News of Wednesday, 11th March 2026
કરણસિંહજી રોડ પર સી.પી. પાનવાળા ચેતનભાઇને બાજુની દુકાનવાળા ત્રણ જણાએ ઘુસ્તાવી નાંખ્યા
દૂકાનના ઓટા પાસે સામાન રાખી તેમજ એ.સી.માંથી નીકળેલો કચરો નાખતાં સમજાવવા જતાં માથાકુટ દિપક ઓપ્ટીકલ્સવાળા ઘનશ્યામ રાવલ, તેના ભાઇ અમિત રાવલ અને બકુલે ગાળો દઇ આજે તો પતાવી જ દેવો છે કહી ધમકી પણ દીધીઃ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૧: કરણસિંહજી મેઈન રોડ પર આવેલી સી.પી. પાન મસાલા નામની દુકાનદાર પ્રોૈઢ વેપારી પર પાડોશી દુકાનદારે નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ લાકડી અને ઢીકાપાટુનો માર મારતાં ચર્ચા જાગી છે. દુકાન પાસે એ.સી.નો કચરો અને સામાન રાખવા બાબતે સમજાવવા ગયેલા વેપારીને ત્રણ શખ્સોએ મળી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગોંડલ રોડ પીડીએમ પાછળ શિવનગર શેરી નં. ૯માં રહેતા અને કરણસિંહજી રોડ પર કેશુભાઈના દવાખાના સામે સી.પી. પાન મસાલા નામની દુકાન ધરાવતા ચેતનભાઈ પ્રવિણભાઈ કેશરીયા (ઉ.વ. ૫૫)ની ફરિયાદ પરથી તેમની બાજુમાં દુકાન ધરાવતાં ઘનશ્યામ મહેશભાઇ રાવલ, અમિત મહેશભાઇ રાવલ તથા બકુલભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ચેતનભાઇ ગત તા. ૦૮/૦૩/૨૦૨૬ના રોજ બપોરે પરાબજારમાં માલની ખરીદી કરવા ગયા હતા. બપોરે બે વાગ્યાની આસપાસ તેઓ પરત ફરતા જોયું કે તેમની બાજુમાં આવેલ દિપક ઓપ્ટિકલના સંચાલક ઘનશ્યામભાઈ મહેશભાઈ રાવલે ચેતનભાઈની દુકાનના ઓટા પાસે સામાન રાખ્યો હતો અને એ.સી. સાફ કર્યા બાદ નીકળેલો કચરો તથા પાણી ત્યાં નાખ્યું હતું. આ ગંદકી બાબતે ચેતનભાઈ ઘનશ્યામભાઈને સમજાવવા ગયા હતા.
શાંતિથી સમજાવવા છતાં ઘનશ્યામભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને આ સામાન અહીં જ રહેશે તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઘનશ્યામભાઈએ પોતાની દુકાનમાંથી તેના ભાઈ અમિતભાઈ મહેશભાઈ રાવલ અને માસીના દીકરા બકુલભાઈને બોલાવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ ચેતનભાઈને બિભત્સ ગાળો આપી હુમલો કર્યો હતો. જેમાં ઘનશ્યામભાઈએ દુકાનમાંથી લાકડી કાઢી ચેતનભાઈના જમણા પગમાં ફટકારી હતી, જ્યારે અમિત અને બકુલ નામના શખ્સોએ તેમને ઢીકાપાટુંનો મુંઢ માર માર્યો હતો.
તેમજ હુમલા દરમિયાન આરોપીઓએ આજે તો તને પતાવી જ દેવો છે તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાને પગલે વેપારીએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ ત્રણેય હુમલાખોરો સામેની શેરીમાં નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્ત ચેતનભાઈએ તેમના નાના ભાઈ અનીશભાઈને જાણ કરતા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક્સ-રે અને સોનોગ્રાફી રિપોર્ટ બાદ શરીરે મુંઢ ઈજાઓ હોવાનું સામે આવ્યું હતું. પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરાડીયાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:45 PM IST)










