<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

હનુમાન મઢી ચોકના ઝીલ ફેશનવાળા ધર્મેશભાઇ સાથે ડ્રાયફુટના ધંધામાં રોકાણના નામે ૨૫.૭૫ લાખની ઠગાઇ

ભગવતીપરાના શબ્‍બીર કાસમાણીએ ત્રણ વર્ષ સેલ્‍સમેન તરીકે નોકરી કરી પછી જામનગરના આસીફ સાથે ડ્રાયફ્રુટનો ધંધો ચાલુ કર્યોઃ ધર્મેશભાઇ વિઠ્ઠલાણીને રોકાણ પર વળતરની લાલચ દઇ શરૂઆતમાં નફો કરાવ્‍યોઃ છેલ્લે ધૂંબો મારી દીધોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

 

 

રાજકોટ તા. ૨૭: રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં રેડીમેઇડ કપડાનો વેપાર કરતાં યુવાનની દુકાને અગાઉ સેલ્‍સમેન તરીકે ત્રણેક વર્ષ નોકરી કરી ચુકેલા ભગવતીપરાના શખ્‍સે બાદમાં નોકરી છોડી મુળ જામનગરના હાલ રાજકોટ રહેતાં શખ્‍સ સાથે મળી ડ્રાયફ્રુટની બે પેઢી ચાલુ કરી તેમાં રોકાણ પર વળતર આપશે તેમ કહી કપડાના વેપારી પાસેથી રોકાણના નામે અલગ અલગ રકમ લઇ શરૂઆતમાં મુળ રકમ અને વળતરની રકમ આપી દઇ છેલ્લે બંનેએ ચાલીસ લાખ સામે પોણા ચાર લાખ અને સાડા આઠ લાખ જ પરત આપી બાકીના ૨૫.૭૫ લાખ ન ચુકવતાં બંને વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ સવન સિમ્‍ફની ફલેટ નં. ૨૦૧માં રહેતાં ધર્મેશભાઇ બળવંતભાઇ વિઠ્ઠલાણી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ભગવતીપરામાં રહેતાં શબ્‍બીરહુશેન મહમદભાઇ કાસમાણી, જામનગરના અને હાલ રૈયા રોડ સુભાષનગર-૮માં સાઇબાબાના મંદિર પાસે સોનલ એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે રહેતાં આશીફ લાખાણી વિરૂધ્‍ધ રૂા. ૨૫,૭૫,૦૦૦ ઓળવી જવાનો ગુનો નોંધ્‍યો છ.ે

ધર્મેશભાઇ વિઠ્ઠલાણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હનુમાન મઢી પાસે ઝીલ ફેશન નામે ૧૮ વર્ષથી રેડીમેઇડ કપડાનો વેપાર કરુ છું.  સાતેક વર્ષ ભગવતીપરાના શબ્‍બીરહુશેન કાસમાણી મારી દુકાને આવેલ અને નોકરીની જરૂર હોઇ તેમ કહેતાં મારે પણ દૂકાનમાં કામકાજ માટે માણસોની જરૂર હોઇ જેથી મેં તેને સેલ્‍સમેન તરીકે કામે રાખ્‍યો હતો. ત્રણેક વર્ષ નોકરી કર્યા બાદ શબ્‍બીરહુશેને નોકરી છોડી દીધી હતી અને વર્ષ ૨૦૨૨માં જામનગરના અને હાલ રાજકોટ સુભાષનગરમાં રહેતાં આશીફ  લાખાણી સાથે મળી રાજકોટમાં જ ફાઇવસ્‍ટાર નામે પેઢી ચાલુ કરી ભાગીદારીમાં ડ્રાયફ્રુટનો ધંધો ચાલુ કર્યો હતો.

એકાદ વર્ષ પછી શબ્‍બીર અને આશીફ મારી દુકાને આવ્‍યા હતાં અને પોતાના ડ્રાયફ્રુટના ધંધામાં રોકાણ કરવાનું કહ્યું હતું અને નફો થાય તેમાંથી થોડો તમને આપશું તેમ જણાવ્‍યું હતું. તેમજ રૂપિયાનો વહિવટ પોતે કરશે તેમ શબ્‍બીરે કહ્યું હતું. આ બંને ધર્મેન્‍દ્ર રોડ પર જુની શાક માર્કેટ પાસે ભાડે દુકાન રાખી ફાઇવસ્‍ટાર ડ્રાયફ્રુટના નામે વેપાર કરતાં હતા. જે પેઢી શબ્‍બીર કાસમાણીના નામે હતી. બાદમાં એક વર્ષ પછી દાણાપીઠમાં આ બંનેએ ડ્રાયફ્રુટનો હોલસેલ વેપાર ચાલુ કર્યો હતો, આ પેઢી આશીફના નામે હતી.

