તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 17th March 2026
રાજકોટના વોર્ડ નં. ૧૨માં ભાજપ માટે કપરા ચઢાણ : ‘મહમદી બાગ'ના વહીવટી પ્રશ્નો અને ‘આપ'ની વધતી સક્રિયતાથી સમીકરણો બદલાયા
વોર્ડ નં. ૧૨માં લેઉવા પટેલ, કડવા પટેલ, આહિર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે : વર્તમાન મહિલા કોર્પોરેટર અસ્મિતાબેન દેલવાડિયાના પતિ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો સંગઠનમાં ફેરફાર બાદ મૌન અસંતોષ : પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિતના દિગ્ગજોના પત્તા કપાવાની અટકળો, ટિકિટ મેળવવા ધુરંધરો મેદાનમાં

રાજકોટ, તા.૧૭ : વોર્ડ નં. ૧૨માં લેઉવા પટેલ, કડવા પટેલ, આહિર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. વર્તમાન મહિલા કોર્પોરેટર અસ્મિતાબેન દેલવાડિયાના પતિ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉપરાંત, મહમદી બાગના વિકાસલક્ષી પ્રશ્નો અને આગેવાનો વચ્ચેનો આંતરિક અસંતોષ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તેમજ પક્ષ માટે ચિતાનો વિષય બન્યા છે. નવા રોટેશન મુજબ આ વોર્ડમાં ટિકિટ મેળવવા માટે ધુરંધરો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
ધુળેટીના પર્વ બાદ શહેર ભાજપના રાજકારણમાં નવા રંગો જોવા મળી રહ્યા છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ કાર્યકર્તાઓમાં પણ અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યો છે. સંગઠન માળખામાં ફેરફાર બાદ થયેલા કેટલાક નિર્ણયોના કારણે કાર્યકરોમાં રહેલો મૌન અસંતોષ હવે 'તેલ જુઓ, તેલની ધાર જુઓ'ના ઘાટ સમાન વોર્ડ નં. ૧૨માં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
આ વોર્ડમાં મુખ્યત્વે લેઉવા પટેલ, કડવા પટેલ, આહિર તેમજ ક્ષત્રિય સમાજનું ભારે પ્રભુત્વ જોવા મળે છે. આગામી ચૂંટણી માટે નવા રોટેશન મુજબ આ વોર્ડમાં બે બેઠક મહિલા (સામાન્ય), એક બેઠક બક્ષીપંચ (પુરુષ) અને એક બેઠક સામાન્ય (પુરુષ) માટે ફાળવવામાં આવી છે. ગત ટર્મમાં સામાન્ય (પુરુષ) બેઠક પરથી ડો. પ્રદીપ ડવ ચૂંટણી લડીને પોતાના સાથીદારોની વગથી મેયર પદ સુધી પહોંચ્યા હતા. જેના કારણે કેટલાક સિનિયર આગેવાનોને અન્યાયનો સામનો કરવો પડ્યો હોવાની લાગણી જન્મી હતી. જોકે, મેયર તરીકે પ્રદીપ ડવે પોતાના કાર્યકાળમાં ઓડિટોરિયમ, બગીચાઓ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર, પીવાનું પાણી જેવી પાયાની સુવિધાઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવાનો સારો પ્રયાસ કર્યો હતો.
પરંતુ, વિકાસ કાર્યોના કમ્પ્લીશન આપવામાં કેટલાક મળતિયાઓએ કોઈ કસર ન છોડી હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત, વોર્ડમાં આવેલ મહમદી બાગ સોસાયટીમાં થયેલા કેટલાક વહીવટી અને વિકાસલક્ષી કામોના પ્રશ્નો અંગે રૂબરૂ અને લેખિત રજૂઆતો છેક ગાંધીનગર સુધી પહોંચી હોવાના અહેવાલો છે, જે ભાજપ માટે આગામી ચૂંટણીમાં નડી શકે છે, એવી પણ ચર્ચા છે.
