<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

વોર્ડ ૮ : અશ્વિન પાંભર કે બિપિન બેરા કોનું પત્તું કપાશે?

ઓબીસી બેઠકનું સમીકરણ અને સ્‍થાનિકોનો રોષઃ નવા અને યુવા ચહેરાની માંગ તેજ

 રાજકોટઃ કોઈપણ રાજકીય પક્ષ માટે બેઠકોની વહેંચણી અને જ્ઞાતિગત સમીકરણો હંમેશા મહત્‍વના રહ્યા છે. હાલમાં જ પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી મહાનગરપાલિકા અને જિલ્‍લા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વિજેતા ઉમેદવારોની પસંદગી માટે રણનીતિ ઘડી રહ્યા છે, જેમાં કોંગ્રેસે તો ગઈકાલે જ સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

 રાજકોટના વોર્ડ નંબર ૮માં હાલ ભાજપ માટે સ્‍થિતિ પેચીદી બની છે. રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા નવા રોસ્‍ટર મુજબ, વોર્ડ ૮માં એક ઓબીસી બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં પ્રથમ બે બેઠકો સામાન્‍ય મહિલા અનામત, ત્રીજી ઓબીસી અને ચોથી બેઠક સામાન્‍ય નક્કી કરાઈ છે. આ નવા સમીકરણને કારણે વર્તમાન નગરસેવકો અશ્વિન પાંભર અને બિપિન બેરા પૈકી કોઈ એકની ટિકિટ કપાવાની પૂરેપૂરી શક્‍યતા સેવાઈ રહી છે.

 બીજી તરફ, સ્‍થાનિક લોકોમાં વર્તમાન જનપ્રતિનિધિઓની કામગીરીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જમીની સ્‍તરે લોકો સાથે જોડાયેલા હોવા જોઈએ, જેમાં હાલના કોર્પોરેટરો નિષ્‍ફળ રહ્યા હોય તેવું જણાય છે.

રાજકીય વિશ્‍લેષકોના મતે, આ વખતે ટિકિટની વહેંચણી અને સ્‍થાનિક અસંતોષ પક્ષ માટે મોટો પડકાર બની રહેશે.

વોર્ડમાં યુવા નેતૃત્‍વની પ્રબળ માંગઃ સ્‍થાનિક રહીશોનું માનવું છે કે હવે સમય બદલાયો છે અને સમાજને સાચી દિશામાં લઈ જવા માટે યુવા નેતાની જરૂર છે. ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરીને જતા રહેતા નેતાઓ સામે લોકોમાં રોષ છે. લોકોની માંગ છે કે નવો ચહેરો એવો હોવો જોઈએ જે તેમની સમસ્‍યાઓ સમજે. ખાસ કરીને બાળકો માટે પ્‍લે-એરિયા, વડીલો માટે સીનિયર સીટીઝન પાર્ક અને શૈક્ષણિક સંસ્‍થાઓ પાસે વધતા જતા ન્‍યુસન્‍સને ડામવા માટે સક્રિય નેતાની જરૂર હોવાનું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે.

રિપીટ થિયરી પર સવાલોઃ પક્ષ માટે અગ્નિપરીક્ષાઃ ચૂંટણી પહેલા વાયદાઓનો વરસાદ કરનારા નેતાઓ પર લોકો હવે આંધળો વિશ્વાસ કરવા તૈયાર નથી. વર્તમાન કોર્પોરેટરોની નબળી કામગીરીને જોતા પક્ષ કોને રિપીટ કરશે અને કોને ઘરે બેસાડશે તે સો મણનો સવાલ છે.

એકબાજુ ચૂંટણી આયોગનું રોસ્‍ટર અને બીજી બાજુ ભાજપના આંતરિક નિયમો વચ્‍ચે કોનું નસીબ ચમકશે તે જોવું રહ્યું. હાલ તો દરેક વોર્ડમાં આંતરિક ખેંચતાણ અને નાના-મોટા પ્રશ્નો પક્ષ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે.

વોર્ડ નં ૮ માં બુથ કરતા નેતા જાજાઃ ટિકિટની ફાળવણીમાં માથાના દુખાવા રૂપ સાબિત થશે.  ૨ ટર્મ ની મર્યાદા આવે તો અશ્વિન પાંભરનું પત્તુ કપાશે. 

પેરાશૂટ માંથી આવેલા બિપિન બેરા કડવા પાટીદાર સમાજમાં વર્ચસ્‍વ સ્‍થાપી શકવામાં નિષ્‍ફળ રહ્યા.  વોર્ડમાં વિકાસની દ્રષ્ટિએ  નિષ્‍ક્રિયતા જોવા મળી. 

વોર્ડ માં નવા સમીકરણ મુજબ જૈન પુરુષ, બક્ષીપંચ માંથી માલધારી, એક લેઉવા મહિલા તો એક કડવા મહિલા નો સમાવેશ થઈ શકે.

વિધાનસભા ૬૯ અને ૭૦ વિધાનસભા માં બે ભાગમાં વહેંચાયેલા વોર્ડ નં ૮ આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ, ગત ચૂંટણીમાં ગ્‍યાતી ગત સમીકરણો ને ધ્‍યાનમાં રાખી ભાજપના કાર્યકર્તાની દ્રષ્ટિએ  વોર્ડ નં ૮ ની વાત કરીએ તો બુથ કરતા નેતાઓ નું પ્રમાણ વધુ છે. આ વોર્ડ માં વજુભાઈ વાળા, ડો વલ્‍લભભાઈ કથીરીયા, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, ટપુભાઈ લીંબાસીયા, ઉમેશભાઈ રાજ્‍યગુરુ, નીતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, હરિભાઈ પટેલ, મંજુલાબેન પટેલ સહિતના તાકાતવર નેતાઓ રહેતા હોવાથી અહીં કોર્પોરેટરો વિકાસની દ્રષ્ટિએ પોતાનું માથું ઉચકી શક્‍યા નથી ત્‍યારે આ ચૂંટણીમાં ચારે ચારે નવા ચહેરાઓ આવે તેવું ગણિત મંડાઇ રહ્યું છે. 

(4:14 PM IST)