News of Friday, 13th March 2026
પૂનામાં ગુજરાતને ધબકતું રાખનાર રાધિકા બગડાઇ
વાર્તાઓ થકી સંસ્કળતિને હૃદયસ્પર્શી જોડાણોમાં પરિવર્તિત કરનાર મહિલા : ‘‘લાઈવસ્ટોરીઆર્ટ'' થકી તેઓ વાર્તાઓને માત્ર કહેવાને બદલે તેને એક થિયેટરના રૂપમાં રજૂ કરે છે. તેઓ કોસ્ચ્યુમ્સ (પહેરવેશ), પ્રોપ્સ અને અલગ-અલગ અવાજો દ્વારા પૌરાણિક અને ક્લાસિક વાર્તાઓને જીવંત બનાવે છે. તેમનો હેતુ વાર્તાઓ દ્વારા બાળકોમાં સહાનુભૂતિ અને લાગણીઓની સમજ કેળવવાનો છે. ‘‘ગહેકતી ગુજરાતણ'' નામની સંસ્થા પુણેની ગુજરાતી મહિલાઓને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઘરેથી પોતાનો નાનો વ્યવસાય ચલાવતી મહિલાઓને પ્લેટફોર્મ અને સપોર્ટ પૂરો પાડે છે. મૂળ રાજકોટના રાધિકા બગડાઈ પુણેમાં તેમના સ્ટોરીટેલિંગ આર્ટ અને ગુજરાતી કલ્ચરને જીવંત રાખવા તથા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જાણીતા છે.

પૂનામાં ગુજરાતને ધબકતું રાખનાર રાધિકાબેન બગડાઇ અને પરિમલભાઇ ઘેલાણી તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : સંદિપ બગથરિયા)
રાજકોટ : રાધિકા બગડાઈ પુણેમાં રહેતા એક જાણીતા સ્ટોરીટેલર (વાર્તાકાર), એજ્યુકેટર, કાઉન્સેલર અને સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. તેઓ ખાસ કરીને વાર્તાઓ અને સંસ્કળતિના માધ્યમથી લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. પુણેમાં તેમની મુખ્યત્વે બે ઓળખ અને સાહસો છે. ‘‘લાઈવસ્ટોરીઆર્ટ'' પુણેના વિમાન નગર વિસ્તારમાં તેમનું આ સેટઅપ આવેલું છે. અહીં તેઓ વાર્તાઓને માત્ર કહેવાને બદલે તેને એક થિયેટરના રૂપમાં રજૂ કરે છે. તેઓ કોસ્ચ્યુમ્સ (પહેરવેશ), પ્રોપ્સ અને અલગ-અલગ અવાજો દ્વારા પૌરાણિક અને ક્લાસિક વાર્તાઓને જીવંત બનાવે છે. તેમનો હેતુ વાર્તાઓ દ્વારા બાળકોમાં સહાનુભૂતિ અને લાગણીઓની સમજ કેળવવાનો છે. જ્યારે ‘‘ગહેકતી ગુજરાતણ'' નામની સંસ્થાના તેઓ સ્થાપક છે. પુણેમાં વસતી ગુજરાતી મહિલાઓનો એક મોટો અને સક્રિય સમુદાય છે, જેની શરૂઆત એક વોટ્સએપ ગ્રુપથી થઈ હતી. આ પ્લેટફોર્મ દ્વારા તેઓ પુણેની ગુજરાતી મહિલાઓને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઘરેથી પોતાનો નાનો વ્યવસાય ચલાવતી મહિલાઓને પ્લેટફોર્મ અને સપોર્ટ પૂરો પાડે છે. ટૂંકમાં રાધિકા બગડાઈ પુણેમાં તેમના સ્ટોરીટેલિંગ આર્ટ અને ગુજરાતી કલ્ચરને જીવંત રાખવા તથા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જાણીતા છે. ખાસ વાત એ છે કે તેઓ મૂળ રાજકોટના છે અને ખુબજ જાણીતા બિઝનેસમેન અને સંગીતજ્ઞ શ્રી પરિમલભાઇ ઘેલાણીના દીકરી છે. તેઓ અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને પૂનામાં ગુજરાતને કઇ રીતે ધબકતું રાખ્યું છે તે વિશે વિગતવાર ચર્ચા કરી હતી.