આ વોર્ડમાં ટિકિટની ફાળવણીને લઈને ભારે અટકળો ચાલી રહી છે. ભાજપે એક-બે મેયરને બાદ કરતા સામાન્ય રીતે તમામ પૂર્વ મેયરોને ફરી ટિકિટ ન આપવાની નીતિ અપનાવી હોવાથી, ડો. પ્રદીપ ડવનું પત્તું આ વોર્ડમાંથી કપાઈ શકે છે અથવા તો તેમણે અન્ય વોર્ડમાંથી ચૂંટણી લડવા જવું પડશે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, વર્તમાન મહિલા કોર્પોરેટર અસ્મિતાબેન દેલવાડિયાને વિકાસ કાર્યોમાં સાથે ન રખાતા અને સતત અન્યાય થતો હોવાની લાગણીના પગલે તેમના પતિ ચાર મહિના પૂર્વે ‘આપ' (આમ આદમી પાર્ટી)માં જોડાઈ ગયા હતા. આ પટેલ પ્રભુત્વવાળા વિસ્તારમાં ‘આપ'નું વધતું વર્ચસ્વ ભાજપ માટે ફટકારૂપ સાબિત થઈ શકે છે.
જ્યારે ચર્ચાતી વિગતો મુજબ અન્ય એક વર્તમાન મહિલા કોર્પોરેટર મિતલબેન લાઠીયાએ વિકાસના મુદ્દે મોટાભાગે મૌનની પરિભાષા જ અપનાવી હોવાથી અને આ વખતે બક્ષીપંચ (પુરુષ) બેઠક આવતી હોવાથી, તેમનું પત્તું પણ કપાઈ જવાની શક્યતા રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે. સામે પક્ષે, વિશ્લેષકોના મતે મગનભાઇ સોરઠિયા સતત લોકોના પ્રશ્નોને વાચા આપવામાં અને પ્રજાની વચ્ચે રહેતા હોવાથી તેમને ફરી ચૂંટણી લડવાની તક મળે તેવા ઉજળા સંજોગો ચર્ચાઈ રહ્યા છે.
હાલમાં આ વોર્ડ ‘મિની નેતાઓ'નો વોર્ડ સાબિત થઈ રહ્યો છે. શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિહ જાડેજા, શહેર ભાજપ મંત્રી કિશન ટીલવા, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, પૂર્વ મેયર પ્રદીપ ડવ, રાજદીપસિહ જાડેજા (રાજાભાઇ વાવડી), જે. ડી. ડાંગર, યોગરાજાસિહ જાડેજા, પિન્ટુભાઇ ખાટડી અને વિજય વાંક જેવા ધુરંધર આગેવાનો આ વોર્ડમાં હોવાથી ટિકિટ મેળવવા માટે કાંટાની ટક્કર જોવા મળશે.
અત્રે નોંધનીય છે કે, થોડા સમય પૂર્વે જ આ વોર્ડમાંથી ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ રાજીનામા આપીને 'આપ'નો ખેસ ધારણ કર્યો હતો, તેમજ પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના બે કાર્યકર્તાઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોની ભૂમિકા આગામી ચૂંટણીમાં કેવી રહેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
૭૧-વિધાનસભા (જેમાં વોર્ડ નં. ૧૧, ૧૨ અને ૧૮નો સમાવેશ થાય છે) ના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા છે. ત્યારે વોર્ડના કોર્પોરેટરો અને આગેવાનો વચ્ચેના અંદરો-અંદરના મતભેદો શાંત પાડવામાં અને સંકલન સાધવામાં તેઓની કસોટી થઈ રહ્યાનું મનાઈ રહ્યું છે. એકંદરે, ભાજપના આંતરિક ઉકળાટને કારણે 'આપ' આ વોર્ડમાં મેદાન મારી જાય તેવી ભીતિ પક્ષના જ કેટલાક વર્તુળોમાં સેવાઈ રહ્યાનું જોવા મળે છે.
(3:48 PM IST)










