<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ભાટીયાથી રાજકોટ પોલીસ ભરતીની પરિક્ષા માટે આવેલી યુવતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

મુંજકા ખાતે બહેનપણીના ઘરે રોકાઇ હતીઃ બહેનપણી સવારે બહારથી ઘરે આવી ત્‍યારે રીતુબેન લટકતી મળીઃ બે દિવસ બાદ મવડી હેડક્‍વાર્ટર ખાતે દોડની પરિક્ષા હતીઃ બીએ સુધી અભ્‍યાસ કર્યો હતોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૪: દેવભુમિ દ્વારકાના ભાટીયા ગામે રહેતી યુવતિ રાજકોટ પોલીસ ભરતી માટેની પરિક્ષા દેવા માટે આવી હોઇ પોતાની બહેનપણીના ઘરે મુંજકામાં રોકાઇ હોઇ અહિ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં એરરાટી વ્‍યાપી ગઇ છે. બે દિવસ બાદ તેણીને મવડી હેડક્‍વાર્ટર ખાતે પોલીસની દોડની પરિક્ષા આપવાની હતી. એ પહેલા આ પગલુ કયા કારણે ભર્યુ? તેની તપાસ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ ભાટીયા ગામે રહેતી રીતુબેન દેવાભાઇ કાબરીયા (ઉ.વ.૨૧) નામની યુવતિએ સવારે મુંજકામાં હીનાબેન રાઠોડના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

વધુ માહિતી મુજબ આપઘાત કરનાર  રીતુબેન ત્રણ બહેનમાં વચેટ હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે. તેણીએ બીએ સુધી અભ્‍યાસ કર્યો હતો. હાલ પોલીસ ભરતીની તૈયારી કરી રહી હતી. ૨૬/૨ના રોજ તેની રાજકોટ મવડી હેડક્‍વાર્ટર ખાતે દોડની પરિક્ષા હોઇ જેથી તે અહિ આવી હતી અને પોતાની મિત્ર હીનાબેનના ઘરે રોકાઇ હતી. તેની બહેનપણી સવારે સગાના ઘરે જઇને પરત આવી ત્‍યારે રીતુબેન દરવાજો ખોલતી ન હોઇ તોડીને જોતાં લકટતી હાલતમાં મળતાં તુરત જ સારવાર માટે ખસેડી હતી. પરંતુ જીવ બચ્‍યો નહોતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. રીતુબેનના માતા પિતાને પોલીસે જાણ કરતાં તેઓ રાજકોટ આવવા રવાના થયા હતાં. યુવાન અને આશાસ્‍પદ દિકરીના આ પગલાથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(3:50 PM IST)