રાધિકાબેન બગડાઇએ જણાવ્યું હતું કે, વાર્તાકાર એક પ્રોફેશન બની શકે તે વિશે લોકો વિચારે પણ નહીં એ વખતે હું બાળકોને વાર્તાના માધ્યમથી શિખવતી. આ કામ મેં બે વર્ષ કર્યુ. એ પછી રાજકોટની એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે વર્ષ ૨૦૧૧ માં જોડાઇ. મારા દાદા અમુભાઇ ઘેલાણી ખુબજ જાણીતા વક્તા હતા તેઓએ શિક્ષણક્ષેત્રે પણ અમૂલ્ય યોગદાન આપેલું તેમના વારસામાં મને આ વાર્તાકાર બનવાનું મળ્યું. જે સ્કૂલમાં બાળકોને હું વાર્તા કહેતી ત્યાં મારા ગુરૂ બેલાબેન વ્યાસ હતા તેમણે મને કહેલું કે -પિાયમરીના ૪ થી ૫ વર્ષના ૧૫૦ થી વધુ બાળકો જે સ્થિર ન બેસે તેને તમે અડધો કલાક વાર્તા કહી બેસાડો જે ખુબ અઘરૂ છે. એ પછી ૨૦૧૫ માં લગ્ન પછી રાધિકાબેન પૂના ગયા જ્યાં તેમણે મહારાષ્ટ્રના આ કલ્ચર શહેર પુણેને એક વર્ષ એક્સપ્લોર કર્યું. એ પછી ૫ માર્ચ ૨૦૧૬ માં રાધિકાબેને તેમનો પહેલો શો એક પ્રોફેશનલ સ્ટોરી ટેલર (વાર્તાકાર) તરીકે મેકઅપ, કોચ્યુમ, પ્રોપ્સ સાથે સોલો શો કર્યો અને એ પણ બાળકો માટે એક કલાકનો શો કર્યો. એ વખતે તેમણે વરૂ અને ડૂક્કરની પ્રચલીત વાર્તા તે વેશભૂષા ધારણ કરી એવી રીતે રજુ કરી કે અત્યારના બાળકોને તે કેવી રીતે સમજાવી શકાય અને પ્રેરણાત્મક બને.
રાધિકાબેને આપણી જુનીવાર્તાઓને અદભૂત ટ્વીસ્ટ આપી વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. તેમાંય વાર્તામાં વિલનને અલગ રીતે રજુ કરવાનું શરૂ કર્યું જેથી બાળકોના મગજમાં નેગેટીવ વસ્તુ ન આવે અને વાર્તાના અંતે એક સુંદર પ્રેરણાત્મક મેસેજ લઇને જાય. છેલ્લા ૧૨ વર્ષથી તેઓ આ વાર્તાકાર તરીકે કાર્યરત છે. આવી અસંખ્યવાર્તાઓ તેમણે કહી છે. હવે તેઓ વાર્તા કહી દર્શાવવાની સાથે તેઓ હવે વાર્તા લખે છે. તેમના આ કાર્યને રાધિકાબેને નામ આપ્યું છે ‘‘લાઇવ સ્ટોરી આર્ટ''. યુટયુબ અને ઇન્સ્ટાગ્રામમાં પણ તેઓ વાર્તા મૂકે છે પણ લાઇવ જોવાની મજાજ કંઇ ઓર છે તેઓ કહે છે ‘‘હું વાર્તાઓને અહિં જીવંત કરૂ છું''. તેઓ કહે છે સોલો પર્ફોમ કરતી વખતે બાળકોને પણ અલગ અલગ પાત્રો બનાવું છુ. તેમની ખાસિયત એ છે કે તેઓ ક્લાસિક અને પૌરાણિક વાર્તાઓને નવા દ્રષ્ટિકોણથી ફરીથી કહે છે જેથી કહેવાતા ખલનાયકની નજરથી વાર્તા કહેવાથી બાળકોમાં સહાનુભૂતિ અને ભાવનાત્મક ઊંડાણ કેળવાય છે. બાળકો એ સમય દરમિયાન સ્ક્રિન ટાઇમથી દુર રહી વાર્તા થકી કંઇક શીખે છે. તેઓ કહે છે ‘‘વાર્તાઓ માત્ર મનોરંજન માટે નથી તે આપણને લાગણીઓ અને એકબીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.''રાધિકાબેન વાર્તાઓ કંઇ શિખવા માટે નહિં પણ આનંદ માટે કરે છે અને બાળકો તેમના વિચારો મુજબ કંઇ ને કંઇ બોધપાઠ લઇને જાય છે.
