News of Monday, 2nd March 2026
વિરાણી ચોકમાં પોલીસનો સ્વાંગ રચી કલર કામના કારીગરને લૂંટી લીધોઃ સંદિપ ઝડપાયો, સાગ્રીત અલ્તાફની શોધખોળ
અગાઉ પોલીસનો સ્વાંગ રચી તોડ કરનારા પોપટપરાના મિહીર કુગશીયા સાથે પણ એક ગુનામાં સંદિપ રામાવત પકડાયો હતો : તે ખોટુ કર્યુ છે ચાલ પોલીસ સ્ટેશને કહી ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લઇ જઇ ૩૦ હજાર પડાવ્યાઃ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને ડી સ્ટાફે ગુનો ઉકેલ્યો : હેડકોન્સ. કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી

રાજકોટ તા. ૨: શહેરમાં પોલીસનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી નાણા પડાવી લેનારા પોપટપરા વિસ્તારના કુખ્યાત શખ્સ મિહીર કુગશીયાના સાગ્રીત સંદિપે હવે પોતાના અન્ય સાગ્રીત અલ્તાફ સાથે મળી પોલીસના નામે આધેડને ડરાવી ધમકાવી રૂા. ૩૦ હજારની લૂંટ ચલાવી લીધી છે. જો કે એ-ડિવીઝન પોલીસ સુધી આ મામલો પહોંચતા જ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને સકંજામાં લઇ લીધો હતો. તેના સાગ્રીતની શોધખોળ થઇ રહી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે જામનગર રોડ એકતા સોસાયટી શેરી નં. ૫ ક્વાર્ટર નં. ૧૯૬માં રહેતાં જનાર્ધનભાઇ રામનરેશભાઇ સહાની (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી સંદિપ અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કરી સંદિપ રામાવતને સકંજામાં લઇ લીધો છે. તેના સાગ્રીત તરીકે દૂધની ડેરી પાસે રહેતાં અલ્તાફનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. જનાર્ધનભાઇ પરિવાર સાથે રહે છે અને કલરકામની મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
તેણે જણાવ્યું છે કે હું તા. ૨૫/૨ના રોજ જીજે૦૩કેએસ-૫૦૫૬ નંબરનું ટુવ્હીલર હંકારીને વિરાણી ચોક પાસે વન-દ્વારકા બિલ્ડીંગ ખાતે મારું કલર કામ ચાલુ હોઇ ત્યાંથી ઘરે જમવા જવા માટે નીકળ્યો હતો. આ વખતે બપોરે અઢી વાગ્યે ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક તરફ વીરમણી સ્વીટ્સ નામની દૂકાન પાસે પહોંચ્યો ત્યારે ફાકી ખાવા માટે મેં મારુ વાહન ઉભુ રાખ્યું હતું. આ વખતે એક્ટીવા પર બે શખ્સો આવ્યા હતાં અને મારા ટુવ્હીલર પાસે ઉભા રહી ગયા હતાં. આ બંનેએ ‘અમે બંને પોલીસ છીએ, તું પોલીસ સ્ટેશને ચાલ' તેમ કહેતાં મેં તેને મારો શું વાંક છે? તેમ કહેતાં એક શખ્સે મારો મોબાઇલ ફોન અને બાઇકની ચાવી કાઢી લીધી હતી અને મારા જ બાઇકમાં મને પાછળ બેસાડી દીધો હતો.
