<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

રંગીલા રાજકોટમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: ભરબપોરે રાત જેવો અંધારપટ, વીજળીના કડાકા અને કરા સાથે મેઘતાંડવ

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આજે કુદરતનો અનોખો અને ડરામણો મિજાજ જોવા મળ્યો, સમગ્ર શહેર કાળાડિબાંગ વાદળોની ચાદર હેઠળ લપેટાઈ ગયું હતું

રાજકોટ :  વીજળીના કડાકા અને કરાનો મારો
વાતાવરણમાં આવેલા અચાનક પલટા સાથે જ આકાશમાં વીજળીના ભયાનક કડાકા-ભડાકા શરૂ થયા હતા. જોરદાર પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. કદમાં મોટા કરા પડવાને કારણે લોકોમાં આશ્ચર્ય સાથે ફાળ પડી હતી. માર્ગો પર સફેદ કરાની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

અચાનક છવાયેલા અંધારપટને કારણે રાજકોટના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રિંગ રોડ પર વિઝિબિલિટી (દ્રશ્યતા) ખૂબ જ ઘટી ગઈ હતી. વાહનચાલકોને બપોરના સમયે પોતાના વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદ અને પવનને કારણે ટુ-વ્હીલર ચાલકોએ સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો હતો.

ટૂંકા ગાળામાં ખાબકેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને અન્ડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ હતી.

(4:29 PM IST)