ડિજિટલ દુનિયાના દરબારમાં ૧૦ કરોડનો તાજઃ ઇન્સ્ટાગ્રામ પર મોદીજીનું રાજ
વિશ્વનેતાની અજોડ સિદ્ધિને વધાવતા રાજુભાઈ ધ્રુવઃ વિશ્વના દિગ્ગજ રાજનેતાઓ નું કદ જ્યાં ટૂંકું પડે, ત્યાં ઇન્સ્ટા પર ૧૦ કરોડ સાથે માત્ર મોદીજી જ નજરે ચડે

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે દેશના યશસ્વી વડાપ્રધાન અને અજોડ વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ (૧૦૦ મિલિયન) ફોલોઅર્સનો જાદુઈ અને ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. આ અકલ્પનીય સિદ્ધિ સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના એકમાત્ર અને પ્રથમ એવા રાજકારણી બની ગયા છે જેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર લોકપ્રિયતાનો આ મહાન માઈલસ્ટોન સર કર્યો હોય.
વડાપ્રધાનશ્રીની આ વિરાટ સિદ્ધિને બિરદાવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ‘‘આ માત્ર દસ કરોડનો આંકડો નથી, પરંતુ આદરણીય મોદીજી પ્રત્યે વિશ્વભરના લોકો, યુવાનો અને વૈશ્વિક નેતાઓના અતૂટ વિશ્વાસ અને અસીમ પ્રેમનું જીવંત પ્રમાણપત્ર છે. મોદીજી ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન તો છે જ સાથોસાથ તેઓ સમગ્ર વિશ્વના હૃદયસમ્રાટ અન ‘વિશ્વમિત્ર' બની ચૂકયા છે. તેમની દૂરંદેશી વિચારધારા અને ડિજિટલ ઈન્ડિયાના વિઝને તેમને જમીનથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ ગ્લોબલ આઇકોન' તરીકે -સ્થાપિત કર્યા છે.''
ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે વિશેષ માહિતી આપતા કહ્યું કે, આ સિદ્ધિ કેટલી હિમાલય જેવી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, વિશ્વના અન્ય ટોચના પાંચ નેતાઓના સંયુક્ત ફોલોઅર્સ ભેગા કરીએ, તેના કરતા પણ એકલા આપણા મોદીજીના ફોલોઅર્સ વધુ છે! રાજનેતા કે શાસક તરીકેની લોકપ્રિયતાની વ્યાપકતામાં શ્રી મોદીજી સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા છે. બીજા ક્રમે આવતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ૪.૩૨ કરોડ ફોલોઅર્સ ધરાવે છે. પ્રથમ અને બીજા ક્રમ વચ્ચેનું ૫.૬૮ કરોડનું આ તોતિંગ અંતર જ સાબિત કરે છે કે વૈશ્વિક સ્તરે લોકપ્રિયતાના બાબતે મોદીજીની આસપાસ પણ કોઈ નેતા નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘ટ્રમ્પ ઉપરાંત ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રભોવો સુબિએન્ટો (૧.૫ કરોડ), બ્રાઝિલના -મુખ લુલા ડી સિલ્વા (૧.૪૪ કરોડ), તુર્કીના પ્રમુખ એર્દોઆન (૧.૧૬ કરોડ) અને આર્જેન્ટિનાના પ્રમુખ જેવિઅર મિલે (૬૪ લાખ) જેવા વિશ્વના દિગ્ગજ નેતાઓ પણ લોકપ્રિયતાની દોડમાં મોદીજીથી જોજનો દૂર છે.
અંતમાં શ્રી રાજુભાઈ ધ્રુવે ગૌરવભેર જણાવ્યું હતું કે, ‘‘એકાદ દશકાથી ઈન્સ્ટાગ્રામ પર સક્રિય એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનતા સાથે સીધો સંવાદ સાધવાની અનોખી શૈલીએ ‘મોદી મેજિક'ને વિશ્વભરમાં ફેલાવ્યો છે. વડાપ્રધાનશ્રીની આ ઐતિહાસિક અને અજોડ સિદ્ધિ સમગ્ર દેશવાસીઓ અને ખાસ કરીને આપણે સૌ ગુજરાતીઓ માટે અત્યંત ગર્વની ક્ષણ છે.'










