News of Thursday, 19th March 2026
કાર લે-વેંચના ધંધાર્થી બકુલભાઇ રાઠોડ સાથે મિત્રની ઠગાઇઃ ખોટી સહિ કરીને કાર બારોબાર વેંચી નાંખી
એસઓજીએ શંકાસ્પદ કાર ગણી કબ્જે કરી તપાસ કરતાં કારસ્તાન ખુલ્યું: કાલાવડ રોડ વીર સાવરકરનગરમાં રહેતાં આનંદ ઉર્ફે અમિત ખખ્ખર વિરૂધ્ધ ડીસીબી પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૯: શહેરમાં જૂની ગાડીઓની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારી સાથે તેના જ મિત્રએ વિશ્વાસઘાત કરી, ખોટી સહીઓ અને દસ્તાવેજોના આધારે હોન્ડા અમેઝ કાર બારોબાર વેચી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસઓજી પોલીસની તપાસમાં આ આખું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં આરોપીએ અસલ આર.સી. બૂક ચોરી કરી બોગસ સહીઓ દ્વારા ગાડી બીજાના નામે ટ્રાન્સફર કરાવી દીધી હતી.
આવિગત મુજબ, ધરમનગર ૪૦ ફૂટ રોડ પર રહેતા અને પૂજા વોટર સપ્લાય તેમજ જૂની ગાડી લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ રાઠોડના મિત્ર નયનભાઈ સાવલીયા પાસે એક હોન્ડા અમેઝ ગાડી નંબર જીજે૦૩એમએચ-૭૯૧૫ વેચવા માટે આવી હતી. આ ગાડી મુળ માલિક ભાવેશભાઈ મકવાણાની હતી, જે અકસ્માતમાં ટોટલ લોસ્ટ થયા બાદ હરાજીમાં વેચાઈ હતી. બકુલભાઈએ આ ગાડી નયનભાઈ પાસેથી રૂપિયા ૨,૩૫,૦૦૦માં ખરીદવાનું નક્કી કર્યું હતું અને આગળ વેચવા માટે પોતાના મિત્ર આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર (રહે. ડેકારા હિલ્સ પાછળ, કાલાવાડ રોડ) ને સોંપી હતી.
ગાડીના મુળ દસ્તાવેજો જેવા કે ઓરીજનલ આર.સી. બુક અને ટી.ટી.ઓ. ફોર્મ બકુલભાઈ પાસે હતા. આરોપી આનંદે ગ્રાહકને બતાવવા અથવા ફોટા પાડવાના બહાને બકુલભાઈના ઘરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન બકુલભાઈની જાણ બહાર આનંદે અસલ આર.સી. બુક ચોરી લીધી હતી. અગાઉ પણ તેણે વોટ્સએપ પર દસ્તાવેજોના ફોટા મંગાવ્યા હતા, પરંતુ રૂબરૂ આવીને ચાલાકીથી અસલ કાગળો મેળવી લીધા હતા.
એસઓજીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, આરોપી આનંદ ખખ્ખર પાસે રહેલી આ હોન્ડા અમેઝ ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે તેને કબ્જે કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આનંદે મૂળ માલિક ભાવેશભાઈની ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી હતી અને આર.સી. બુકનો ઉપયોગ કરી ગાડી શેખ શાહરૂખમીયા નજુમીયા નામના વ્યક્તિને રૂા. ૨,૮૨,૦૦૦માં વેચી નાખી હતી. જ્યારે ગાડીના અસલ માલિક અને બકુલભાઈ વચ્ચે હજુ વ્યવહાર બાકી હોવા છતાં કાગળ પર ગાડી ટ્રાન્સફર થઈ ગઈ હતી.
બકુલભાઈને જ્યારે પોલીસે બોલાવીને પુછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આરોપી આનંદે ગાડી વેચીને આવેલા પૈસા પણ બકુલભાઈને આપ્યા નહોતા. પોતાની જાણ બહાર દસ્તાવેજો ચોરી કરી, ખોટી સહીઓ કરી આર્થિક નુકસાન પહોંચાડવા બદલ બકુલભાઈએ આનંદ ઉર્ફે અમિત ખખ્ખર વિરૂધ્ધ રાજકોટ ડીસીબી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે તપાસ હાથ ધરી છે.
(3:52 PM IST)










