<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

જંગલેશ્વર ફાઇલઃ ‘બુલડોઝર જસ્‍ટિસ'ના ઓછાયા નીચેનુ આ ઓપરેશન વધુ જસ્‍ટીફાઇડ થઇ શકે? રાજકોટમાં હવે સુરાજય આવી જશે? ખાત્રી છે?

‘યે કયા હુઆ? કૈસે હુઆ? કબ હુઆ? કયું હુઆ? જબ હુઆ (!) તબ હુઆ (!) અરે છોડો યે ના પુછો' : બાબાનું બુલડોઝર કે દાદાનું બુલડોઝર હોય, ન્‍યાયની સીમાથી બહાર નિકળી જાય ત્‍યારે કસુરવાનોનું જે થાય તે થાય પણ નિર્દોષ, લાચાર, મજબૂર, બેબસ લોકોની અને વૃધ્‍ધો, માસુમ બાળકો,સ્ત્રીઓ, વિકલાંગ લોકોની હાય, બદદુવા, નિસાસા, વલોપાત, આંક્રદ લેવાનું તો ટાળવું જ જોઇએ તેમ નથી લાગતું ? (પોઇન્‍ટ ટુ બી નોટેડ યોર ઓનર)

વર્તમાનમાં રાજકોટના જંગલેશ્વર ડીમોલીશનને આખા ગુજરાતનું ધ્‍યાન ખેંચ્‍યુ છે. રાજકોટના વર્તમાનપત્રો આ અંગેની વિગતો જેમાં સરકાર તંત્રની તૈયારીઓ અને બેઘર થનારાની વેદના, વ્‍યથા, લાચારીની વિગતો તસ્‍વીરોથી છલકાઇ રહયા છે તે સંજોગોમાં જેને જંગલરાજV/S બુલડોઝર જસ્‍ટિસનો કામિયાબ પ્રયત્‍ન સરકારી તંત્ર ગણાવવામાં વ્‍યસ્‍ત છે. તે પરિપેક્ષયમાં એ વાત ગોૈરતબળ ગણી શકાય કે રાજકોટમાં ઘણા લાંબા સમયથી જંગલેશ્વરનું નામ અસામાજીક પ્રવૃતિઓ માટે કુખ્‍યાત રહયું છે. આ હકીકત છે, તેનો ઇન્‍કાર ન થઇ શકે તે સ્‍વાભાવિક છે. (ઉપરોકત દર્શાવેલા ગીતના શબ્‍દો કિશોરકુમારની ગાયકીની ઉંચાઇ દર્શાવે છે પરંતુ ઉપરોકત વિષય સાથે આપમેળે ફીટ થઇ જાય તેવો જ માહોૈલ છે)

હમણા તંત્રને જે શુરાતન ચડયુ તેના ઘણા સુચિતાર્થો છે. માત્ર ગુનેગારી કે ગુનેગારોનો સફાયો કરવાની આ કાર્યવાહી હોત તો ચોૈકકસપણે બિરદાવવી પડે. પરંતુ અસંખ્‍ય નિર્દોષ, ગરીબ, લાચાર, પરિવારોનો આશરો છીનવાઇ ગયો અને તેમની જીંદગી વેરાન બનીને એક ન પુરી શકાય તેવા શુન્‍યાવકાશ બાજુ ફંટાઇ ગઇ તે સત્‍ય, ‘‘બુલડોઝર જસ્‍ટિસ''ની આડમાં દફન થઇ શકે તેમ નથી જ.

વાસ્‍તવિકતાના ધોરણે ચાલો માની લઇએ કે આ સમગ્ર વસાહત ગેરકાયદેસર રીતે સરકારી જમીનો ઉપર ઉભી થઇ ગઇ. કાનુની રીતે આ ખુલાસો અદાલતી દ્રષ્‍ટિકોણથી યોગ્‍ય ગણી શકાય તો પણ પાયાનો (અને હાલના સતાધીશોને જેનો જવાબ આપવામાં શરમ અને ખચકાટ થાય તેવો) પ્રશ્‍ન એ જ છે કે આવુ, આટલા બધા મોટા પ્રમાણ, દાયકાઓ સુધી ઉભુ થવા દીધુ કોણે? ચાલવા દીધુ કોણે? ગુનેગારોને ત્‍યાં આગળ બેલગામ બનવા દીધા કોણે?