આ પછી ફરીથી શબ્‍બીરે વર્ષ ૨૦૨૩માં મને પોતાના ધંધામાં ઇન્‍વેસ્‍ટ કરવાનું કહેતાં મેં રૂા. ૨૦ લાખ તેને ધંધામાં રોકાણ રવા આપ્‍યા હતાં. તે વખતે શબ્‍બીર અને આશીફે વિશ્વાસ આપ્‍યો હતો અને પોતાની પેઢીના નામે એક એક કોરા ચેક આપ્‍યા હતાં. આ મારા રોકાણ પર ત્રણ મહિના પછી બંનેએ મેં આપેલા ૨૦ લાખ અને તેના વળતરના ૧ લાખ મને પાછા આપ્‍યા હતાં. ત્‍યારબાદ ફરીથી શબ્‍બીર ૨૦૨૪માં મારી દુકાને આવ્‍યો હતો અને રોકાણ કરવાનું કહેતાં ફરી મેં ૨૦ લાખ દીધા હતાં. આ વખતે પણ ત્રણ મહિનામાં રોકાણના ૨૦ લાખ અને વળતરના ૨ લાખ મળી મને કુલ ૨૨ લાખ પાછા આપ્‍યા હતાં. આ રકમ ૨૫-૨૫ હજારના હપ્‍તાથી મને આપી દીધી હતી.

ત્‍યારબાદ પણ મને વારંવાર રોકાણ કરવાનું કહેતાં હતાં પરંત મારે નવુ ઘર કરવાનું હોઇ જેથી મેં રૂપિયા નથી તેમ કહ્યું હતું. બાદ ૨૮/૪/૨૫ના રોજ ફરીથી શબ્‍બીરે વ્‍હોટ્‍સએપમાં મેસેજ કરી કહ્યું કે-તેની દાણાપીઠની પેઢીમાં હોલસેલ માલની ગાડી મંગાવી હોઇ તાત્‍કાલીક ૧૦ લાખ રૂપિયા પેમેન્‍ટક રવાનું છે, તેમ કહી કેનીશ દૂકાનનો વિડીયો અને ગાડી ઉભી હોય તે મને વિડીયો કોલથી બતાવ્‍યું હતું. તેમજ અઠવાડીયામાં રૂપિયા આપી દેશે તેમ કહેતાં અને વળતર પેટે ૫૦ હજાર પણ આપશે તેમ જણવાતાં મેં તેને ૧૦ લાખ રોકડા મારી દુકાને આપ્‍યા હતાં.

તયરબાદ મે મહિનાની શરૂઆતમાં શબ્‍બીરનો મને ફરી ફોન આવેલો કે મારે એક પેમેન્‍ટ અટકી ગયું છે, તત્‍કાળ ૫ લાખ આપો, હું તમને આગલા ૧૦ અને આ પ મળી કુલ ૧૫ લાખ બે ત્રણ દિવસમાં આપી દઇશ તેમ કહેતાં મેં વિશ્વાસે વધુ પાંચ લાખ મારી દુકાન ખાતેથી શબ્‍બીરને દીધા હતાં. બાદ મં તેની પાસે રૂપિયા પાછા માંગતા તે બહાના બતાવવા માંડયો હતો. એ પછી ફરીથી મને ૨૦ લાખનું રોકાણ કરવાનું કહી વળતર સહિતની રકમ દરરોજ ૨૫ હજારના હપ્‍તેથી ચુકવી દેશે તેમ કહેતાં મેં તેને અગાઉના ૧૫ લાખ પણ આપ્‍યા ન હોઇ તેની વાત કરતાં તેના દરરોજના પચ્‍ચીસ હજાર લેખે ચુકવી દેશે તેવી ખાત્રી આપી હતી. આથી મેં ૩૦/૬/૨૫ના રોજ તેને વધુ ૨૦ લાખ રોકડા મારી દુકાન ખાતે આપ્‍યા હતાં.

એ પછી એ જ દિવસે સાંજે આઠેક વાગ્‍યે શબ્‍બીરની દુકાને કામ કરતો હીમાંશુ મારી દુકાને આવી ૨૫ હજાર આપી ગયો હતો. આ પછી રેગ્‍યુલર ૨૫-૨૫ હજાર લેખે ૧૭ હપ્‍તા અને એક હપ્‍તો ૧ાા લાખનો મળી કુલ રૂા. ૫,૭૫,૦૦૦ મને પરત આપ્‍યા હતાં. તા. ૨૬/૭ના રોજ શબ્‍બીર ફરી દુકાને આવ્‍યો હતો અને તાત્‍કાલીક પાંચ લાખની જરૂર છે, બે દિવસમાં બધા પૈસા આપી દશ તેમ કહેતાં મેં પાંચ લાખ પચાસ હજાર ઓનલાઇન ટ્રાન્‍સફર કર્યા હતાં. આ રીતે મેં તેને કુલ ૪૦ લાખ આપ્‍યા હતાં. એ પછી તેણે બે  કટકે ૫,૭૫,૦૦૦ અને આશીફે ૮,૫૦,૦૦૦ પાછા આપ્‍યા હતાં. પરંતુ બાકીના રૂા. ૨૫,૭૫,૦૦૦ આ બંને આજ સુધી પરત આપતાં ન હોઇ અંતે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં ધર્મેશભાઇએ કહેતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ચાવડાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

(3:01 PM IST)