<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

આજીડેમ પાસે સવિતાબેનને લિફટ આપનાર બાઇક ચાલક સોનાનો ચેઇન લૂંટી ભાગી ગયો

ભાણેજની સ્‍મશાનયાત્રામાં જવા નીકળેલા વૃધ્‍ધાનો ૧૩ ગ્રામના સોનાના ચેઇનની લૂંટઃ ભાણેજને ઓળખતો હોવાનું કહી વૃધ્‍ધાને વિશ્વાસમાં લીધા હતા

રાજકોટઃ તા.૧૩, ચંદ્રેશનગર મેઇન રોડ પર આશોપાલવ પાર્કમાં રહેતા વૃધ્‍ધા પોતાના ભાણેજની સ્‍મશાન યાત્રામાં આજીડેમ નજીક આવેલા મુકેશ પાર્કમાં જવા માટે એક બાઇક ચાલકની મદદ લીધી હતી. એ જ બાઇક ચાલકે સુમસામ રસ્‍તા પર બાઇક ઊભુ રાખી વૃધ્‍ધાનાં ગળામાંથી ૩૦,૦૦૦નાં સોનાના ચેઇનની લૂંટ ચલાવી લીધાની ઘટના થોરાળા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ છે. જેને પગલે પોલીસે આસપાસનાં સીસીટીવી કેમેરા ચકાસી લૂંટ ચલાવનાર શખ્‍સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

થોરાળા પોલીસ સ્‍ટેશનમાં સવિતાબેન નટવરસિંહ ચૌહાણ (ઉ.વ.૬૭) નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ હાલ નિવૃત છે અને સંતાનમાં પ દિકરીઓ છે. તા. રર ફેબ્રુઆરીના રોજ તેમના કૌટુંબિક ભાણેજનું અવસાન થયું હોય તેઓ સવારે પ વાગ્‍યે મુકેશ પાર્કમાં જવા નિકળ્‍યા હતા તેમણે મવડી ફાયર સ્‍ટેશનથી આજી ડેમ ચોકડી જવા માટે રિક્ષા કરી હતી, અને આજીડેમ  ચોકડીથી મુકેશપાર્ક જવા માટે તેમણે બીજી રીક્ષા કરી હતી. જેમાં રીક્ષા ચાલકની બાજુમાં એક પુરૂષ અને પાછળની સીટમાં બે મહિલા બેઠા હતા, રામવન આગળ તેઓ રિક્ષામાંથી ઉતર્યા તે સમયે રિક્ષા આગળ એક બાઇક ચાલક ઊભો હતો જેને તેમણે ભાણેજનું અવસાન થયુ હોય, મુકેશપાર્ક જવા માટે મદદ લીધી હતી. બાઇક ચાલક પોતે પણ તેમના ભાણેજને ઓળખતો હોવાનું કહેતા તેમના પર વિશ્વાસ   આવી જતાં તેમનાં બાઇકમાં બેસી ગયા હતા.

બાઇક ચાલકે નેશનલ હાઇવેની બાજુમાં સર્વિસ રોડ પર બાઇક ઊભુ રાખી ગળામાં પહેલ ૧૩ ગ્રામના સોનાના ચેઇન પર તરાપ મારી ભાગી ગયો હતો. લૂટના બનાવને પગલે સવિતાબેને થોરાળા પોલીસમાં અજાણ્‍યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. 

(2:20 PM IST)