<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ઈલોન મસ્‍કનો પડકાર : શું આપણે કોઈ સુપર-સિવિલાઈઝેશનની વિડીયો ગેમમાં જીવી રહ્યા છીએ?

ગયા સોમવારે આપણે ગણિત અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આ થિયરીને સમજી હતી. આજના ભાગમાં આપણે દુનિયાના સૌથી પ્રભાવશાળી અને વિવાદાસ્‍પદ અબજોપતિ ઈલોન મસ્‍કના વિચારો અને ‘દેજા વૂ' જેવી રહસ્‍યમયી ઘટનાઓ પર પ્રકાશ પાડીશું.અહીં આપણી લેખમાળાનો ત્રીજો હપ્‍તો છે : રહસ્‍યોથી ભરેલી દુનિયાનું રહસ્‍ય... ધન્‍વી - માહી - ૩

રાજકોટ : આજના યુગના ‘આયર્ન મેન' ગણાતા અને ટેસ્‍લા તેમજ સ્‍પેસ-એક્‍સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્‍ક જ્‍યારે કંઈ બોલે છે, ત્‍યારે આખી દુનિયા તેને ગંભીરતાથી સાંભળે છે. થોડા સમય પહેલા એક કોન્‍ફરન્‍સમાં મસ્‍કને પૂછવામાં આવ્‍યું કે શું તેઓ ‘સિમ્‍યુલેશન હાઇપોથેસિસ'માં માને છે? તેમનો જવાબ ચોંકાવનારો હતો. મસ્‍કે કહ્યું, ‘આપણે અસલી દુનિયામાં (બેઝ રિયાલિટી) હોવાની શક્‍યતા અબજોમાં માત્ર એક જ છે.'

મસ્‍કનો તર્ક સમજવા જેવો છે. તેઓ કહે છે કે, આજથી ૪૦-૫૦ વર્ષ પહેલા આપણી પાસે ‘પોંગ' જેવી સાદી ગેમ હતી, જેમાં માત્ર બે ચોરસ અને એક ટપકું હતું. આજે આપણે એવી ગેમ્‍સ રમી રહ્યા છીએ જેમાં લાખો લોકો એકસાથે વર્ચ્‍યુઅલ દુનિયામાં જોડાય છે અને તે દુનિયા અસલી જેવી જ લાગે છે. જો ટેકનોલોજી આ જ ગતિએ આગળ વધતી રહી, તો ભવિષ્‍યમાં એવી ગેમ્‍સ બનશે જે અસલી દુનિયાથી અલગ પાડી શકાશે નહીં. જો આવી ગેમ્‍સ બની શકે, તો શું એ શક્‍ય નથી કે કોઈ 'અતિ-વિકસિત સભ્‍યતા'એ (સુપર-સિવિલિઝેશન) આપણને ઓલરેડી બનાવી દીધા હોય?

ઘણીવાર આપણી સાથે એવી ઘટનાઓ બને છે જેનો વિજ્ઞાન પાસે કોઈ જવાબ નથી હોતો. દાખલા તરીકે, ‘દેજા વૂ'. તમે કોઈ નવી જગ્‍યાએ જાવ અને તમને અચાનક એવો ભાસ થાય કે ‘હું અહીં પહેલા આવી ચૂક્‍યો છું' અથવા ‘આ ઘટના મારી સાથે પહેલા બની ચૂકી છે.' સિમ્‍યુલેશન થિયરી માનનારા લોકો કહે છે કે આ બીજું કંઈ નહીં પણ સોફટવેરમાં આવતી એક નાનકડી ‘ગ્‍લીચ' અથવા ભૂલ છે. જેમ કોઈ ફિલ્‍મ કે ગેમમાં ક્‍યારેક દ્રશ્‍ય અટકી જાય કે ફરીથી આવે, તેમ આપણા જીવનમાં પણ આવી ક્ષણો સિમ્‍યુલેશનની સાબિતી હોઈ શકે છે.

આ સિદ્ધાંત માત્ર વિજ્ઞાન પૂરતો મર્યાદિત નથી, તે આધ્‍યાત્‍મિકતાને પણ સ્‍પર્શે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ આ સંસારને ‘માયા' કહેવામાં આવ્‍યો છે - એક એવો ભ્રમ જે આપણને સાચો લાગે છે. જો આ દુનિયા એક સિમ્‍યુલેશન છે, તો તેનો અર્થ એ કે આપણું મૃત્‍યુ એ કદાચ ‘ગેમ ઓવર' નથી, પણ કદાચ સોફટવેરનું અપડેટ અથવા નવી લેવલની શરૂઆત હોઈ શકે છે.

પરંતુ, જો આ બધું માત્ર એક પ્રોગ્રામ છે, તો શું આપણી પાસે કોઈ ‘ફ્રી વિલ' (પોતાની મરજી) છે? શું આપણે જે નિર્ણયો લઈએ છીએ તે આપણે પોતે લઈએ છીએ, કે પછી કોઈ ‘માસ્‍ટર પ્રોગ્રામર' આપણા વતી કોડિગ કરી રહ્યું છે? ક્‍વોન્‍ટમ લેવલ પર કણોનું વિચિત્ર વર્તન સૂચવે છે કે આ બ્રહ્માંડ આપણી કલ્‍પના કરતા ક્‍યાંય વધુ જાટિલ અને ડિજિટલ છે.

આવતા સોમવારે આપણે આ લેખમાળાના નવા ચરણમાં પ્રવેશ કરીશું અને જાણીશું કે જો આ એક સિમ્‍યુલેશન હોય, તો આપણે તેને 'હેક' કરી શકીએ? શું આપણે આ માયાજાળમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્‍તો શોધી શકીએ?

વાંચક મિત્રો માટે પ્રશ્ન

શું તમને ક્‍યારેય કોઈ એવી ઘટનાનો અનુભવ થયો છે જે તર્કની બહાર હોય? શું તમને ક્‍યારેય લાગ્‍યું છે કે આ દુનિયામાં કંઈક એવું છે જે આપણને દેખાય છે તેના કરતા અલગ છે? તમારા પ્રતિભાવો અમને મોકલતા રહેશો. મો. ૭૬૦૦૭૮૭૮૭૮, [email protected].

 

(4:19 PM IST)