News of Friday, 20th March 2026
૫૮% લોકો પાસે મનની વાત કરવા કોઈ નથીઃ ૫૬.૨% લોકોને જીવનથી સંતોષ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો બહારથી ભલે હસતા દેખાય, પરંતુ અંદરથી ભયંકર એકલતા અનુભવી રહ્યા છેઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૨૨૫૦ લોકો પર કરવામાં આવેલા એક વિશેષ સર્વેમાં ચોંકાવનારા અને વિચારતા કરી દે તેવા તારણો સામે આવ્યા : અપૂરતી ઊંઘ, વધતો જતો ગુસ્સો અને પરિવાર સાથે સમય વિતાવવામાં આવતો ઘટાડો લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યો છે

રાજકોટ, તા.૨૦: દર વર્ષે ૨૦ માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે ઉજવવામાં આવે છે, જે માનવ જીવનમાં સુખ, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સુખાકારીનું મહત્વ સમજાવે છે. વર્ષ ૨૦૧૨માં સ્થાપિત અને ૨૦૧૩થી ઉજવણી શરૂ થયેલો આ દિવસ લોકોમાં હકારાત્મકતા અને સંતુલિત જીવન તરફ પ્રેરણા આપે છે. આ અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૨૨૫૦ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં અનેક મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે.
આ સર્વે મુજબ આજના સમયમાં લોકો બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી એકલતા અનુભવતા થયા છે. ૫૬.૨% લોકો તેમના વર્તમાન જીવનથી સંતોષ અનુભવે છે, જ્યારે ૩૮.૨% લોકો ખૂબ જ અસંતોષ અનુભવે છે. દૈનિક જીવનમાં ઉત્સાહ પણ એક મોટો મુદ્દો બન્યો છે. માત્ર ૩૯.૪૦% લોકો હંમેશા ઉત્સાહ અનુભવે છે, જ્યારે ૫૪.૬૦% લોકો કયારેક જ ઉત્સાહ અનુભવતા હોય છે.
મુશ્કેલીઓ પ્રત્યેનો અભિગમ પણ માનસિક સ્થિતિ બતાવે છે. ૬૫.૫૦% લોકો મુશ્કેલીઓને નસીબનો ખેલ માને છે, જ્યારે માત્ર ૨૭.૩૦% લોકો તેને નવી તક તરીકે જુએ છે. આ સર્વેનું સૌથી ચોંકાવનારું તારણ એ છે કે ૫૮.૨૦% લોકો પાસે મનની વાત કરવા માટે કોઈ નથી, જે આજના સમયમાં વધતી સામાજિક એકલતા દર્શાવે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ અને જીવનશૈલી પણ જવાબદાર છે. ૬૧.૪% લોકો માત્ર ૫-૬ કલાક ઊંઘ લે છે, જ્યારે માત્ર ૩૩.૭૦% લોકો ૭-૮ કલાક પૂરતી ઊંઘ લે છે. ગુસ્સો અને તણાવ પણ જીવનનો ભાગ બની ગયા છે. ૫૭.૮૦% લોકોને નાની નાની બાબતોમાં ગુસ્સો આવી જાય છે, જ્યારે ૬૮.૫% લોકોએ છેલ્લા અઠવાડિયામાં તણાવ અનુભવ્યો છે.
સામાજિક અને પરિવાર સાથેનો સમય પણ ઓછો થયો છે. માત્ર ૨૧.૭% લોકો દરરોજ પરિવાર સાથે સમય વિતાવે છે, જ્યારે ઘણા લોકો ભાગ્યે જ પરિવાર સાથે સમય પસાર કરે છે. આ છતાં સકારાત્મક બાબત એ છે કે ૯૩.૭૦% લોકો બીજાને મદદ કરીને સારું અનુભવે છે અને ૭૪.૭૦% લોકો દરરોજ ઈશ્વર અથવા કુદરતનો આભાર માને છે, જે જીવનમાં હકારાત્મકતા જાળવી રાખે છે.
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ સુખ માટે મજબૂત સંબંધો, સંવાદ અને આત્મસ્વીકાર ખૂબ જ જરૂરી છે. પોતાની ભૂલોને સ્વીકારીને આગળ વધવું, પરિવાર સાથે સમય વિતાવવો, પૂરતી ઊંઘ લેવી અને રોજિંદા જીવનમાં કળતજ્ઞતા દાખવવી - આ બધું સાચા સુખ તરફ લઈ જાય છે. આ રીતે, વર્લ્ડ હેપીનેસ ડે આપણને યાદ અપાવે છે કે સાચું સુખ બહાર નહીં પરંતુ આપણા સંબંધો, વિચારો અને મનની શાંતિમાં રહેલું છે
(12:59 PM IST)










