News of Tuesday, 17th March 2026
શહેરમાં રૂ.૭૫૧ કરોડના વિકાસકામોનો ધમધમાટઃભૂપેન્દ્રભાઈ પટેલનો સમય મંગાયો
ચૂંટણી આચારસંહિતા પૂર્વે ૧૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ અને રૂ. ૫૬૭ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમહુર્ત-લોકાર્પણ

રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા માટે કમર કસવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવે તેવી પ્રબળ શકયતા છે. આ દરમિયાન તેઓના હસ્તે રૂ.૭૫૧ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા ૧૦૦૦થી વધુ આવાસોનું લોકાર્પણ કરી લાભાર્થીઓને ગળહ પ્રવેશ કરાવવામાં આવશે. ન્યારી ડેમ ખાતે ૧૫૦ MLD ની ક્ષમતા ધરાવતો શહેરનો સૌથી મોટો પ્લાન્ટ,વોર્ડ નં. ૪ માં રમતગમતની અત્યાધુનિક સુવિધાઓનું નિર્માણ. કનક રોડ અને વોર્ડ નં. ૧૫ માં (રૂ. ૩૦ કરોડના ખર્ચે) નવા ફાયર સ્ટેશનનું નિર્માણ. તથા ઐતિહાસિક શાકમાર્કેટના નવીનીકરણ (રિનોવેશન) સહિતના ૫૬૭ કરોડના ૪૦ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) પાસે સમય માંગવામાં આવ્યો છે. ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ હોય, આચારસંહિતા લાગુ પડે તે પહેલા તમામ મોટા પ્રોજેક્ટ્સના કામો ઓન-ગ્રાઉન્ડ શરૂ કરી દેવા માટે તંત્ર‘એક્શન મોડ'માં છે. આ મુલાકાત દરમિયાન એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વિકાસકાર્યોથી રાજકોટના માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થશે, ખાસ કરીને પાણી પુરવઠા અને આવાસ ક્ષેત્રે શહેર વધુ આત્મનિર્ભર બનશે.
(3:53 PM IST)










