તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Saturday, 28th February 2026
શેરબજારમાં રોકાણ પર ૩ ટકા નફાની લાલચ આપી ગાંધીગ્રામના વૃધ્ધ સાથે ૬ લાખની ઠગાઇ
જાહેરાત વાંચી અરિહંત ઇન્વેસ્ટમેન્ટના સંચાલક અભય કામદારનો સંપર્ક કર્યો હતોઃ શરૂઆતમાં વળતર અપાયું, છેલ્લે નાણા ખાઇ જવાયાઃ માલવીયાનગર પોલીસે અમિતભાઇ દવેની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૨૮: શેરબજારમાં સારા વળતરની લાલચ આપી શહેરના એક વૃધ્ધને રોકાણ કરવાનું કહી તેમની સાથે ૬ લાખની ઠગાઇ કરવામાં આવી છે. અખબારમાં જાહેરાત વાંચી વૃધ્ધે તેમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં રોકાણ પર ૩ ટકા નફો નિયમીત અપાયો હતો. પણ બાદમાં છેતરી લેવાયા હતાં. આ બનાવમાં માલવીયાનગર પોલીસે રામાપીર ચોકડી પદ્માવતિ એપાર્ટમેન્ટ એ-૧૦૪માં રહેતાં અમિતભાઇ ગોરધનદાસ દવે (ઉ.વ.૬૮)ની ફરિયાદ પરથી અભય મહેન્દ્રભાઇ કામદાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અમિતભાઇ દવેએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે ૨૦૨૨માં તેમણે છાપામાં અરિહંત ઈન્વેસ્ટમેન્ટ નામની કંપનીની એક જાહેરાત વાંચી હતી. આ જાહેરાતમાં રોકાણ સામે આકર્ષક વળતરની ખાતરી આપવામાં આવી હતી. બાદ જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા તેમની મુલાકાત અભય મહેન્દ્રભાઈ કામદાર સાથે થઈ હતી. અભયએ પોતાની ઓફિસ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઈમ્પીરીયલ હાઈટ્સમાં હોવાનું જણાવી વળદ્ધને ત્યાં બોલાવ્યા હતા. મુલાકાત દરમિયાન અભયએ વિશ્વાસ આપ્યો હતો કે જો તેઓ નાણાં રોકશે, તો તે પૈસા શેરબજારમાં લગાવીને માસિક ૩ ટકા લેખે ફિક્સ વળતર આપશે.
બાદમાં અભયએ વૃધ્ધ અમિતભાઇનો વિશ્વાસ જીતવા માટે સુરક્ષા પેટે પોતાના બેંકના ચેક પણ આપ્યા હતા. શરૂઆતમાં અમિતભાઇએ ૧,૦૦,૦૦૦નું રોકાણ કર્યું, જેના બદલામાં તેમને ૩,૦૦૦નું માસિક વળતર મળ્યું હતું. આ નિયમિત વળતર મળતા વિશ્વાસ બેઠો હતો, જેના કારણે તેમણે પોતાની જીવનભરની બચત કટકે-કટકે આ યોજનામાં રોકવાનું નક્કી કર્યુ હતું અને ફેબ્રુઆરી ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૨ દરમિયાન કુલ રૂપિયા ૭,૦૦,૦૦૦ જેટલી રકમ ચેક દ્વારા અભયભાઈને ટ્રાન્સફર કરી હતી. વળતર તરીકે શરૂઆતના ૯ મહિના સુધી રકમ જમા થતી રહી, પરંતુ ત્યારબાદ વળતર આવવાનું બંધ થઈ ગયું હતું.
જ્યારે દસમા મહિને વળતર જમા ન થયું, ત્યારે અમિતભાઈએ અભયનો સંપર્ક કર્યો હતો. એ વખતે અભયએ સતત વાયદાઓ આપ્યા હતા કે નાણાં પરત મળી જશે. લાંબો સમય વીતવા છતાં પૈસા ન મળતા, અમિતભાઈએ સુરક્ષા પેટે આપેલા ચેક બેંકમાં જમા કરાવ્યા હતા. તેમાંથી માત્ર એક લાખ રૂપિયાનો એક ચેક પાસ થયો હતો, જ્યારે બાકીના તમામ ચેક બેંકમાંથી બાઉન્સ થઈને પરત આવ્યા હતા. સમાધાનની આશામાં અમિતભાઇએ અત્યાર સુધી રાહ જોઈ હતી, પરંતુ આખરે પોતાની મુદ્દલ રકમના રૂપિયા ૬,૦૦,૦૦૦ પરત ન મળતા તેમણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. આર. કોઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:43 PM IST)










