News of Thursday, 5th March 2026
શ્રી રંગીલા હનુમાનજી મંદિરે આજથી શ્રી રામચરીત માનસ જ્ઞાનયજ્ઞ કથા નવાન્હ પારાયણ
પૂ. ત્યાગી મોરારીબાપુ (હિરાણાવાળા) કથાનું રસપાન કરાવશેઃ સોમવારે શ્રી ખોડીયાર માતાજી તથા હનુમાનદાદાનો માંડવોઃ ૧૪ મીએ સર્વજ્ઞાતિ સમુહલગ્ન, રકતદાન કેમ્પ

રાજકોટઃ શ્રી રંગીલા હનુમાન માનવ સેવા એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભક્તિ અને સેવાનો અનોખો સંગમ રચાવવા જઈ રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા શ્રી રંગીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ભવ્ય શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા, શ્રી ખોડીયાર માતાજી તથા હનુમાનદાદાનો માંડવો તેમજ સર્વજ્ઞાતિય સમુહ લગ્ન સાથે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભક્તિમય પ્રસંગે વક્તા તરીકે સુવિખ્યાત વિદ્વાન કથાકાર પૂજય ત્યાગી શ્રી મોરારીબાપુ (હિરાણાવાળા-શ્રી હનુમાનજી રોકડીયા આશ્રમ) બિરાજી પોતાની રસમધુર શૈલીમાં રામકથાનું રસપાન કરાવશે. કથાનું સંચાલન શ્રી રદ્યુરામ બાપુ કાંધલા દ્વારા કરવામાં આવશે. કથા દરમિયાન રામ જન્મોત્સવથી લઈને રામ રાજયભિષેક સુધીના વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશેઃ કથા પ્રારંભ તા. ૦૫ ગુરુવાર થી થશે,
પોથીયાત્રાઃ ૦૫ના રોજ બપોરે ૩:૩૦ કલાકે કમલેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે. કથા દરમ્યાન મુખ્ય પ્રસંગોઃ શિવ વિવાહ (૦૬:૦૩), રામ જન્મોત્સવ (૦૭:૦૩), રામ વિવાહ (૦૯:૦૩), ભરત મિલાપ (૧૧:૦૩) અને રામ રાજયભિષેક (૧૩:૦૩). કથા પૂર્ણાહુતિઃ તા. ૧૩ શુક્રવાર.
જયારે તા.૧૪ માર્ચ શનિવારે ૧૮મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે, જેમાં ૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સાથો સાથ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન રકતદાન શિબિર યોજાશે.
તો આઈશ્રી ખોડિયાર માતાજીનો ભવ્ય મંડપ મહોત્સવ તા.૦૯ માર્ચના રોજ યોજાશે. કથા દરમિયાન દરરોજ સાંજે ૭ કલાકે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ગલાભાઈ મેરામભાઈ બાંભવા, ઉપપ્રમુખ રમેશભાઈ નરસંગભાઈ બવા, મંત્રી દામજીભાઈ ભાણજીભાઈ પેઢિયા,ખજાનચી કિશોરભાઈ વસરામભાઈ વઘાસીયા, સલાહકાર સમિતિના જયદેવસિંહ જાડેજા, એડવોકેટ પ્રવિણભાઇ પેઢડીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૯૧૩૭ ૪૬૦૩૨ ઉપર સંપર્ક કરી શકાય છે.
સ્થળઃ શ્રી રંગીલા હનુમાન માનવ સેવા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રંગીલા હનુમાનજી મંદિર, ૧૪-વિવેકાનંદ નગર,કોઠારીયા મેઇન રોડ, રાજકોટ (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:58 PM IST)










