News of Thursday, 26th February 2026
લાખાજીરાજ ઉદ્યોગનગરમાં કલ્પેશ વાલાણી પર માતા સહિતનો હુમલોઃ ઘુંટણ, પાંસળીમાં ફ્રેકચર
જુનુ મનદુઃખ ચાલતું હોઇ તેના કારણે માતા પ્રભાબેન, સાથેના રાહુલ, વિનય, ભરત અને અજાણ્યો ધોકા-ધારીયાથી તૂટી પડયાઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૬: થોરાળાના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં અને લાકડાનો વેપાર કરતાં યુવાન પર તે ઘરની ડેલીએ બેસીને લાકડાના વેપારનો હિસાબ કરતો હતો ત્યારે તેના જ વિસ્તારના ત્રણ શખ્સોએ બાઇક પર ધારીયા, ધોકા સાથે આવી અચાનક હુમલો કરી બેફામ ફટકારતાં આ યુવાનના ઘુંટણ અને એક પાંસળી ભાંગી ગયા છે. આ ઉપરાંત યુવાન પર તેના જ માતા સહિતના અન્ય બે જણાએ પણ હુમલો કરી ઢીકાપાટુ માર્યા હતાં.
જાણવા મળ્યામ ુજબ દૂધની ડેરી નજીક લાખાજીરાજ ઉદ્યોગનગર-૮માં મીરા પાન પાસે રહેતાં કલ્પેશભાઇ રમેશભાઇ વાલાણી (ઉ.વ.૪૦) લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કલ્પેશભાઇની ફરિયાદ પરથી રાહુલ ડાભી, વિનય મનસુખભાઇ ડાભી, તેમજ માતા પ્રભાબેન રમેશભાઇ વાલાણી, ભરત માધાભાઇ ચાવડા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.
કલ્પેશભાઇ વાલાણી પરિવાર સાથે રહે છે અને લાકડાનો વેપાર કરે છે. તેને સંતાનમાં ત્રણ દિકરા છે. તેણે જણાવ્યું હતું કે ૨૪મીએ હું મારા ઘરની ડેલીએ બેસીને લાકડાના વેપારનો હિસાબ કરતો હતો ત્યારે રાહુલ ડાભી ત્રણ સવારીમાં હોન્ડા બાઇક હંકારીને નીકળ્યો હતો. રાહુલની પાછળ નિય ડાભી અને અજાણ્યો શખ્સ બેઠા હતાં. આ લોકો પાસે ધારીયુ અને ધોકા હતાં. ત્રણેય મારી પાસે આવ્યા હતાં અને વિનયે નીચે ઉતરી મને પગના ઘુંટણમાં ધારીયાનો ઘા મારતાં હું પડી ગયો હતો.
બાદમાં અજાણ્યા શખ્સે અને રાહુલે ધોકાથી હુમલો કરી મને આડેધડ ફટકારતાં પાંસળી અને પગમાં ઇજાઓ થઇ હતી. થોડીવારમાં મારા માતા પ્રભાબેન રમેશભાઇ વાલાણી, ભરતભાઇ માધાભાઇ ચાવડા પણ આવ્યા હતાં અને આ બંનેએ પણ મને ઢીકાપાટુ માર્યા હતાં. મેં વધુ રાડો પાડતાં મારો દિકરો દર્શન (ઉ.વ.૧૮) અને મારા પત્નિ મનિષા અને બીજો દિકરો હાર્દિક તથા પાડોશી કોૈશિક સરવૈયા સહિતના દોડી આવતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં.
બાદમાં કોઇએ ૧૦૮ બોલાવતાં મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જમણા પગમાં ઘુંટણની નીચેના ભાગે હાડકુ ભાંગી ગયાનો તબિબી નિદાન સારવાર બાદ રિપોર્ટ આવ્યો હતો. આ ઉપરાંત ડાબી બાજુની એક પાંસળીમાં પણ ફ્રેકચર હોવાનું ડોક્ટરે કહ્યું હતું. આ બંને ઇાજઓમાં ઓપરેશન કરવું પડશે તેમ જણાવાયુ હતું. કલ્પેશભાઇએ વધુમાં કહ્યું હતું કે મારા બહેન હાલમાં મારા બહેન અલગ રહેવા માંડયા હોઇ મેં તેની સાથે વ્યવહાર ન રાખતાં ખાર રાખી માતા સહિતે મારા પર હુમલો કર્યો હતો. થોરાળા પીઆઇ એચ. એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્સ. એચ. ડી. પરમારે ગુનો નોંધતા પીએસઆઇ એન. આર. ડોબરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
(3:07 PM IST)










