તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Thursday, 26th February 2026
રાજકોટના મોટા મૌવા તાલુકા શાળા રોડ પર ઊભું થઈ ગયું મિનિ જંગલેશ્વર
શનિવારી અને મચ્છી માર્કેટ તરફ જતો માર્ગ બિસ્માર બનતા રહીશો અને દુકાનદારોમાં ભારે રોષ; શું સત્તાધીશોને હજારો મતદારોની હાલાકી માત્ર ચૂંટણી સમયે જ દેખાશે? : મોટા મવા રોડ પર બ્રિજની આસપાસના રસ્તાઓની હાલત બતર : ‘બ્રિજ પહેલા જન્નત અને બ્રિજ પછી જહન્નમ' જેવી સ્થિતિથી હજારો વાહનચાલકો બેહાલ

રાજકોટ : રાજકોટના પヘમિ વિસ્તારમાં આવેલા મોટા મવા તાલુકા શાળા અને તેની આસપાસના વિસ્તારોમાં રસ્તાની દુર્દશાને કારણે સ્થાનિકોમાં સત્તાધીશો સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં બ્રિજની એક તરફનો રસ્તો સુવ્યવસ્થિત છે, જ્યારે બ્રિજ ઉતરતા જ બીજી તરફના રસ્તામાં ‘જમીન આસમાન'નો તફાવત જોવા મળી રહ્યો છે. હજારો લોકોની અવરજવર ધરાવતા આ મહત્વના માર્ગ પર જાણે તંત્રને રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બ્રિજ પહેલાં અને પછીના રસ્તામાં આભ-જમીનનો ફર્ક :
શનિવારી વાડો રોડ, મચ્છી માર્કેટ પાસેનો માર્ગ અને મોટા મવા તાલુકા શાળા તરફ જતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. સ્થાનિકોની ફરિયાદ છે કે બ્રિજ પહેલાનો રસ્તો સારો છે, પરંતુ બ્રિજ ઓળંગતાની સાથે જ રસ્તાના કોઈ ઠેકાણા નથી. મોટા મોટા ખાડા અને ઉડતી ધૂળને કારણે વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. હજારો લોકો રોજ આ રસ્તેથી પસાર થાય છે, છતાં સત્તાધીશો આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
રહીશો અને દુકાનદારો પરેશાન ‘‘મતદારો માત્ર ચૂંટણી વખતે જ યાદ આવે છે?''
આસપાસની ડઝનબંધ સોસાયટીઓના રહીશો અને રોડ પરના દુકાનદારો આ બિસ્માર રસ્તાને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે આ વિસ્તારમાં હજારો મતદારો વસે છે, પરંતુ નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે. એકવાર ચૂંટણી પૂરી થયા પછી જનતાની સુખાકારી અને પાયાની જરૂરિયાત સમાન રસ્તાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી.
તંત્રની ઘોર નિદ્રા કયારે ઉડશે?
વારંવારની રજૂઆતો છતાં રસ્તાનું સમારકામ ન થતા હવે લોકો પૂછી રહ્યા છે કે શું અધિકારીઓ કે પદાધિકારીઓ આ પરેશાનીમાંથી મુક્તિ અપાવશે? કે પછી હંમેશની જેમ ‘ધબાય નમઃ'કરીને આ ફાઈલો દબાવી દેવામાં આવશે? જો વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે.(રિપોર્ટ : નિલેશ શીશાંગીયા, તસ્વીર : સંદીપ બગથરીયા) (અકિલા) (૪૧.૨)
(2:43 PM IST)










