News of Monday, 2nd March 2026
સીટી- બીઆરટીએસ બસ- સ્નાનાગાર- પ્રદ્યુમન પાર્ક સહિતની સેવાઓ મનપાના કર્મીઓને વિનામુલ્યે આપોઃ રજુઆત
વિવિધ મુદે પછાતવર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી યોગ્ય કરવા કરી માંગ

રાજકોટ તા.રઃ શહેરના સતત વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે કોઈપણ આપત્તિ કે તહેવારના સમયે પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાની ફરજ તમામ કર્મચારીઓ (વર્ગ-૧ થી લઈને વર્ગ-૪ સુધીના) રાત-દિવસ જોયા વિના, બજાવી રહ્યા છે. સંસ્થાની કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે કર્મચારીઓ પોતાનું ૧૦૦%યોગદાન આપે છે. ત્યારે મનપાના કર્મચારીઓને તંત્ર દ્વારા બસ, સ્નાનાગાર, સફારી પાર્ક તથા કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ માટે કર્મચારીઓને વિનામુલ્યે કે અગ્રતા ક્રમ આપવા પછાત વર્ગ મ્યુનિસીપલ કર્મચારી મંડળ દ્વારા મ્યુનિ. કમિશ્રરને રજુઆત કરવામાં આવી છે.
આ અંગે પછાત વર્ગ મ્યુનિસીપલ કર્મચારી મંડળ દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા સંચાલિત તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ (સીટી બસ અને બી.આર.ટી.એસ.), સ્નાનાગાર (સ્વિમિંગ પૂલ), લાયબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ, સફારી પાર્ક, રામવન, ગાંધી મ્યુઝીયમ, પ્રદ્યુમન પાર્ક અને અટલ સરોવર જેવા તમામ ફરવાલાયક સ્થળોએ RMC ના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારો માટે એન્ટ્રી અને ઉપયોગ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે તથા કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારોના સામાજિક પ્રસંગો કે લગ્ન માટે મહાનગરપાલિકાના તમામ કોમ્યુનીટી હોલના બુકીંગમાં કર્મચારીઓને પ્રથમ અગ્રતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમ મંડળના પ્રમુખ અશોકભાઇ રાઠોડે જણાવ્યું હતું.
(3:56 PM IST)










