<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પડધરીના ડુંગરકા ગામની કંપનીની ડેંગ્‍યુ કિલર અગરબત્તીનું કોઠારીયા સોલવન્‍ટના કારખાનામાં ડુપ્‍લીકેશનઃ જથ્‍થો પકડાયો

શ્રી ઇન્‍સેન્‍સ કંપનીની શ્રી ડેંગ્‍યુ કિલર હર્બલ ઇન્‍સેન્‍સ સ્‍ટીક્‍સ બનાવી વેંચાણ કરતાં બે ભાગીદાર રસિક સરધારા અને નારણ મારકણા વિરૂધ્‍ધ આજીડેમ પોલીસમાં કંપનીના ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર પ્રમોદ સોનારની ફરિયાદ પરથી ગુનો દાખલ કરાયો

રાજકોટ તા. ૨૦: કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં એક કારખાનામાં પડધરીના ડુંગરકા ગામે આવેલી શ્રી ઇન્‍સેન્‍સ નામની અગરબત્તીની કંપનીની શ્રી ડેંગ્‍યુ લિકર હર્બલ ઇન્‍સેન્‍સ સ્‍ટીક્‍સના નામે ડુપ્‍લીકેટ અગરબત્તીનું ઉત્‍પાદન કરી વેંચાણ થતું હોઇ આ કંપનીના ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસરને મળેલી માહિતીને આધારે આજીડેમ પોલીસને સાથે રાખી દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવી હતી અને નકલી ડેંગ્‍યુ કિલર અગરબત્તીનો જથ્‍થો, ખાલી બોક્‍સ, મશીન સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. બે ભાગીદાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ મામલે આજીડેમ પોલીસે મુંબઇ કલ્‍યાણ વેસ્‍ટ ડોક્‍ટર ચાલ ગણપતિ મંદિર પાસે જોષીબાગમાં રહેતાં અને  પડધરી તાલુકાના ડુંગરકા ગામે આવેલી શ્રી ઇન્‍સેન્‍સ સ્‍ટીક નામની અગરબત્તી બનાવતી કંપનીમાં ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર તરીકે નોકરી કરતાં પ્રમોદભાઇ રવિભાઇ સોનાર (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ નજીક દર્શન પાર્ક-૧માં રહેતાં રસિકભાઇ સવજીભાઇ સરધારા (ઉ.વ.૫૦) અને નારણભાઇ જસમતભાઇ મારકણા (ઉ.વ.૬૦) વિરૂધ્‍ધ કોપીરાઇટ એક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. આ બંને કોઠારીયા સોલવન્‍ટમાં આવેલા પોતાના ભગવતી એન્‍ટરપ્રાઇઝ નામના કારખાનામાં શ્રી ઇન્‍સેન્‍સ કંપનીની આબેહુબ કલાકૃતિવાળી સુપર ડેંગ્‍યુ કિલર હર્બલ ઇન્‍સેન્‍સ સ્‍ટીક્‍સના નામથી ડુપ્‍લીકેટ અગરબત્તીનું ઉત્‍પાદન કરતાં હોવાનો આરોપ મુકાયો છે.

પ્રમોદભાઇ સોનારે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું રાજકોટના પડધરી તાબેના ડુંગરકા ગામે આવેલી શ્રી ઇન્‍સેન્‍સ સ્‍ટીક નામની અગરબત્તી બનાવતી કંપનીનમાં ઇન્‍વેસ્‍ટીગેશન ઓફિસર તરીકે કામ કરુ છું. અમારી કંપનીની અગરબત્તીનું કોઇ વ્‍યક્‍તિ ગેરકાયદેસર રીતે ડુપ્‍લીકેશન કરી ઉત્‍પાદન કરે કે વેંચાણ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કંપનીના માલિક સંકેતભાઇ વિરજીભાઇ દેત્રોજાએ સત્તા આપી છે. આ દરમિયાન મને ફરજ વખતે માહિતી મળી હતી કે રાજકોટના કોઠારીયા સોલવન્‍ટ પ્‍લોટ નં. ૩૨ આરકે પ્‍લાસ્‍ટીકની સામે વર્ધમાન ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ભગવતી એન્‍ટરપ્રાઇઝ નામનુ કારખાનુ છે ત્‍યાં અમારી કંપનીની પ્રોડક્‍ટની ડુપ્‍લીકેટ અગરબત્તીનું વેંચાણ થાય છે.

