News of Thursday, 19th March 2026
રાજાશાહી વખતની લાખાજીરાજ શાકમાર્કેટની થશે કાયાપલટઃ ૮ કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર
ટુંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરાશેઃ વેપારીઓને હાલ પુરતા જયુબેલી માર્કેટમાં સ્થળાંતર કરાયા

રાજકોટ તા. ૧૯: મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવાની તેમજ જુબિલી શાક માર્કેટના નવીનીકરણની જાહેરાત વચ્ચે ધર્મેન્દ્ર રોડ પર આવેલી રાજાશાહી સમયની લાખાજીરાજ શાક માર્કેટનો જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે અંદાજિત રૂ. ૮ કરોડનું ટેન્ડર ટૂંક સમયમાં જાહેર થવાનું છે.
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. ૫૫.૯૨ કરોડના ખર્ચે ૨૦ વિકાસ યોજનાઓ જાહેર કરી હતી. તેમાં સેન્ટ્રલ ઝોનના રેલનગર વિસ્તારમાં, વેસ્ટ ઝોનના લક્ષ્મીનગર વિસ્તારમાં તથા ઇસ્ટ ઝોનના વોર્ડ નં. ૪માં સેટેલાઇટ ચોક પાસે રૂ. ૫.૬૩ કરોડના ખર્ચે નવી શાક માર્કેટ બનાવવાની યોજનાઓનો સમાવેશ થાય છે. સાથે શહેરની મધ્યમાં આવેલી જુબિલી શાક માર્કેટના નવીનીકરણ અને લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ તથા હોકર્સ ઝોન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
આ મુજબ જયુબેલી શાક માર્કેટના નવીનીકરણ માટે રૂ. ૨૨ કરોડનું ટેન્ડર જાહેર થઈ ચૂકયું છે. પરંતુ લાખાજીરાજ શાક માર્કેટ બાબતે હવે માત્ર જીર્ણોધ્ધાર કરવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે.
બાંધકામ શાખા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આ માર્કેટ જર્જરિત અને જોખમી હોવાનું જણાવાયું હતું અને તેને ખાલી કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. વેપારીઓ, થડાધારકો અને ગોડાઉનધારકોના વિરોધ છતાં લાંબી સમજાવટ બાદ માર્કેટ ખાલી કરાવવામાં સફળતા મળી હતી અને વેપારીઓને જુબિલી શાક માર્કેટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
નવનીકરણની પ્રક્રિયા દરમિયાન વેપારીઓએ પોતાની મૂળ જગ્યાનો કબજો ગુમાવવાનો ભય વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બાંધકામ શાખાએ સુધારેલ રિપોર્ટમાં માર્કેટના કેટલાક ભાગ મજબૂત હોવાનું દર્શાવીને માત્ર જર્જરિત ભાગનો જીર્ણોધ્ધાર કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ આધારે નિમાયેલ કન્સલ્ટન્ટે પણ સ્ટ્રક્ચરલ તપાસ બાદ વેપારીઓના થડાં, દુકાનો અને ગોડાઉનો સહિત માર્કેટના નબળા ભાગનો જીર્ણોધ્ધાર કરવો પૂરતો હોવાનું જણાવ્યું છે. કન્સલ્ટન્ટે અંદાજિત રૂ. ૮ કરોડનો ખર્ચ દર્શાવ્યો છે.
હવે મહાનગરપાલિકાની બાંધકામ શાખાએ આ જીર્ણોધ્ધાર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે અને ટૂંક સમયમાં ટેન્ડર જાહેર થવાની શકયતા છે.
(3:32 PM IST)










