<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

બે મંદિરમાં થયેલી ચોરીનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલ્‍યોઃ ધ્રુપદ ઉર્ફ ધ્રુપલો ઝડપાયો

રણછોડનગરમાં સાઇબાબાના અને આજી વસાહતમાં બહુચરાજીના મંદિરમાં કર્યો હતો હાથફેરો રવિવારી બજારમાંથી મોબાઇલ ફોન પણ તફડાવ્‍યાનું કબુલ્‍યું: પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એ. બી. ચોૈધરી અને ડી. સ્‍ટાફ ટીમની કાર્યવાહીઃ રોકડ-મોબાઇલ કબ્‍જે

રાજકોટ તા. ૨૪: શહેરના સામા કાંઠે રણછોડનગરમાં તેમજ થોરાળાના આજી વસાહત વિસ્‍તારમાં બે મંદિરમાંથી દાનપેટી તોડી ચોરી કરવાની ઘટનાઓ બની હતી. આ બંને બનાવનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી ગંજીવાડામાં રહેતાં મુળ ગઢકાના ધ્રુપદ ઉર્ફ ધ્રુપેશ ઉર્ફ ધૂપલાને ઝડપી લઇ રોકડ  કબ્‍જે કરી છે. આ ઉપરાંત તતેણે રવિવારી બજારમાંથી મોબાઇલ ફોન બઠ્ઠાવ્‍યાનું પણ કબુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ રણછોડનગર શેરી નંબર ૧૩ કુવાડવા રોડ પર રહેતા જયભાઇ ભરતભાઈ રાજાણી (ઉ.વ.૨૭)એ  બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈ તા. ૨૦/૨ના રાત્રિના સમયે અહીં કુવાડવા રોડ પર રણછોડનગર શેરી નંબર ૧૩માં આવેલા સાંઈબાબા મંદિરમાં કોઈ અજાણ્‍યા શખ્‍સે પ્રવેશ કરી મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂપિયા ૧૨,૦૦૦ રોકડની ચોરી કરી લીધી હતી. આ ચોરીનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલ્‍યો છે. હેડકોન્‍સ. નરેશભાઈ ચાવડા અને જગદીશભાઈ ઘાઘળને મળેલી બાતમીના આધારે પ્રદ્યુમન પાર્ક નજીકથી ધ્રુપદ ઉર્ફે ધ્રુપેશ ઉર્ફે ધુપલો અશોકભાઈ દેત્રોજા વ્‍યાસ (ઉ.વ. ૨૩, રહે. કોઠારીયા સોલવન્‍ટ, ચૈતન્‍ય હનુમાન મંદિર પાસે, મુળ ગઢકા તા.રાજકોટ) હોવાનું જણાવ્‍યું હતું.

પોલીસે આરોપીની સઘન પૂછતાછ કરતા તેણે રણછોડનગરમાં મંદિરમાં થયેલી ચોરી કબુલી હતી. પોલીસે  રૂપિયા ૧૫,૪૮૧ અને એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આ ઉપરાંત બીજી ચોરી તેણે આજી વસાહત શેરી નં. ૧૦માં ત્રણ માળીયા પાસે બાપા સિતારામ ચોકમાં આવેલા બહુચરાજીના મંદિરમાંથી કરી હોવાનું કબુલ્‍યું છે.  મંદિરની દાનપેટીમાં નકલી ચાવી લગાડી ૪ હજારની રોકડ ચોરી હતી. આ બનાવમાં આનંદનગરના પ્રદિપભાઇ અરવિંદભાઇ માંડવીયાએ ફરિયાદ દાખલ કરાવી હતી. આમ બંને મંદિર ચોરીનો ભેદ ખુલ્‍યો હતો. ધ્રુપદે રવિવારી બજારમાંથી ફોન પણ ચોર્યો હોવાનું કબુલ્‍યું છે. પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એ. બી. ચોૈધરી અને ટીમે આ કામગીરી કરી હતી.

(3:49 PM IST)