બાદમાં બંને શખ્સો મને ભક્તિનગર સ્ટેશન પ્લોટ-૯ ખાતે લઇ ગયા હતાં. ત્યાં શેરીમાં વાહન ઉભુ રાખી મને કહેલું કે-તારા બેંક એકાઉન્ટમાંથી મારા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર તો જ તને ઘરે જવા દઇશું. મેં આ શખ્સોને કહેલું કે મને ઓનલાઇન પૈસા નાખતા આવડતા નથી. જેથી આ બંનેએ કહેલું કે તો પછી ચાલ પોલીસ સ્ટેશને. તેમ કહી મને પંચવટી સોસાયટી તરફ લઇ ગયા હતાં. રસ્તામાં મારો ફોન મને આપીને કહેલું કે-તારા ઓળખીતાને ફોન કર અને તેની પાસેથી રોકડા ૩૦ હજારની વ્યવસ્થા કર, તારા ઘરે ઇમર્જન્સી પૈસાની જરૂર છે તેમ કહીને પૈસા મંગાવ.
આ પછી મેં મારા ઓળખીતા અંબારામભાઇને ફોન કરી રૂા. ૩૦ હજાર ઉછીના માંગતા તેણે હા પાડી હતી. એ પછી મેં બંને શખ્સને કહેલું કે મારા ઓળખીતા અંબારામભાઇની કલરની દુકાન રાજનગર ચોકમાં છે ત્યાં જવું પડશે. આ પછી મેં અંબારામભાઇને રાજનગર ચોક પાસે પટેલ પેઇન્ટસ નામની દુકાન પાસે બોલાવ્યા હતા. આ વખતે બંને શખ્સો દૂર ઉભા હતાં. ૩૦ હજાર લઇને હું બંને શખ્સ પાસે ગયો હતો અને એક શખ્સને રૂા. ૩૦ હજાર આપી દીધા હતાં. આ વખતે આ પૈસા લેનારા શખ્સે બીજા શખ્સને ‘લે સંદિપ આ ૩૦ હજાર રૂપિયા'. આ રીતે મને એક શખ્સનું નામ સંદિપ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ મને મારા વાહનની ચાવી પાછી આપી હતી અને ત્યાંથી નીકળી જવાનું કહેતાં હું ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં મેં મિત્રોને આ બનાવની જાણ કરતાં તે લોકોએ આ પૈસા પડાવી જનારા નકલી પોલીસ હોય તેમ કહી ફરિયાદ લખાવવાનું કહેતાં મેં હવે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં જનાર્ધનભાઇએ કહેતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ બી.વી. બોરીસાગર, પીએસઆઈ એસ.એમ. રાણા, એએસઆઇ બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, હેડ કોન્સ્ટેબલ કનુભાઇ બસીયા, કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, સાગરભાઈ માવદીયા, કરણભાઇ વિરસોડીયા અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ખાંડેખા તથા તેજસભાઇ ડેરની ટીમે આરોપીને શોધી કાઢયો છે. હેડકોન્સ. કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા અને ધર્મેશભાઇ ખાંડખાની બાતમી પરથી સંદિપ કિશોરભાઇ રામાવત (ઉ.વ.૨૬ રહે. દુધ સાગર ગુ.હા. બોર્ડ આવાસ ક્વાર્ટર બ્લોક નં. ૧૦૬)ની ધરપકડ કરી પુછતાછ કરતાં તેણે પોતાની સાથે દૂધની ડેરી પાસે રહેતો અલ્તાફ મેમણ હોવાનું કબુલતાં શોધખોળ થઇ રહી છે. પોલીસે સંદિપ પાસેથી જીજે૦૩એમએ-૪૩૯૮ નંબરનું એક્ટીવા, રોકડા ૩૦ હજાર કબ્જે કર્યા છે. અગાઉ પોલીસનો સ્વાંગ રચી ચાર તોડ કરવાના ગુનામાં પકડાઇ ચુકેલા પોપટપરાના મિહીર કુગશીયાની સાથે પણ સંદિપ રામાવત આવા જ એક ગુનામાં પકડયો હતો. હવે પોતે જ મિહીરની જેમ પોલીસનો સ્વાંગ રચી તોડ કરવા માંડયો હતો. તેણે બીજા કોઇ સાથે આવો ગુનો આચર્યો છે કે કેમ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:26 PM IST)