દેખીતી વાત છે કે ઉપરના પ્રશ્‍નોના જવાબ રાજકોટમાં બધાને ખબર છે (માત્ર સતાધિકારીઓ, આરએમસી અને પોલીસ પ્રશાસનને બાદ કરતા!!) બીજી વાત એ પણ છે કે હવે અત્‍યારે અચાનક કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને રાતોરાત અકલ્‍પનીય ર્સ્‍ફ્રુતી (?) અસામાન્‍ય વહીવટી કુશળતા (?) અને શ્રેષ્‍ઠતમ સંકલન (!)ની જરૂર કેમ પડી?

શહેર પોલીસ તંત્ર દ્વારા જે જંગલેશ્વર સ્‍થીત નામીચા હિસ્‍ટ્રીશીટરો, બુટલેગરોના ગેરકાયદે મકાનોની સંખ્‍યાની અખબારી યાદી દર્શાવવામાં આવી તે માંડ એકસો આઠ જેટલી થાય છે. જેનો મતલબ એ થાય કે બાકીના લોકો લાચાર, મજબુર દબાણ કરનારા હતા પણ ગુનેગારો તો નહોતા જ જેમનો આશરો છીનવાઇ ગયો અથવા રસ્‍તા ઉપર આવી ગયા તેમના માટે તંત્રએ માનવતાવાદી અભિગમ અપનાવીને તેમને આશરો મળે તેવી સ્‍વમાન સહિતની વ્‍યવસ્‍થા સત્‍વરે ગોઠવવી જોઇએ તેમ પ્રજાનો મોટો વર્ગ માને છે.

રહી વાત ગેરકાયદે કબ્‍જાની તો તંત્ર હવે પહોંચેલા (બધી રીતે!) સામે આ જ ગાઇડલાઇન્‍સ અપનાવશે? કદાચ નહી. બને કે પહોંચેલા (!) સામે બુલડોઝર ચલાવવાના વિચાર  માત્રથી ઘણા અધિકારીઓના અરમાનો (!) અને પોસ્‍ટીંગ ઉપરથી બુલડોઝર ફરી વળે ! આ વખતે રાજકોટની જનતાએ ઉચ્‍ચ પોલીસ અધિકારીઓને પહેલી વાર રસ્‍તા ઉપર દંડા લઇને નિકળતા જોયા. આવી અને આ પ્રકારની કાર્યક્ષમતા જંગલેશ્વર જેવા અપવાદ સ્‍વરૂપ કિસ્‍સામાં દેખાડવાને બદલે નિયમીત રીતે શહેરમાં સંબંધીત અધિકારીઓ દેખાડે તો રાજકોટમાં છેલ્લે આવા હાઇ પ્રોફાઇલ ઓપરેશન ? કરવાની નોબત જ ન આવે.

ગુનેગારો સાથેનું સેટીંગ પક્ષીય, પોલીસ અને આરએમસીના વિભાગોનું ઓપન સિક્રેટ છે. ફેર માત્ર એટલો જ છે કે કયા લાગવગ વગરના, છેડા વગરના, આમ ઇન્‍સાનને જ આવા વિભાગોની કડકાઇ (!) ન્‍યાયપ્રિયતા (?) અને સતાનો પરીચય (!) કયારે, કોના ઇશારે કરાવવો તે જ ખુબી છે.

(૧) રાજકોટમાં ગલીએ ગલીએ દારૂ, ડ્રગ્‍સ છડેચોક વેચાય છે તો આ બધાના મકાનો પણ તંત્ર તોડી પાડશે? (ર) રાજકોટમાં સ્‍પા સેન્‍ટરોનીઆડમાં ચાલતા દેહવ્‍યાપારના હાટડા છડેચોક ધમધમે છે. ત્‍યાં પણ બુલડોઝર પહોંચી જશે? (૩) શહેરમાં ફુટપાથો, રસ્‍તાઓ રોકીને ધંધો કરનારા, દબાણ કરનારા દરેકને દેખાય છે. સબંધીત તંત્રને નથી દેખાતા ? આ બધા દબાણકર્તાઓને પણ ઉડાવી દેવાશે? (૪) રાજકોટમાં અને બહારના ફાર્મ હાઉસો, બંગલાઓમાં પણ અનૈતિક પ્રવૃતિઓ નિયમીતપણે ચાલતી હોવાનું રાજકોટના વર્તમાનપત્રો પોકારી પોકારીને કહે છે. આ બધા વગદારોને ‘બુલડોઝર જસ્‍ટીસ'ના લાભાર્થી (!) બનાવવાનો તંત્ર મોકો આપશે? (પ) શહેરના સતાધારીઓના અંગત (બધા જ અર્થમાં!) ધનિષ્‍ઠો (!) મિત્રો, વફાદારો (હમપ્‍યાલા, હમખ્‍યાલા સમજી લેવાનું !!!)ના ગેરકાયદેસરની ઉચ્‍ચતમ પ્રકારની (ભ્રષ્‍ટાચાર અને દબાણ બન્ને સંદર્ભમાં) ઇમારતોની ઉપર બુલડોઝર કૃપા ? !!!)ના કયારેય પ્રાપ્ત થશે કે કેમ?

