<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

રાજકોટ જિલ્‍લા પંચાયતની ૩૬ બેઠકો માટે જંગના એંધાણ : નવા રોસ્‍ટરથી દિગ્‍ગજોના સમીકરણો ખોરવાયા

રાજકોટ જિલ્‍લા પંચાયતની કુલ ૩૬ બેઠકો માટે બેઠક અનામતનું રોસ્‍ટર જાહેર થતાં જ અનેક ‘જૂના જોગીઓ'ની ટિકિટ કપાય તેવી અથવા બેઠક બદલવી પડે તેવી સ્‍થિતિ સર્જાઈ છે

રાજકોટ, તા.૨૬ : મહાનગરપાલિકાની સાથે આગામી સમયમાં યોજાનારી જિલ્‍લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો તેજ બન્‍યો છે.

રાજકોટ જિલ્‍લા પંચાયતની કુલ ૩૬ બેઠકો માટે બેઠક અનામતનું રોસ્‍ટર જાહેર થતાં જ અનેક 'જૂના જોગીઓ'ની ટિકિટ કપાય તેવી અથવા બેઠક બદલવી પડે તેવી સ્‍થિતિ સર્જાઈ છે.

૩૬ નવા જાહેર થયેલા રોસ્‍ટર મુજબ, ૩૬ પૈકી ૨૧ બેઠકો સામાન્‍ય વર્ગ માટે રાખવામાં આવી છે, જ્‍યારે ૧૦ બેઠકો ઓબીસી, ૪ બેઠક અનુસૂચિત જાતિ અને ૧ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે.

મહિલા અનામતની વાત કરીએ તો સામાન્‍ય શ્રેણીમાં ૧૧, ઓબીસીમાં ૫ અને અનુસૂચિત જાતિમાં ૨ બેઠકો ફાળવવામાં આવી છે.

જ્જ કૌભાંડોના મુદ્દે જનતા વચ્‍ચે જવામાં કોંગ્રેસ ઉણી ઉતરી : ભાજપ માટે જીતની રાહ આસાન?

વર્તમાન ટર્મ દરમિયાન શાસક પક્ષ પર બાંધકામ, ચેકડેમ અને આંગણવાડીના પૌષ્ટિક આહાર (ચીકી) જેવા વિષયોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોવા છતાં, વિપક્ષ તરીકે કોંગ્રેસ આ મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવવામાં નિષ્‍ફળ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકીય વિશ્‍લેષકો માની રહ્યા છે કે ભ્રષ્ટાચારની ‘બૂ' હોવા છતાં પુરાવા સાથે આક્રમક વિરોધના અભાવે આગામી ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

કોંગ્રેસ પાસે મજબૂત નેતૃત્‍વ અને રજૂઆતનો અભાવ ચૂંટણી પરિણામો પર સીધી અસર કરી શકે છે, જેના કારણે કેસરીયો ગઢ જાળવી રાખવો ભાજપ માટે સરળ બની રહેશે.

જ્જ ટિકિટ મેળવવા નેતાઓનું લોબિગ શરૂ : ‘નો રિપીટ થિયરી' લાગુ થશે કે કેમ તેના પર સૌની મીટ

બેઠકોની ફેરબદલ અને અનામતના નવા ગણિતને પગલે હાલના સદસ્‍યોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓએ અત્‍યારથી જ સલામત બેઠકો શોધવા માટે લોબિગ અને આંતરિક દાવપેચ શરૂ કરી દીધા છે.

બીજી તરફ, ભાજપ આ વખતે ‘નો રિપીટ થિયરી' અપનાવશે કે સક્ષમ ઉમેદવારોને ફરી તક આપશે તે જોવું રસપ્રદ રહેશે.

ભૂતકાળમાં અનેકવાર પક્ષે નિયમો બાજુ પર મૂકીને જીતી શકે તેવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે, ત્‍યારે આ વખતે નવા ચહેરાઓને સ્‍થાન મળે છે કે જૂના જોગીઓ પોતાની બેઠક બચાવવામાં સફળ રહે છે તે આગામી દિવસોમાં સ્‍પષ્ટ થશે.

(3:30 PM IST)