News of Wednesday, 18th March 2026
શહેરમાં હાલ પણ પૂર્વ કોર્પોરેટરોના નામના બોર્ડ લગાવાય છેઃ રજુઆત
મનપાને પત્ર લખી ઢંઢોળતા આપના શહેર પ્રમુખ આવા બોર્ડ દૂર કરવા સહિતના પ્રશ્ને દિનેશ જોષીએ મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા.૧૮: શહેરમાં અનેક વિસ્તારોમાં પૂર્વ કોર્પોરેટરોના નામના બોર્ડ આજે પણ લગાવવામાં આવી રહયા છે, જાણે કાર્યકાળ હજુ ચાલુ જ હોય.
આ બાબતે દિનેશભાઈ જોશી, શહેર પ્રમુખ - આમ આદમી પાર્ટી, તરફથી મ્યુ.કમિશનરને પત્ર લખી ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમણે પત્રમાં જણાવેલ કે, આ પ્રકારની પ્રવૃતિઓ જાહેરમાં ગેરસમજ ઉભી કરે છે. પદ પૂર્ણ થાય, પરંતુ પ્રચાર ચાલુ રહે. એવી પરંપરા શહેરની વ્યવસ્થાને યોગ્ય સંદેશ આપતી નથી. વધુમાં પત્ર મુજબ આ બોર્ડો જાહેર સ્થળોને રાજકીય પ્રદર્શનના માધ્યમમાં ફેરવી રહયા છે, જે નાગરિક હિત અને નિયમોની ભાવનાને અનુરૂપ નથી. જો આવી પરંપરા ચાલુ રહેશે, તો નજીકના ભવિષ્યમાં શહેરના રસ્તાઓ જાહેર સેવા કરતા વધુ રાજકીય બોર્ડોથી ઓળખાશે.
આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી, નિયમો મુજબ આવા બોર્ડ દૂર કરવા તથા ભવિષ્યમાં આવી કાર્યવાહી અટકાવવા જરૂરી પગલા લેવા પત્રના અંતમાં જણાવાયું છે.
(3:53 PM IST)