તાજેતરમાં ૫ માર્ચના લાઇવ સ્ટોરી આર્ટને ૧૦ વર્ષ પૂર્ણ થયા. આથી તેઓ રાજકોટ આવ્યા હતા અને તેમના દાદાએ ભાણવડમાં સ્થાપેલ એમ.વી.ઘેલાણી કન્યા વિદ્યાલય ૫૮ વર્ષ પહેલા શરુ કરેલી ત્યાં ગયા. અહિં વિનામુલ્યે ભણતી ૬૫૦ દીકરીઓને વિદ્યાર્થિનીઓને, પોરબંદરની આર્યા કન્યા વિદ્યાલય (નાનજી કાલિદાસ મહેતા) ની દીકરીઓને તથા રાજકોટ લોહાણા મહિલા વિકાસ ગળહમાં મહિલા દિવસ અને લાઇફ સ્ટોરી આર્ટને સાંકળી લઇ ‘‘તમારી વાર્તા એજ તમારી ઓળખ'' વિશે સુંદર કથા કહી ૧૦૦૦ થી વધુ બાળાઓને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતું.
વાર્તાકાર રાધિકાબેન બગડાઇએ મુંબઇના કાલાઘોડા આર્ટ ફેસ્ટીવલ, બાળકો માટેના સૌથી મોટા ફેસ્ટીવલ કૂકડૂ કુ ભારતભરમાં યોજાય છે તેમાં બે વર્ષથી જોડાયા છે જેમાં દિલ્હી, નોઇડા, ગુડગાંવ, બેંગ્લોર, હૈદ્રાબાદ, અમદાવાદ, પુણે, મુંબઇ સહિત અનેક શહેરોમાં પર્ફોમ કર્યું છે. રાધિકા બગડાઇએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ કોમર્સ અને પુણેની એમઆઈટી ગુરુકુલ યુનિવર્સિટીમાંથી અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનમાં ડિપ્લોમા મેળવ્યો છે. તેઓ મ્યુઝિક ટુગેધરનાં પ્રમાણિત ટ્રેનર છે જે પ્રારંભિક બાળપણના વિકાસ માટેનો યુ.એસ.આધારિત સંગીતમય કાર્યક્રમ છે અને બેંગલોરની આશા ધ હોપ દ્વારા પ્રશિક્ષિત ચાઇલ્ડ કાઉન્સેલર છે. તેમનો ડિપ્લોમા IAOTH દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને CTAA દ્વારા માન્ય છે. તેમની પાસે ટ્રિનિટી કૉલેજ લંડન (ESOL, CEFR B2.1, ડિસ્ટિંક્શન) તરફથી આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ પણ છે.
વાર્તાકાર રાધિકાબેને પુણેમાં ગુજરાતી મહિલાઓ માટે ‘‘ગહેકતી ગુજરાતણ'' નામે એક સુંદર સંસ્થાની સ્થાપના કરી છે. જેના સહ સ્થાપક રાજેશ્વરી લાખાણી અને ઉર્વિ રાબડિયા છે. પુણેમાં આ સંસ્થા ગુજરાતીપણાને ધબકતું રાખવાનું કાર્ય કરે છે. એક નાનકડા વોટ્સએપ ગ્રુપ તરીકે શરૂ થયેલ સંસ્થા આજે શહેરના સૌથી જીવંત અને હૃદયસ્પર્શી સમુદાયોમાંના એક તરીકે વિકસી છે. એક એવી જગ્યા જ્યાં મહિલાઓ ગુજરાતી હોવાની ગર્વભેર ઉજવણી કરે છે, સાથે મૈત્રી, હાસ્ય અને પોતાપણાની લાગણી અપનાવે છે. ગહેક્તી ગુજરાતણ માત્ર એક સમુદાય નથી તે વિકાસ માટેનું એક મંચ પણ છે. આ સમુદાય ઘર આધારિત ઉદ્યોગસાહસિકોને જુસ્સાપૂર્વક ટેકો આપે છે, તેમને દૃશ્યતા, તકો અને તેમના કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો આત્મવિશ્વાસ આપે છે. ૨૦૨૧ માં આ સંસ્થા શરૂ થઇ હતી. પુણેમાં ગુજરાતી ફાફડા જલેબી, હુંફ, વાટકા વ્યવહાર એટલા મીસ થતા કે આ ગહેકતી ગુજરાતણની શરૂઆત થઇ.
