<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

હું ચાંદીનો મોટો એજન્‍ટ છું...સામા કાંઠાના વેપારી પાસેથી ૬.૮૦ લાખના ચાંદીના કડા લઇ જઇ ઠગાઇ

વિશ્વાસ કેળવી ૨૬૦ નંગ પંજાબી કડા લઇ ગયા પછી પૈસા ન દીધાઃ તેણે જણાવેલુ સરનામુ પણ ખોટુ નીકળ્‍યું : પેડક રોડ ગાંધીસ્‍મૃતિ સોસાયટીમાં રહેતાં વેપારીની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ભોમેશ્વર શ્રમજીવી સોસાયટીના મહેશ ઠુમ્‍મર વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૭: શહેરના પેડક રોડ પર સેટેલાઈટ ચોક પાસે રહેતા અને વર્ષોથી ચાંદીના દાગીનાનું મજૂરીકામ તથા છૂટક વેચાણ કરતા વેપારી સાથે એક શખ્‍સે પોતાની ઓળખ ચાંદીના મોટા એજન્‍ટ તરીકે આપી, વિશ્વાસ કેળવીને અંદાજે ૬.૫ કિલોગ્રામ વજનના ચાંદીના કડાનો માલ લઇ જઇ પૈસા ન ચુકવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે પેડક રોડ ગાંધી સ્‍મૃતિ ોસાયટી-૨ શરેી નં. ૩માં રહેતાં મુકેશભાઇ ઘેલાભાઇ ડાભી (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ભોમેશ્વર શ્રમજીવી સોસાયટી-૧૨માં રહેતાં મહેશ ઉકાભાઇ ઠુમ્‍મર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. મુકેશભાઇ ઘરે બેઠા વીસ વર્ષથી ચાંદીની મજુરી કરે છે અને દાગીના વેંચે છે. તેમણે બનાવની વિગત એવી છે કે ગત સપ્‍ટેમ્‍બર ૨૦૨૫માં મુકેશભાઈના કાકાના દીકરા મારફતે મહેશભાઈ ઠુમ્‍મર નામના શખ્‍સે વેપારીનો સંપર્ક કર્યો હતો.

 મહેશભાઈએ પોતાને માંડવી ચોક સોની બજારમાં હોલસેલની દુકાન હોવાનું અને પોતે અન્‍ય રાજ્‍યોમાં ચાંદીનો માલ વેચતા હોવાનું જણાવી વેપારીનો વિશ્વાસ જીત્‍યો હતો. તેણે અલગ-અલગ સાઈઝના કુલ ૨૬૦ નંગ પંજાબી કડાનો ઓર્ડર આપ્‍યો હતો. જ્‍યારે માલ તૈયાર થયો ત્‍યારે તા. ૨૦/૦૯/૨૦૨૫ના રોજ મહેશભાઈ જાતે દુકાને પહોંચ્‍યો હતો અને માલ હું અત્‍યારે લઈ જાવ છું, તમે બિલ લઈને મારી દુકાને આવજો, હું તમને સામે ચાંદીના ચોરસા-શુધ્‍ધ ચાંદી આપી દઈશ તેમ કહી ૬.૫ કિલો ચાંદીનો માલ લઈ ગયો હતો.

જ્‍યારે વેપારીનો પુત્ર હિરેન સોની બજારમાં ચાંદીના ચોરસા લેવા ગયો ત્‍યારે મહેશભાઈએ ફોન પર અલગ-અલગ બહાના કાઢી તેને ટટળાવ્‍યો હતો. ત્‍યારબાદ તેણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. વેપારીએ જ્‍યારે મહેશભાઈએ આપેલા રાધામીરા સોસાયટીના સરનામે તપાસ કરી તો જાણવા મળ્‍યું કે તે સરનામું ખોટું હતું. અંતે વેપારીએ જાતે તપાસ કરી મહેશભાઈને ભોમેશ્વર વિસ્‍તારની શ્રમજીવી સોસાયટીમાં શોધી કાઢયો હતો. ત્‍યાં પણ મહેશભાઈએ થોડા દિવસોમાં રૂપિયા કે ચાંદી પરત આપી દેવાના ખોટા વાયદાઓ કરીને સમય પસાર કર્યો હતો.

લાંબો સમય વીતવા છતાં અને વારંવારની ઉઘરાણી છતાં મહેશભાઈએ ૭૦ ટચની ૬ કિલો ૫૦૦ ગ્રામ ચાંદી, જેની બજાર કિંમત અંદાજે ૬,૮૦,૦૦૦ રૂપિયા થાય છે, તે પરત આપી નહોતી. એજન્‍ટ હોવાનું ખોટું નાટક કરી વિશ્વાસઘાત કરનાર મહેશ ઠુમ્‍મર સામે આખરે મુકેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એએસઆઇ કે. વી. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:15 PM IST)