News of Monday, 16th March 2026
ગેસની પાઇપલાઇન ધરાવતા ‘બાટલો' નહી રાખી શકે DSO ઉપર મોડી રાત્રે ખાસ જાહેરનામું ઉતારી દેવાયું
રાજકોટમાં ૪ લાખ ગ્રાહકો પાઇપ લાઇનથી ગેસ મેળવે છેઃ પુરવઠાએ એજન્સીને લીસ્ટ આપી દિધૂ : એક મહિનામાં હવે આવા કનેકશનના બાટલા ફ્રીજ કરી દેવાશેઃ પૂરવઠા પણ પોતાના મામલતદાર-ઇન્સ્પેકટરોને મોકલશે

રાજકોટ, તા. ૧૬: વૈશ્વિક સ્તરે સર્જાયેલી અસ્થિરતા અને મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકળતિક ગેસ મંત્રાલય દ્વારા ગેસ પુરવઠાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, જે ગ્રાહકોના ઘરે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) સુવિધા કાર્યરત છે, તેઓ હવે પોતાના ઘરે વધારાનો રાંધણ ગેસનો બાટલો (LPG સિલિન્ડર) રાખી શકશે નહીં.
PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોએ તેમનું જૂનું LPG કનેક્શન તાત્કાલિક ધોરણે સરેન્ડર કરવાનું રહેશે. સરકારી તેલ કંપનીઓ કે ડિસ્ટ્રિબ્યુટર્સ હવેથી આવા ગ્રાહકોને ગેસ સિલિન્ડર રિફિલ કરી આપશે નહીં. જો કોઈ ગ્રાહક નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમનું કનેક્શન કાપી નાખવા સુધીની કાર્યવાહી થઈ શકે છે, ગત મોડી રાત્રે આ અંગેનું ખાસ જાહેરનામું આવી ગયાનું DSO શ્રી ઝાપડાએ ‘અકિલા' ને જણાવ્યું હતું.
રાજકોટના પુરવઠા અધિકારી આશિષ ઝાપડા દ્વારા આજે આ મામલે સંબંધિત અધિકારીઓ અને ગેસ એજન્સીના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ‘રાજકોટ શહેરમાં ૪ લાખથી વધુ ઘરોમાં PNG લાઈન છે. જે ગ્રાહકો પાસે પાઈપલાઈન છે તેમને એજન્સીઓ દ્વારા બાટલો ભરી આપવામાં આવશે નહીં. જો કોઈના ઘરે બિનઅધિકળત રીતે બાટલો મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.'
તંત્ર દ્વારા તમામ ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સને સ્પષ્ટ આદેશ અપાયા છે કે ગ્રાહકોના ડેટા ચેક કરવા અને જેમના ઘરે પાઈપલાઈન પહોંચી ગઈ છે તેમને સિલિન્ડર સપ્લાય કરવો નહીં. આ નિર્ણયનો મુખ્ય હેતુ ગેસનો બિનજરૂરી સંગ્રહ રોકવાનો અને રાષ્ટ્રીય સ્તરે ઈંધણના જથ્થાનું વ્યવસ્થિત સંચાલન કરવાનો છે, શ્રી ઝાપડાએ ઉમેર્યુ હતું કે અમારા મામલતદારો, ઇન્સ્પેકટરોની ટીમ પણ ચેકીંગ કરશે, રાજકોટમાં પાઇપ લાઇનથી ગેસ મેળવતા ૪ લાખ ગ્રાહકો છે
(3:47 PM IST)










