<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

કેમ પોલીસમાં અરજી કરો છો? રેખાબેન અને તેના ભાઇને માર મારી ખૂનની ધમકી

યુનિવર્સિટી રોડ કેવલમ્‌ નજીક આવાસ ક્‍વાર્ટરમાં બનાવ પાડોશમાં રહેતાં રવિ ઉર્ફે માયો અને ફરીદ વિરૂધ્‍ધ અગાઉ અરજી કરી હોઇ તેનો ખાર રાખી ફરીથી ડખ્‍ખો કર્યોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૮: યુનિવર્સિટી રોડ પર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં મહિલા સાથે જુની પોલીસની અરજીનો ખાર રાખી પાડોશીઓએ હુમલો કરી ઢીકાપાટા મારતાં અનેતેણીના ભાઇ વચ્‍ચે પડતાં તેને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે કેવલમ નજીક આવેલી આવાસ યોજનાના બ્‍લોક નં. ૩૨માં રહેતાં રેખાબેન કેતનભાઈ વૈઠા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી તેના પાડોશમાં જ રહેતા રવિ ઉર્ફે માયો અરજણભાઈ ગોંડલીયા અને ફરીદ જાકીરભાઈ શેખ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવ્‍યુ છે આ બંને અવારનવાર ઝઘડો કરી હેરાન કરતા હતા. આ ત્રાસથી કંટાળીને રેખાબેને આ શખ્‍સો વિરૂધ્‍ધ અગાઉ પોલીસમાં અરજી આપી હતી. આ અરજીનો ખાર રાખીને શુક્રવારે સવારે દસેક વાગ્‍યાના અરસામાં જ્‍યારે રેખાબેન ઘરની બહાર હતા ત્‍યારે બંને શખ્‍સો તેમની પાસે આવ્‍યા હતા અને તું કેમ અમારી વિરૂધ્‍ધ અરજી કરે છે? તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો અને બેફામ ગાળો દેવા માંડયા હતાં.

 જ્‍યારે રેખાબેને ગાળો આપવાની ના પાડી  ત્‍યારે રવિ અને ફરીદે તેમને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રેખાબેનના ભાઈ નરેન્‍દ્રભાઈ મનસુખભાઈ પાલા તેમને બચાવવા માટે વચ્‍ચે પડતાં  તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. મકાન પાસે લોકોના ટોળા એકઠા થવા લાગતા બંને શખ્‍સો ત્‍યાંથી ભાગી છૂટયા હતા.

જતાં જતાં પણ બંનેએ જો હવે પછી અમારા વિરૂધ્‍ધ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આ લોકો ફરીથી માથાકુટ કરે તેવો ડર હોઇ ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી.

(2:41 PM IST)