<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

લવમેરેજ કરનાર ભાવનગરની યુવતિને રાજકોટમાં પતિ-સાસરિયાએ ત્રાસ આપતાં ફિનાઇલ ગટગટાવ્‍યું

સોનાબેને બહેનના ઘરે પગલું ભર્યુઃ યુનિવર્સિટી પોલીસે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે હરિનગરમાં રહેતાં પતિ ધવલ બ્રહ્માણી, સાસુ, સસરા, દાદાજી સસરા સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૭: શહેરમાં ઘરેલું હિંસા અનેસ્ત્રી અત્‍યાચારનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. શહેરના હરિ નગર-૨ વિસ્‍તારમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયા પક્ષના સભ્‍યો દ્વારા આપવામાં આવતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે. પરિણીતાએ પોતાની બહેનના ઘરે ફિનાઈલ પી લેતા તેને  સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે હરિનગર ૨-સી, બ્રહ્માણી લોન્‍ડ્રીવાળા મકાનમાં રહેતી સોનાબેન ધવલભાઇ બ્રહ્માણી-ધોબી (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી તેણીના પતિ ધવલ, સસરા હિતેષભાઇ, સાસુ ગીતાબેન, દાદાજી સસરા વિઠ્ઠલભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. સોનાબેને ફરિયાદમાં જણાવેલી વિગત મુજબ મુળ ભાવનગરના પરસોત્તમભાઈ ફક્કરની પુત્રી અને હાલ રાજકોટમાં સ્‍થાયી થયેલા પરિણીતાએ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી કે, આશરે દોઢ વર્ષ રુર્વે તેણે ધવલ હિતેશભાઈ બ્રહ્માણી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના શરૂઆતના ગાળામાં બધું જ સામાન્‍ય હતું. પરંતુ વિવાદ ત્‍યારે શરૂ થયો જ્‍યારે પરિણીતાએ આર્થિક રીતે પગભર થવા માટે ઓસ્‍કર ફર્નિચર નામની પેઢીમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી શરૂ કરી. નોકરીને કારણે ઘરકામમાં પુરતો સમય ન આપી શકતી હોવાનું બહાનું કાઢીને સસરા હિતેશભાઈ અને દાદાજી સસરા વિઠ્ઠલભાઈએ નાની-નાની વાતોમાં રોકટોક અને ખીજાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદમાં આગળ જણાવ્‍યા મુજબ સાસરીયા પક્ષમાં માત્ર સસરા જ નહીં પરંતુ સાસુ ગીતાબેન પણ હેરાન કરવામાં પાછીપાની કરતા નહોતા. સાસુ દ્વારા પતિ ધવલના કાન ભંભેરવામાં આવતા હતા, જેના કારણે પતિ-પત્‍નિ વચ્‍ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા. દરમિાયન છ મહિના પહેલા પતિએ ગાળાગાળી કરી પરિણીતા પર હાથ ઉપાડ્‍યો હતો.  આથી તેણીએ આ બાબતે પોતાના પિતાને જાણ કરી ત્‍યારે પિતાએ પણ દિકરીને સાથ આપવાને બદલે સાસરિયાનો જ પક્ષ લીધો હતો અનેવડીલો કહે તે સહન કરવું પડશેૅ તેવી શિખામણ આપી હતી. સતત વધતા જતા કલેશથી કંટાળીને ગત ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ સાસરીયાનું ઘર છોડી દીધું હતું અને રાજકોટમાં જ રહેતી તેની મોટી બહેન મનીષાબેન શર્માના ઘરે આશરો લીધો હતો. આશરે ૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં સાસરી પક્ષમાંથી પતિ કે અન્‍ય કોઈ સભ્‍ય તેને તેડવા આવ્‍યા નહોતા કે ફોન કરીને તેની સ્‍થિતિ વિશે પુછપરછ પણ કરી નહોતી. સાસરિયાઓની આ ઉદાસીનતા અને તરછોડાયેલા હોવાની લાગણીને કારણે પરિણીતા અત્‍યંત નિરાશામાં ગરકાવ થઈ ગઈ હતી. આથી તેણીએ રવિવારે પોતાની બહેનના ઘરે જ ફિનાઈલ પી લેતા તેની તબિયત લથડી હતી. તાત્‍કાલિક સારવાર માટે તેને સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી.

 હોસ્‍પિટલના બિછાનેથી પરિણીતાએ જણાવ્‍યું કે, સાસરિયાઓ હજુ પણ તેને રાખવા તૈયાર નથી અને સમાધાનના તમામ રસ્‍તાઓ બંધ જણાતા તેણે પોલીસનો સહારો લીધો છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એમ. પી. ચરમટાએ પતિ, સાસુ, સસરા અને દાદાજી સસરા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:06 PM IST)