દાઢીના ભાગે એક, જમણા હાથની હથેળીમાં એક છરીના ઘાના નિશાન હતાં. મારો દિકરો સરખી રીતે બોલી શકતો નહોતો. તે લોહીલુહાણ હાલતમાં હતો. અહોસ્પિટલે મારો દિકરો જ્યાં નોકરી કરે છે તે ઓફિસ ચલાવતાં હેપ્પીભાઇના દુકાન માલિક જીતુભાઇ બટુકભાઇ ટારીયા હાજર હતાં. તેણે મને વાત કરી હતી કે તે રાતે નવેક ગાયત્રીનગરના ખુણે તેના મચ્છોમા સર્વિસ સ્ટેશને હતાં ત્યારે જયેશ ઉર્ફે ગટીયો દવે અને રવિ ઉર્ફે ભગત જઘડો કરવા માંડયા હતાં.
આ વખતે તેણે (જીતુભાઇએ) બંનેને ત્યાંથી ભગાડી દીધા હતાં. આ પછી આ બંને તેમની નાદ ટ્રાન્સપોર્ટ સર્વિસની જે દૂકાન ભાડેથી આપેલી છે ત્યાં ગયા હતાં. પોતે (જીતુભાઇ) આ દુકાને હશે તેમ સમજી જયેશ અને રવિએ ત્યાં જઇ ત્યાં હાજર અમનને પુછ્યું હતું કે જીતુભાઇ ટારીયા ક્યાં છે? ત્યારે અમને પોતાને ખબર નથી તેમ કહેતાં આ બંને ઉશ્કેરાઇ ગયા હતાં અને છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં અમનને સાતેક ઘા લાગી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમ જીતુભાઇએ કહ્યું હતું.
કાસમભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મારો દિકરો હેપ્પીભાઇની ભાડે રાખેલી દુકાનમાં ચાલતી ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરીએ હોઇ આ દુકાનના મુળ માલિક જીતુભાઇ સાથે જયેશ અને રવિને માથાકુટ થઇ હોઇ બંને જીતુભાઇને શોધવા આવ્યા હોઇ અહિ જીતુભાઇ વિશે મારા દિકરા અમનને પુછતાં તેણે પોતાને ખબર નથી તેમ કહેતાં બંનેએ ઝઘડો કરી છરીના ઘા મારી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં નિલેષભાઇ મકવાણા, પ્રશાંતસિંહ નટવરસિંહ ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
(2:21 PM IST)










