News of Tuesday, 3rd March 2026
કુવાડવા રોડ પર ટેન્કર પાછળ એક્ટીવા અથડાતાં દિલીપભાઇ શીંગાળાનું મોત
શક્તિ સોસાયટીના પ્રોૈઢ ઘર તરફ આવતાં હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૩: શહેરના કુવાડવા રોડ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને ઓડી શોરૂમ પાસે ઉભેલા ટેન્કર પાછળ એક્ટિવા અથડાતા ચાલક પ્રૌઢનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ દિનેશભાઈ શિંગાળા (ઉ.વ. ૫૫) રાત્રીના પોણા એકાદ વાગ્યાના અરસામાં પોતાનું એક્ટિવા જીજે૦૩સીક્યુ-૬૩૩૯ લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન હાઈવે પર ઉભેલા ટેન્કર નંબર જીજે૧૨એડબલ્યુ-૫૯૯ પાછળ તેમનું એક્ટિવા જોરદાર રીતે અથડાયું હતું.
આ અકસ્માત અંગે મળતકના પુત્ર યશ શિંગાળાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યશના જણાવ્યા અનુસાર, તેને રાત્રે સવા એક વાગ્યાની આસપાસ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેના પિતાનો અકસ્માત થયો છે. જ્યારે તે મિત્ર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેના પિતા લોહીલુહાણ હાલતમાં મળત હાલતમાં મળી આવ્યા હતા. ૧૦૮ની ટીમે તપાસ બાદ તેમને મળત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુેં કે દિલીપભાઈ પટેલ વિહાર તરફથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ટેન્કરના પાછળના ભાગે અથડાતા મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે હાલ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(3:25 PM IST)










