<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં ભાજપ માટે જસદણ માથાનો દુઃખાવો બનશે? નો રીપીટની શક્‍યતાઓ ઓછી

આપ આ વખતે સારું એવું કાઠું કાઢશેઃ કોંગ્રેસ માટે યથાવત સ્‍થિતી જાળવી રાખવાનું પણ કપરું?

 

 

રાજકોટઃ ચૂંટણીના પડઘમ વાગવાનું ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. ત્‍યારે જાણકાર વર્તુળો કહે છે કે જિલ્લા પંચાયતમાં ભાજપ શાસનના પાંચ વર્ષ પ્રમાણમાં ખૂબ સારા રહ્યા. કોઈ ખાસ ધમાલ વિના પસાર થયા. પ્રમુખ અને કારોબારી ચેરમેન કોઈ મતભેદ વગર સારી રીતે કામો કરી રહ્યા છે. બન્‍ને સુખી-સંપન્‍ન છે અને મોટા વિવાદોથી દૂર રહ્યા છે.

ભાજપમાં અત્‍યારે ચૌરે ને ચૌરે ‘નો રીપીટ' ની વાતો ચર્ચાઈ રહી છે. ત્‍યારે જાણકાર વર્તુળોના મતે રાજકોટ જીલ્લા પંચાયતમાં નો-રીપીટ થીયરીની શક્‍યતા ખૂબ ઓછી છે. અને સંભવત જૂની મતદાર યાદીના આધારે ચૂંટણી કરી નાખે તો નવાઈ નહિં થાય.

ઉડતી નજરે જોઈએ તો રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬માંથ ૬ કોંગ્રેસના અને ૨૮ ભાજપના સભ્‍યો છે. આ વખતે પણ વિરોધ પક્ષ બે આંકડે પહોંચે તેવા એંધાણ દેખાતા નથી.

પણ આપ પાર્ટી આ વખતે જીલ્લા પંચાયતમાં પગલા પાડે તેની પૂરી સંભાવના દર્શાય છે. કોંગ્રેસની સંખ્‍યા પણ વધવાને બદલે ઘટે તો નવાઈ નહિં એવી પણ ચર્ચા છે. આપ પાર્ટી કદાચ કોંગ્રેસથી આગળ નીકળે તો પણ આヘર્ય નહિ થાય.

સમગ્ર રીતે જોઇએ તો ચૂંટણી હવે નજીકમાં છે તે સહુ જાણે છે અને તે પણ એપ્રિલના અંતમાં આવી જાય તેવી પણ પૂરી શક્‍યતા છે.

જસદણ પંથકમાં શ્રી કુંવરજી બાવરીયા, શ્રી ભરત બોઘરા જૂથ વચ્‍ચેની આંતરિક બઘડાટી ખૂબ ચર્ચામાં છે. આ બધા વચ્‍ચ્‍ે જસદણમાં કોંગ્રેસ અને આપ પાર્ટી કાઠું કાઢી બેઠકો મેળવી જાય તેવી પણ ચર્ચા છે. જસદણમાં જંગ બરાબર મંડાશે તે નિヘતિ મનાય છે.

જેતપુર-ગોંડલ-કંડોરણા ભાજપના ગઢ રહ્યાં છે અને આજે પણ તેમાં કોઈ કાંકરી ખેરવી શકે તેવું નથી લાગતું, અહીં ભાજપ લોખંડી પકડ ધરાવે છે.

ગોંડલ પંથકની વાત કરીએ તો કોલીથડ, મોવિયા અને ચરખડીમાં ફરજીયાત ઉમેદવારો બદલાશે. ઉપરાંત દેરડી કુંભાજીની પુરુષોની હતી તે હવે  મહિલાની થઈ છે એટલે અહીં પણ ઉમેદવાર બદલાશે. જ્‍યારે શીવરાજગઢ યથાવત રહેશે. અહીંની પાંચ સીટમાંથી ૩ બક્ષીપંચ ૧ દલિત અને ૧ પટેલ એવું સમીકરણ મંડાય છે.

જસદણ સિવાય ના ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, જસદણ, વિંછીયા, પડધરી, રાજકોટમાં ભાજપને કોઈ વાંધો આવે તેવું દર્શાતું નથી. જ્‍યારે ઉપલેટાની એકાદ બેઠક ભાજપ પાસેથી જાય તેવી પણ ચર્ચા છે.

દરમિયાન આ વખતે ટિકીટોની માંગણી માટે હજી સુધી કોઈ ચહલ-પહલ જોવા મળતી નથી. પરંતુ તારીખો જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. ત્‍યાર પછી હલચલ શરૂ થઈ જશે તેમ મનાય છે.(૪૦.૨૭)

(2:20 PM IST)