આ પ્લેટફોર્મમાં પુણામાં વસતી ગુજરાતી મહિલાઓ ગુજરાતી સંસ્કળતિ, આપણી ભાષા અને આપણી ઓળખ મળવી જોઇએ. જેમાં દર મહિને વિવિધ ઇવેન્ટનું આયોજન થાય, ઓનલાઇન સેશન થાય, એક્સપર્ટ ટોક થાય. હમણાંજ આગામી ૨૫ એપ્રિલના હેલ્લાઓ મુખ્ય ઇવેન્ટનું આયોજન કરાયું છે. જે દર વર્ષે યોજાય છે. જેમાં વિચારથી લઇ તમામ આયોજન રાધિકાબેન કરે છે. જેમાં ગુજ્જુ કલાકારો અને ગુજરાતને પ્રમોટ કરવામાં આવે છે. આ વખતની થીમ છે ‘‘વારસો''. જેમાં કાગબાપુથી લઇ ઝવેરચંદ મેઘાણી, કવિ નર્મદ વગેરે મહામાનવો કોણ છે તેમનો ભક્તિનો વારસો, સાહિત્યના વારસાને રજુ કરવાનો પ્રયાસ કરાયો છે. ગયા વર્ષની થીમ નવરસ હતી જેમાં નવ દેવી દેવતાઓને રજુ કરાયા હતા. જેમાં ૧૨૫ કલાકારોએ ભાગ ભજવ્યો હતો. ગહેકતી ગુજરાતણ અંતર્ગત ગુજરાતી ફિલ્મો સ્ક્રિનીંગ માટે પુણા ચોક્કસ આવે છે. આ સંસ્થા ગરબા, નાટકો સહિત અનેક કાર્યક્રમો પણ યોજે છે.
રાધિકાબેન બગડાઇ મુંબઇના પ્રખ્યાત પ્રભાત હાઇજીન એટલેકે ધીરુભાઇ આટાવાળા પરિવારના પુત્રવધુ છે. તેમના પતિ પ્રકાશભાઇ ટ્રેડિંગ અને પ્રભાત ઇન્ક. નામે ટ્રાવેલ એજન્સી સાથે સંકળાયેલા છે. તેમના બે પુત્રો મીલિન્દ કે જે કેનેડા અભ્યાસ કરતા તેમણે પુણેમાં ફિટનેસ કોચ તરીકે કાર્યરત છે જ્યારે નાના પુત્ર મયંક બી.બી.એ અભ્યાસ કર્યા બાદ પિતા સાથે વ્યવસાયમાં છે. ટૂંકમાં રાધિકાબેન બગડાઇ એક વાર્તાકાર, શિક્ષિકા, સલાહકાર અને સામાજિક ઉદ્યોગસાહસિક છે જેઓ એક સરળ વાતમાં માને છે તેઓ પાસે વાર્તા કહેવાની કળાને નાટયાત્મક અનુભવમાં પરિવર્તિત કરવાની કળા છે. તેઓ કહે છે કે, ‘‘વાર્તાઓ આપણને જોડે છે. સંસ્કળતિ આપણને જમીન સાથે જોડી રાખે છે. અને પ્રેમ આપણને આગળ વધારતો રાખે છે.''
આપણી વાર્તાઓ બાળકોને સમજાય તે રીતે રજુ કરાશે..
