News of Wednesday, 25th February 2026
રાજકોટ બસ સ્ટેશન અને બસમાં ગંદકી કરનારા સામે દંડનાત્મક કાર્યવાહી
કચરો કચરા પેટીમાં નાખવા અને સ્વચ્છતા જાળવવા મુસાફરોને સૂચનાઃ ૧૦ ડેપો ખાતે ઝુંબેશ

રાજકોટ તા. ૨૫: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ગુજકોટ વિભાગ દ્વારા તમામ ૧૦ ડેપો ખાતે ‘‘સ્વચ્છતા હી સેવા'' અભિયાન અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને સાર્થક બનાવવા માટે રાજકોટ એસ.ટી. ડેપો ઉપર સ્વચ્છતા બાબતે મુસાફરોને સમજ આપવામાં આવે છે. તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્વારા સમયાંતરે એનાઉસમેન્ટ કરીને મુસાફરોને સ્વચ્છતા રાખવા બાબતે અનુરોધ કરવામાં આવે છે.
આ ઉપરાંત, બસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાઇ રહે, તે માટે વિભાગીય નિયામક શ્રી એમ. પી. રાજ સહિતના અધિકારીઓ દ્વારા અવારનવાર બસ પોર્ટની મુલાકાત લઈને મુસાફરોની મુસાફરી સુગમ બની રહે, તેવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. બસ પોર્ટમાં ‘‘ધ્રુમપાનની મનાઈ છે'', ‘‘થૂંકવું નહીં'', ‘‘ખિસ્સા કાતરુથી સાવધાન'' જેવા સૂત્રો ધરાવતા સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. આમ છતાં પણ જો કોઈપણ વ્યક્તિ બસ સ્ટેશન કે બસની અંદર ગંદકી ફેલાવતી હોવાનું જણાશે તો તેની સામે હવે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ વોલ્વો મેનેજર શ્રી એન. વી. ઠુમ્મર તથા સીનીયર ડેપો મેનેજર શ્રી જી. એચ. ચગના જણાવ્યા મુજબ વિભાગીય નિયામક શ્રી એમ.પી.રાજના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશન, ડેપો પરિસર તથા બસની અંદર કચરો કરનારા, પાન-મસાલાની પિચકારીઓ મારનારા તેમજ ગંદકી ફેલાવનારા સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિ પાસેથી રૂપિયા ૧૦૦નો દંડ વસૂલવામાં આવશે, જ્યારે જ્યાં ત્યાં થૂંકનારી વ્યક્તિ સામે રૂપિયા ૨૦૦નો દંડ વસૂલવામાં આવશે. અન્ય રીતે ગંદકી ફેલાવનારા સામે પણ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાશે
(2:16 PM IST)










