<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

અમદાવાદમાં જાલીનોટ સાથે ઝડપાયેલા યોગગુરૂ પ્રદિપ જોટંગીયાના રાજકોટ રહેતાં ભાઇના ઘરે પોલીસ તપાસ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ૨.૧૦ કરોડની જાલીનોટ પકડી હતીઃ જો કે રાજકોટ તેના ભાઇના મકાનમાંથી પોલીસને કંઇ વાંધાજનક ન મળ્‍યું: પોતાના ભાઇને ફસાવવા કાવતરૂ ઘડાયાનો અમિતભાઇ જોટંગીયાનો આક્ષેપ

કીડવાઇનગરમાં પોલીસ યોગગુરૂ પ્રદિપ જોટંગીયાના ભાઇ અમિતભાઇના ઘરે તપાસ માટે પહોંચી હતી પરંતુ કંઇ મળ્‍યું નહોતું. અમિતભાઇ (ઇન્‍સેટ તસ્‍વીર)એ કહ્યું હતું કે આ મારા ભાઇને ફસાવવાનું કાવતરૂ છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: અમદાવાદમાં પકડાયેલા જાલીનોટના કારસ્‍તાનમાં તપાસનું પગેરૂ રાજકોટના કિડવાઇનગર સુધી પહોંચ્‍યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમરાઇવાડીમાંથી ૨.૧૦ કરોડની જાલીનોટ પકડી હતી. પ્રદિપ ગુરૂજી કે જે યોગ ગુરૂ તરીકે ઓળખાય છે તેના આશ્રમમાંથી નકલી ચલણી નોટો પકડાઇ હતી. દરમિયાન પ્રદિપ જોટંગીયાના ભાઇ રાજકોટ કિડવાઇનગરમાં રહેતાં હોવાની માહિતી મળતાં રાજકોટ યુનિવર્સિટી પોલીસની ટીમ પ્રદિપના ભાઇના ઘરે પહોંચી હતી અને ઘરની તલાશી લીધી હતી. પરંતુ અહિથી કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમે પ્રદીપ જોટંગીયા નામના યોગ ગુરૂને જાલી નોટના મોટા જથ્‍થા સાથે પકડી પાડ્‍યા બાદ તપાસમાં તેમનો પરિવાર રાજકોટ રહેતો હોવાની સ્‍થાનિક પોલીસને માહિતી મળતા જ યુનિવર્સિટી પોલીસની ટીમ કીડવાઈ નગરમાં આવેલા પ્રદીપ જોટંગીયાના ભાઈના ઘરે પહોંચી હતી અને તપાસ કરી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદમાંથી ચાલી નોટ સાથે પકડાયેલ પ્રદીપ દિલીપ જોટંગીયા નો પરિવાર કીડવાઈ નગરમાં આવેલ મકાનમાં રહે છે જેથી પોલીસની ટીમે તુરંત જ દોડી જઈ કીડવાઈ નગરમાં આવેલ પ્રદીપના ભાઈ અમિતભાઇ જોટંગિયા મકાનમાં તપાસ હાથ ધરી હતી. જોકે તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્‍તુ ન મળતા પોલીસે તેની નોંધ કરી હતી.

અમિતભાઇ જોટંગિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ સાથે જણાવ્‍યું હતું કે તેમના ભાઈને ફસાવવાનું આ કાવતરૂ છે. તેમનો ભાઈ નિર્દોષ છે. તેમજ આગામી સમયમાં આવી રહેલ નાની મોટી ચૂંટણીઓનો ખાર રાખીને તેમના ભાઈને ફસાવવામાં આવ્‍યો હોવાનું પણ જણાવ્‍યું હતું.

તેમજ કહ્યું હતું કે સવારે પાંચ વાગ્‍યે જાગીને જે યોગ કરાવતાં હોય તે રાષ્‍ટ્રદોહી ન હોઇ શકે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ જોટંગીયા અને અમિત જોટંગીયા તેના પરિવાર સાથે રાજકોટના કીડવાઈ નગરમાં છેલ્લા ૨૦ વર્ષથી સાથે રહેતા હતા અને બંને યોગ ક્‍લાસ ચલાવે છે.

 જ્‍યારે પ્રદીપ જોટંગીયા છેલ્લા બે વર્ષથી અમદાવાદ સ્‍થાય થયેલ છે અને તે પણ ત્‍યાં યોગ ક્‍લાસ ચલાવે છે

(4:05 PM IST)