News of Saturday, 7th March 2026
રૈયાધારમાં ચારિત્ર્ય પર શંકા કરી પૂજાબેનને પતિ ગોવિંદનો ત્રાસઃ પતિ ઘરનો ડેલો પણ બહારથી લોક કરીને જતો!
મારકુટ થતાં સારવાર લેવી પડીઃ હાલ માવતરે રહેતી પરિણીતાએ પતિ ગોવિંદ, સાસુ જસુબેન અને જેઠ રમેશભાઇ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાવ્યો

રાજકોટ તા. ૭: શહેરમાં ઘરકંકાસ અને પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રૈયા ધાર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને જેઠ વિરૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ-જેઠ દ્વારા ચઢામણી કરવામાં આવતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં રૈયા ધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા પુજાબેન ગોવિંદભાઈ મીર (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી તેણીના પતિ ગોવિંદ, જેઠ રમેશભાઇ લાખાભાઇ, સાસુ જસુબેન વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે. પૂજાબેનના લગ્ન સાત વર્ષ પુર્વે ગોવિંદભાઇ લાખાભાઈ મીર સાથે થયા હતા. દંપતીને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પુજાબેનનો આક્ષેપ છે કે તેમના પતિ ગોવિંદભાઈ અવારનવાર તેમના પર ખોટી શંકા-વહેમ રાખતા હતા. તેમજ પતિ ઘરની બહાર જતી વખતે ઘરનો ડેલો બહારથી લોક કરીને જતા હતા, જેથી પુજાબેન ઘરની બહાર નીકળી ન શકે.
દરમિયાન ગત તા. ૨૦/૦૨ના રોજ સવારે જ્યારે પુજાબેને પતિને ઘરનો ડેલો બહારથી બંધ કરવાની ના પાડી ત્યારે પતિ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પુજાબેનને બેફામ ગાળો આપી ઢોર માર માર્યો હતો. આ સમયે ઘરમાં હાજર જેઠ રમેશભાઈએ પણ પુજાબેનને બચાવવાને બદલે ભાઈનો સાથ આપીને હેરાન કરી હતી. આ ઝઘડા બાદ પતિ અને જેઠે ભેગા મળીને પુજાબેનને ત્રણ માસૂમ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુક્યા હતાં. તેમજ સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારીને તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો અને આ બંનેની ચઢામણીથી પતિ પણ ત્રાસ આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પૂજાબેનને મારપીટના કારણે ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી અને છેલ્લા પંદર દિવસથી તેઓ જસોદા ચોક પાસે આવેલા તેમના પિતા જેસાભાઈ સોહલાના ઘરે આશરો લઈ રહ્યા છે. આટલા દિવસો વીતવા છતાં સાસરીયા પક્ષમાંથી કોઈ તેડવા કે ખબર અંતર પૂછવા ન આવતા, આખરે પુજાબેને તેમના ભાઈ ગણેશભાઈ સાથે પોલીસ સ્ટેશને જઈ પતિ ગોવિંદભાઈ, સાસુ જસુબેન અને જેઠ રમેશભાઈ વિરૂધ્ધ ફરિયાદ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ ચરમટાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:13 PM IST)










