News of Thursday, 5th March 2026
દારૂની બોટલો સાથે પકડાયેલા અને વયસ્ક મહામંત્રીનું અપમાન કરનાર યુવા ભાજપ નેતાનું સસ્પેન્શન રદ કરી માનભેર પરત લાવવાની પેરવીની ભારે ચર્ચા

રાજકોટઃ થોડા સમય પહેલા જ વિદેશી દારૂની કિમતી બોટલો સાથે ઝડપાયેલ અને ભાજપ માટે નીચાજોણું કરનાર યુવા ભાજપના એક યુવા કાર્યકરનું પાછલા બારણેથી સસ્પેન્શન રદ કરાવી ફરી યુવા ભાજપમાં મહત્વના સ્થાને બેસાડી દેવાનો કારસો રચાયાના અહેવાલોથી ખુદ ભાજપ વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે.
શહેર ભાજપમાં રહી ચૂકેલા અને મહામંત્રી કક્ષાના સન્માનીય વયસ્ક અગ્રણી સાથે વિજયભાઈની અંતિમ યાત્રા સમયે કથિત ગંદી ભાષામાં ગાળાગાળી સાથે ખુબ ખરાબ વર્તન કરનાર આ યુવકનું હાલમાં ભાજપમાંથી સસ્પેન્શન થયેલ છે. તેમનું ગમે તેમ કરી સસ્પેન્શન રદ કરાવી ફરી યુવા ભાજપમાં ગોઠવી દેવાની હિલચાલ હોઈ રોષની લાગણી શરૂ થયાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. આ હિલચાલ અને દબાણ એટલું તીવ્ર બનાવાયું છે કે શહેર ભાજપ પ્રમુખ પણ કમને, દારૂની કિમતી બોટલો સાથે પકડાયેલ યુવા ભાજપ આગેવાનનું સસ્પેન્શન રદ કરી પક્ષમાં સમાવી લેવા તૈયાર થઈ ગયાનું પણ બહાર આવ્યું છે.
પક્ષ માટે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા નાના કાર્યકરોમાં, જ્ઞાતિ સમીકરણોના આધારે આવા તત્વો રજૂઆતો કરી ફરી પક્ષમાં દબદબો જમાવવાની હિલચાલ કરી રહ્યા ને ભારે ચર્ચા થઈ રહી છે.
પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટ ભાજપના નવનિયુક્ત પ્રભારી શ્રી અનિરુદ્ધભાઈ દવે આ અંગે કેવો અભિગમ અપનાવે છે, તે તરફ સૌની મીટ મંડાયેલ છે. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને યુવાવર્ગમાં આ ચર્ચા જોરશોરથી શરૂ થયાનું જાણવા મળે છે. (૪૦.૩૩)
(2:45 PM IST)