હાલનું કલ્ચર અંગ્રેજીનું છે. આપણી વાર્તાઓ બાળકોને ઓછી ખબર હોય છે. ભગવાન રામ કોણ છે તે ખ્યાલ છે પણ તેમના વિશેની વિગતો તે જાણતા નથી. એ વિચાર સાથે રાધિકા બગડાઇએ બાળકો આપણી પુરાતન વાર્તાઓથી અવગત થાય તેના માટે ‘‘ધ વિઝર્ડ એન્ડ ધ વોરીયર'' વાર્તા લખી છે જેની પેટન્ટ પણ કરાવી લીધી છે. તેમાં હેરી પોટર પ્રભુ શ્રી રામને મળે ત્યારે શું થાય તે અનોખી રીતે કહેવાનો પ્રયત્ન કર્યો છે. જેથી બાળકો આપણા ગ્રંથો, વાર્તાઓ અને વિચારો વિશે જાણી શકે, સમજી શકે.
રાધિકા બગડાઇએ TEDx માં પોતાના વિચારો દુનિયા સમક્ષ રજુ કર્યા..
TEDx ઇવેન્ટ્સમાં સ્થાનિક સ્પીકર્સ પ્રેરણાદાયક વાતો, નવા વિચારો અને અનુભવો શેર કરે છે, જે વિશ્વભરના લાખો લોકો જોવે છે. એક સમયે ૧૫ વર્ષ પહેલા રાધિકા બગડાઇના ગુરુ બેલાબેન વ્યાસ તેમને કહેલું કે, તમે ટેડેક્સમાં વકતવ્ય આપી શકો તેવી ક્ષમતા તમારામાં છે. ત્યારે રાધિકાબેનને તે માન્યમાં ન આવતું. તાજેતરમાં ડિસેમ્બર ૨૦૨૫ માં બેલાબેને કહેલી એ વાત સત્ય સાબિત થઇ અને વાર્તાકાર રાધિકાબેન બગડાઇએ ટેડેક્સ માં પોતાના વિચારો દુનિયા સમક્ષ રજુ કર્યા. એક વાર્તાકાર અને લાઈવસ્ટોરીઆર્ટનાં સ્થાપક તરીકે તેઓએ ક્લાસિક વાર્તાઓને બાળકો અને પુખ્ત વયના લોકો માટે સમકાલીન, સહાનુભૂતિપૂર્ણ કથાઓમાં પુનઃકલ્પિત કર્યા છે. એક દાયકાથી વધુના અનુભવ સાથે તેમનું કાર્ય પરિપ્રેક્ષ્ય, સમાવેશ અને ભાવનાત્મક સમજણનું અન્વેષણ કરે છે. ઘણીવાર અવગણવામાં આવેલા પાત્રોને તેઓ અવાજ આપે છે. તેઓ ગહેકતી ગુજરાતણનાં પણ સ્થાપક છે. જે પુણેનો સૌથી મોટો ગુજરાતી મહિલા સમુદાય છે જે સંસ્કળતિ, ભાષા અને સહિયારા પોતાપણાને પ્રોત્સાહન આપે છે. પ્રારંભિક બાળપણ શિક્ષણ, સંગીત અને કાઉન્સેલિંગમાં પ્રશિક્ષિત રાધિકાબેનની વાર્તા કહેવાની કળા કાલા ઘોડા ફેસ્ટિવલ, કુકડુકૂ ફેસ્ટ અને ઓલ ઇન્ડિયા રેડિયો સહિતના પ્લેટફોર્મ પર પ્રદર્શિત થઈ છે. TEDx માં પોતાના વિચારો દુનિયા સમક્ષ રજુ કરવા તે ગર્વની વાત છે.સંપર્ક : રાધિકા બગડાઇ
૮૬૦૦૦૦૨૫૩૯
ઇન્સ્ટાગ્રામઃ(લાઇવ સ્ટોરી આર્ટ)
https://www.instagram.com/livestoryart_productions?igsh=bGgz
YTIyZzJzaDd4&utm_source=ig_contact_invite
(ગહેકતી ગુજરાતણ)
https://www.instagram.com/gahektigujaratan?igsh=MW13NTF5e
G9pMXliNw==&utm_source=ig_contact_invite
યુટયુબઃ
https://youtube.com/@gahektigujaratan?si=CYJn439iY6xV2OYs
(2:58 PM IST)










