News of Monday, 2nd March 2026
રાજકોટના વાજડીમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગઃ મોટા ભાગનો સામાન ખાકઃ લાખોની નુકસાની
ફાયર સ્ટેશનની છ ગાડીઓ સાથે જવાનોએ પહોંચી કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં લીધી

તસ્વીરમાં આગ કેટલી ભીષણ હતી તેના દ્રશ્યો જોઇ શકાય છે. ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનતે આગ કાબુમાં લીધી હતી (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨: શહેરના કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ નજીક રાતે મંડપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા મોટી નુકસાની થઇ છે. સદનસીબે ગોડાઉન બંધ હાલતમાં હોઇ જાનહાની અટકી હતી. રાતે ભભૂકેલી આગને કાબુમાં લેવા સવાર સુધી ફાયર બ્રિગેડના જવાનોએ જહેમત ઉઠાવી હતી. આગ એટલી વિકરાળ હતી કે નજીકમાં આવેલા બંગલાની બારીઓના કાચ પણ ફુટી ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ વાજડી ગામ પાસેના મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતાં રાજકોટથી ફાયર ફાઇટરો દોડી ગયા હતાં. આગ મંડપ સર્વિસના સામાનમાં ફાટી નીકળી હતી. લાકડા, કપડા સહિતનો સામાન હોઇ આગે ઝડપથી મોટુ સ્વરૂપ ધારણ કરી લેતાં કાલાવડ રોડ ફાયર સ્ટેશન તથા અન્ય ફાયર સ્ટેશનની છ ગાડીઓ દોડી ગઇ હતી અને આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યો હતો. આગ કલાકો બાદ કાબુમાં આવી ગઇ હતી પરંતુ સવારે પણ ધૂમાડા નીકળતાં હોઇ સંપુર્ણ આગ ઓલવવા ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી ચાલુ રાખી હતી. ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ ગોડાઉનની નજીક જ બંગલા આવેલા હોઇ આગને કારણે આ બંગલાની કાચની બારીઓ પણ ફુટી ગઇ હતી.
આ ઘટનાની માહિતી આપતાં કાલાવડ ઉપરના ફાયર સ્ટેશનના મુખ્ય ફાયર સ્ટેશન ઓફિસર તેજસભાઇએ જણાવ્યુ હતુ કે, ન્યારી ડેમ રોડ ઉપર આવેલા મંડપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠ્યાના કોલના આધારે કાલાવડ રોડ ફાયર સ્ટેશનની એક ગાડી અને મુખ્ય ફાયર સ્ટેશનની પાંચ ગાડી સાથેનો સ્ટાફ આગ પર કાબૂ મેળવવામાં લાગી ગયો હતો. ગોડાઉનનો અડધો ભાગ આગમાં ખાખ થઈ ગયો છે. આગમાં કોઇ જાનહાની થઇ નથી. આગ લાગ્યાની ઘટનાની જાણ ગોડાઉનના માલિક મિતુલભાઇ દોંગાએ ફાયર બ્રિગેડને કરી હતી. આગથી મોટી નુકસાની થઇ છે.
(12:00 PM IST)










