News of Thursday, 12th March 2026
બાલાજી ચોક પાસે યુવક પર છરીથી હુમલો કરનાર શાંતિલાલ ૧૮ વર્ષ બાદ ગોંડલથી ઝબ્બે
બી-ડિવિઝન પોલીસ મથકમાં વિશ્વાસઘાતનાં ગુનામાં ૬ મહિનાથી ફરાર યોગેશ સુરતથી ઝડપાયો

રાજકોટ, તા. ૧રઃ શ્રધ્ધા પાર્ક મેઇન રોડ પર બાલાજી ચોક પાસે ર૦૦૭માં યુવક પર છરીના ઘા ઝીંકી હિચકારો હુમલો કરવાના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગોંડલથી ઝડપી લઇ કાયદાનો પરીચય કરાવ્યો હતો જયારે વિશ્વાસઘાતના ગુનામાં ૬ મહીનાથી ફરાર આરોપી ઝડપાતા તેને બી ડિવિઝન પોલીસને સોપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
૧૮ વર્ષ પહેલાં બાલાજી ચોકમાં સંજયભાઇ જયસુખભાઇ પરમાર પર જૂના ઝઘડાનો ખાર રાખી શાંતિલાલ ઉર્ફે શાંતિયો ઉર્ફે જીગર બૌધાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) છરીના ઘા ઝીંકી હિચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. બીજી બાજુ હુમલો કરનાર શાંતિલાલ ફરાર થઇ ગયો હતો. ઘટનાનાં ૧૮ વર્ષ પછી પેરોલ ફર્લો સ્કવોડનાં પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઇ જે.જી. તરૈયાને શાંતિલાલ ગોંડલમાં હોવાની બાતમી મળતા તેમને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસમાં આરોપી શાંતિલાલે ૧૮ વર્ષ દરમિયાન સુરત ભાગી ગયો હતો ત્યાં લગ્ન કર્યા હતા અને બાદમાં છુટાછેડા પણ થઇ ગયા હતા. હાલમાં તે ગોંડલ તેની માતા સાથે રહેતો હતો અને મજુરી કામ કરતો હતો.
બીજા બનાવમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનાં ગુનાનો આરોપી યોગેશ પ્રવિણચંદ્ર ગઢીયા (ઉ.વ. ૩૬) છેલ્લા ૬ મહિનાથી ફરાર હતો. જેને બાતમીના આધારે સુરતથી ઝડપી લઇ બી ડિવિઝન પોલીસને સોપ્યો હતો.
આ કામગીરી એએસઆઇ ઝહીરભાઇ ખહીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ્ટેબલ અમીનભાઇ ભલુર, કુલદિપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા તથા દોલતસિંહ રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
(12:18 PM IST)










