<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

કૃષ્‍ણ ભગવાનનું પાત્ર ભજવવા માટે તૈયાર થતી વખતે ૨૦ વર્ષિય પ્રિયંકા રાઠોડ ઢળી પડીઃ મોત

ઘરે ભાગવત કથા ચાલતી હોઇ તુલસી વિવાહનો પ્રસંગ હતો

રાજકોટ તા. ૨૮: માણસની જિંદગીની સફરનો ગમે ત્‍યારે અંત આવી જતો હોય છે. આવી જ એક કરૂણ ઘટના માયાણીનગરના રાઠોડ પરિવારમાં બની છે. ઘરે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ ચાલતી હોઇ તેમાં ગઇકાલે તુલસી વિવાહનો પ્રસંગ હોઇ આ પ્રસંગમાં શ્રી કૃષ્‍ણ ભગવાનનું પાત્ર પરિવારની ૨૦ વર્ષની દિકરી ભજવવાની હતી. આ માટે તેણી બ્‍યુટી પાર્લરમાં તૈયાર થવા ગઇ ત્‍યારે એકાએક ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ ઢળી પડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેણીનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ માયાણીનગર શેરી નં. ૫માં રહેતી પ્રિયંકાબેન ઘનશ્‍યામસિંહ રાઠોડ (ઉ.વ.૨૦) ઘર પાસે બ્‍યુટી પાર્લરમાં તૈયાર થવા ગઇ ત્‍યારે એકાએક ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર પ્રિયંકાબેને ધોરણ-૧૨ સુધીનો અભ્‍યાસ કર્યો હતો. તેના પિતા સ્‍કૂલવેન ડ્રાઇવીંગ કરે છે. તેણી બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. ઘરે ભાગવત કથા ચાલતી હોઇ તેમાં ગઇકાલે તુલસી વિવાહ પ્રસંગમાં પ્રિયંકાબેનને ભગવાન કૃષ્‍ણનું પાત્ર ભજવવાનું હોઇ તેના માટે તે બ્‍યુટી પાર્લરમાં તૈયાર થવા ગઇ હતી. બે દિવસથી તેણીને તાવ પણ આવતો હતો. મૃત્‍યુ બિમારીથી થયું કે હાર્ટએટેકથી તે જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. યુવાન દિકરીના અણધાર્યા મૃત્‍યુથી રાઠોડ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(3:39 PM IST)