સૌથી અગત્‍યની અને મહત્‍વની વાત એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા તથા કથીત ‘બુલડોઝર જસ્‍ટીસ' ઉપર જે અત્‍યંત કડક ન્‍યાયપુર્ણ વલણ લેવામાં આવ્‍યું છે અને સમયાંતરે તેની વિરૂધ્‍ધના ચુકાદા આપેલા છે તે પણ સંબંધીત તંત્રોએ ધ્‍યાનમાં લેવા જેવી હકીકત છે.

‘બુલડોઝર જસ્‍ટીસ' એ બળની પરિભાષા છે. ન્‍યાયની નથી. કોઇ ગુનેગાર કે આરોપીના મકાન તોડી પાડવાથી ન્‍યાયનું પુનઃ સ્‍થાપન થતુ નથી. જયુડીશ્‍યરી રિફોર્મ કે પછી જયુડીશ્‍યરી પ્રોસેસ હોય ત્‍યાં હાથવર્ગો ‘હથોડાછાપ ન્‍યાય' તત્‍કાળ લોકલાગણી કે લોકઆક્રોશને તાત્‍કાલીક ઠંડો પાડી દેવા માટે વપરાવા મંડયો છે છતા પણ દેશભરમાં ગુનાઓ અને ગુનેગારો બન્ને વધી જ રહયા છે તે પણ સ્‍વીકારવું જ રહયું કોઇ શક?)

આવા અસામાજીકો તો બીજે કયાંય પણ પોતાનો કારોબાર ચાલુ રાખતા જ રહે છે. રાજકોટમાં પણ આ જ ભયસ્‍થાન છે જ. ડીમોલેશનગ્રસ્‍ત વિસ્‍તારમાંથી  નિકળી અસામાજીકો શહેરમાં બીજે ફેલાઇ જશે. ત્‍યાં વાતાવરણ બગાડી મુકશે. તે પરિસ્‍થિતિમાં તંત્ર શું કરશે ? કે શું કરી શકશે? તે પણ વેધક પ્રશ્ન છે જ. ગુનેગારોને દબાવવા કે કચડી નાખવા બુલડોઝર ઉપરાંત ‘ઓપરેશન લંગડા' કે ‘ઓપરેશન ખલ્લાસ' (ઉતરપ્રદેશ પેટર્ન મુજબ) નો આશરો લેવો પડે તે સરકાર અને તંત્ર બન્ને માટે બીરદાવવા યોગ્‍ય તો નથી જ.

છેલ્લે છેલ્લે એવી લાગણી વ્‍યકત કરવાનું મન થાય છે કે શહેરના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓને શહેરમાં છડેચોક, સરાજાહેર, ધોળે દિવસે, રસ્‍તા ઉપર ફેંકાયેલી (અલબત ખાલી !)  પોકેટ સાઇઝ દારૂની પ્‍લાસ્‍ટીકની બાટલીઓ નહી દેખાતી હોય ? RMC ના ઉચ્‍ચ અધિકારીઓને રાહદારીઓના ચાલવાના અધિકાર સ્‍વરૂપ ફૂટપાથો ઉપર છડેચોક ખડકાયેલા દબાણો, વેપારીઓના સામાનના ખડકલા નજરે નહી પડતા હોય ?  સ્‍થાનિક સ્‍વરાજની આગામી ચુંટણીઓના ઓછાયા નીચે યોજાયેલી આ ડીમોલેશન ડ્રાઇવ ખુદબખુદ અનેક સવાલોના જવાબ મૌનરૂપે આપતી ગઇ છે, અને મૌન દ્વારા અનેક સવાલો પાછળ મુકતી ગઇ છે

આશિષ યોગેન્‍દ્ર દવે, રાજકોટ

(2:22 PM IST)