<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જઃ માર્ચના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા

સઘન ઉમેદવારોની શોધઃ અમુક વોર્ડમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણઃ ભ્રષ્ટાચાર, ડ્રગ્‍સ મુક્‍તિ અને સ્‍થાનિક પ્રશ્નોને હથિયાર બનાવશે કોંગ્રેસઃ કોંગ્રેસ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છેઃ છેલ્‍લા કેટલાક દિવસોમાં કોંગ્રેસના આગેવાનોએ તમામ વોર્ડનો પ્રવાસ કર્યોઃ કોંગી અગ્રણીઓ માને છે કે વોર્ડ નંબર ૩, ૧૦, ૧૫, ૧૭ અને ૧૮માં પક્ષનું પ્રભુત્‍વ રહેશેઃ તો વોર્ડ નંબર ૧, ૨, ૫, ૬, ૭ અને ૧૧ને વધુ પડકારજનક માનવામાં આવી રહ્યા છે

રાજકોટઃ મહાનગરપાલિકાના શાસનની મુદત ૧૧મી માર્ચે પૂર્ણ થઈ રહી છે, ત્‍યારે કોંગ્રેસે આગામી ચૂંટણી માટે કમર કસી છે. સ્‍થાનિક સંગઠન દ્વારા માર્ચના પહેલા અઠવાડિયામાં તમામ ૧૮ વોર્ડના ઇચ્‍છુક ઉમેદવારોની દાવેદારી સ્‍વીકારવામાં આવશે. પક્ષ ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા અને ડ્રગ્‍સ જેવા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરશે અને વરિષ્ઠ તથા યુવા નેતાઓનું સંતુલન જાળવીને પ્રબળ પેનલ તૈયાર કરવા તરફ આગળ વધી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના શાસનનો કાર્યકાળ આગામી ૧૧ માર્ચના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. હવે જ્‍યારે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્‍યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવાની અને ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે. રાજકોટ શહેર કોંગ્રેસના આંતરિક વર્તુળોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આગામી મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં ઝંપલાવવા માંગતા ઇચ્‍છુક ઉમેદવારોને માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પક્ષ દ્વારા સાંભળવામાં આવશે.

શહેરના કુલ ૧૮ વોર્ડમાંથી ચૂંટણી લડવા માંગતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૌપ્રથમ સ્‍થાનિક સંગઠન સમક્ષ પોતાની દાવેદારી નોંધાવવાની રહેશે. આ મહત્‍વની પ્રક્રિયા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અને મોવડી મંડળ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્‍યારે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ રાજકીય મેદાનમાં મજબૂતાઈથી ઉતરવા માટે કોંગ્રેસના નેતાઓ પ્રયત્‍નશીલ બન્‍યા છે.

પ્રદેશ મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉમેદવારોની દાવેદારી અને જ્ઞાતિગત સમીકરણોને ધ્‍યાનમાં રાખીને પેનલ તૈયાર કરવામાં આવશે. ત્‍યારબાદ પ્રદેશ મોવડી મંડળ દ્વારા ઉમેદવારો અને કાર્યકરોના અભિપ્રાય જાણવાની અને ટિકિટ ફાળવણીની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સઘન ઉમેદવારોની શોધઃ અમુક વોર્ડમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ

કોંગ્રેસના મોવડી મંડળે શહેરના દરેક વોર્ડમાં મજબૂત પેનલ બનાવવા માટે કવાયત હાથ ધરી છે. જોકે, કેટલાક વોર્ડ એવા છે જ્‍યાં કોંગ્રેસ માટે જીત મેળવવી તો ઠીક લડાઈ લડવી પણ પડકારજનક સાબિત થઈ શકે છે. આ વખતે કોંગ્રેસ સક્ષમ અને પ્રબળ ઉમેદવારોને જ ચૂંટણી મેદાનમાં ઉતારવાના મૂડમાં છે.

કોંગ્રેસના સ્‍થાનિક નેતાઓનો દાવો છે કે વોર્ડ નંબર ૩, ૧૦, ૧૫, ૧૭ અને ૧૮માં તેમનું પ્રભુત્‍વ રહેશે. બીજી તરફ, વોર્ડ નંબર ૧, ૨, ૫, ૬, ૭ અને ૧૧ને વધુ પડકારજનક માનવામાં આવી રહ્યા છે. દરેક વોર્ડમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારો તો મળી રહ્યા છે, પરંતુ સ્‍થાનિક અને જાતિગત સમીકરણોમાં બંધબેસતા હોય તેવા શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવી પક્ષ માટે કસોટી સમાન બની છે.

ભ્રષ્ટાચાર, ડ્રગ્‍સ મુક્‍તિ અને સ્‍થાનિક પ્રશ્નોને હથિયાર બનાવશે કોંગ્રેસ

મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે. છેલ્‍લા કેટલાક દિવસોમાં કોંગ્રેસના આગેવાનોએ તમામ વોર્ડનો પ્રવાસ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દા ઉપરાંત, મહિલાઓની સુરક્ષા અને 'ડ્રગ્‍સ મુક્‍ત ગુજરાત' જેવા સળગતા પ્રશ્નો ઉઠાવીને શાસક પક્ષને ઘેરવાની વ્‍યૂહરચના ઘડવામાં આવી છે. આ મુદ્દાઓને લઈને કરવામાં આવેલી સહી ઝુંબેશને પણ જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્‍યો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આગામી ચૂંટણી માટે સ્‍થાનિક સંગઠન અને ત્‍યારબાદ પ્રદેશ મોવડી મંડળ તમામ ઇચ્‍છુક દાવેદારોને સાંભળશે. હાલમાં કોઈ પણ ઉમેદવારના નામ પર અંતિમ મહોર મારવામાં આવી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં એવી શક્‍યતાઓ સેવાઈ રહી છે કે, વરિષ્ઠ આગેવાનો જેવા કે અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વશરામ સાગઠિયા તેમજ અગાઉની મુદતમાં વિજેતા બનેલા ઉમેદવારોને ટિકિટ ફાળવણીમાં પ્રથમ પસંદગી આપવામાં આવી શકે છે. આ સાથે જ પક્ષ જોશીલા યુવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના છે.

(2:03 PM IST)