News of Wednesday, 18th March 2026
રેસકોર્ષના મેદાનમાં ચેટીચંડ મેલા મહોત્સવઃ કાલે માતાજી કી ચોકી, શુક્રવારે મહાપ્રસાદ
સિંધી સોશ્યલ યુવાગ્રુપ દ્વારા આયોજન માતા કી ચોકી માં દિલ્હીથી કલાકારો ગીતોની રમઝટ બોલાવશે, બાળકો માટે બાળનગરી બનાવાશે, સામાજીક સંદેશો આપતું નાટક રજૂ થશે, રકતદાન કેમ્પ

રાજકોટ : શહેરના હૃદય સમાન રેસકોર્સ મેદાનમાં તા. ૧૯ અને ૨૦ માર્ચના રોજ સિંધી સોશ્યલ યુવા ગ્રુપ દ્વારા સતત ૨૭મા વર્ષે ‘ચેટીચંડ મેલા મહોત્સવ-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સિંધી સમાજના નૂતન વર્ષ અને ઈષ્ટદેવ ઝૂલેલાલ સાહેબના જન્મોત્સવ નિમિત્તે યોજાનારા આ મહોત્સવમાં ભક્તિ, સેવા અને મનોરંજનનો ત્રિવેણી સંગમ રચાશે.
આ મહોત્સવની શરૂઆત તા. ૧૯ ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ‘માતાજીની ચોકી' થી થશે. ચૈત્રી નવરાત્રિના પવિત્ર પ્રારંભે આયોજિત આ જગરાતામાં ભક્તો માતાજીની આરાધના કરશે. ત્યારબાદ તા. ૨૦, શુક્રવારના રોજ સાંજે ૬:૩૦ કલાકથી મુખ્ય મેલા મહોત્સવનો પ્રારંભ થશે, જે રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલશે.
આ વર્ષે મહોત્સવમાં વિશેષ આકર્ષણ તરીકે દિલ્હીથી ખાસ કલાકારો પધારવાના છે, જેઓ પોતાની કલા પીરસશે. આ ઉપરાંત, સામાજિક સંદેશ આપતું લોકપ્રિય નાટક ‘ઘર ઘર કી ચિંતા' પણ રજૂ કરવામાં આવશે. બાળકો માટે ખાસ ‘બાળ નગરી' બનાવવામાં આવશે, જેમાં વિવિધ રાઈડ્સ અને રમતોનું આયોજન હશે.
ધાર્મિક કાર્યક્રમની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે ફિલ્ડમાર્શલના સહયોગથી એક વિશાળ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.
ચેટીચંડના દિવસે રેસકોર્સ મેદાનમાં જ જ્ઞાતિજનો માટે ભવ્ય મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સિંધી સમાજ એકતા અને શક્તિના પ્રતીક રૂપે આ મહોત્સવમાં જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
આ આયોજનને સફળ બનાવવા માટે સિંધી સોશ્યલ યુવા ગ્રુપના પ્રમુખ સુનિલભાઈ ટેકવાણી(મો.૯૮૨૫૨ ૭૬૦૫૫), ઉપપ્રમુખ સોનુભાઈ આહુજા, મંત્રી શ્રી રાજુભાઈ ઉદાણી અને ખજાનચી ચંદ્રેશ લોંગાણી, મહેન્દ્રભાઇ વાધવાણી, નિલેશભાઇ ક્રિપલાણી, ચંદ્રેશભાઇ ટેકવાણી, ભરતભાઇ વંજાણી, પરેશભાઇ મુલવાણી,અનુપમભાઇ ટેકવાણી, રાજેશભાઇ પોપટાણી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:54 PM IST)