આથી કંપનીના જયદીભાઇ ભટ્ટી તથા અમે આજીડેમ પોલીસ સ્‍ટેશનના ઇન્‍સપેકટરને રૂબરૂ મળ્‍યા હતાં અને જાણ કરતાં તેમણે હેડકોન્‍સ. સંજયરાજભાઇ ડી. બારોટને અમારી સાથે તપાસ માટે મોકલ્‍યા હતાં. પોલીસ તથા પંચોની હાજરીમાં અમે ભગવતી એન્‍ટરપ્રાઇઝ નામના કારખાનામાં પહોંચી તપાસ કરતાં અંદર પહેલા ફોલ્‍ડીંગ ઓફિસ જોવા મળી હતી. આગળ મોટો શેડ હોઇ ત્‍યાં કારીગરો અગરબત્તી બોક્‍સમાં મુકી પેકીંગ કરતાં જોવા મળ્‍યા હતાં. અમે કારખાનાના માલિક બાબતે પુછતાં બે જણાએ નજીક આવી કહેલું કે પોતે બંને આ કારખાનાના ભાગીદાર છે. પોતાના નામ રસિકભાઇ સવજીભાઇ સરધારા અને નારણભાઇ જસમતભાઇ મારકણા જણાવ્‍યા હતાં. બંને સાઇબાબા સર્કલ પાસે દર્શન પાર્કમાં રહેતાં હોવાનું કહ્યું હતું.

ત્‍યારબાદ અમે કંપનીના સ્‍ટાફ, પોલીસને સાથે રાખી કારખાનાના શેડમાં તપાસ કરતાં અલગ અલગ કારીગરો કોથળીમાં અગરબત્તી પેક કરી બોક્‍સમાં મુકતાં જોવા મળ્‍યા હતાં. આ બોક્‍સની તપાસ કરતાં અમારી કંપની શ્રી ઇન્‍સેન્‍સ દ્વારા ઉત્‍પાદિત શ્રી ડેંગ્‍યુ લિકર હર્બલ ઇન્‍સેન્‍સ સ્‍ટીક્‍સના બોક્‍સ જેવા જ સુપર ડેંગ્‍યુ કિલર હર્બલ ઇન્‍સેન્‍સ સ્‍ટીક્‍સના નામવાળા ડુપ્‍લીકેટ બોક્‍સમાં અગરબત્તી પેક કરતાં જોવા મળ્‍યા હતાં. આથી અમે બંને ભાગીદારોને બોક્‍સમાં કરેલી છાપણી માટેના આધાર પુરાવા બાબતે પુછતાં તેણે કોઇ પુરાવા નહિ હોવાનું કહ્યું હતું.

અમે કારખાનામાંથી સુપર ડેંગ્‍યુ કિલર હર્બલ ઇન્‍સેન્‍સ સ્‍ટીક્‍સ (અગરબત્તી)ના ૧૪૦૦ નંગ ખાલી બોક્‍સ રૂા. ૫૬૦૦ના, સિલીંગ મશીન રૂા. ૮ હજારનું અને સુપર ડેંગ્‍યુ કિલર હર્બલ ઇન્‍સેન્‍સ સ્‍ટીક્‍સ લખેલી પ્‍લાસ્‍ટીકની કોથળીઓમાં ભરેલી અગરબત્તીના રૂા. ૧૨૦૦૦ના ૪૮૦ પેકેટ કબ્‍જે કર્યા  હતાં. આ બંને અમારી શ્રી ઇન્‍સેન્‍સ કંપનીના નામને લગતા નામવાળા ડુપ્‍લીકેટ બોક્‍સમાં અગરબત્તીનું પેકીંગ કરી વેંચાણ કરતાં હોઇ કોપીરાઇટ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવ્‍યો હતો. તેમ વધુમાં પ્રમોદભાઇ સોનારે જણાવતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં ગુનો દાખલ કરાયો હતો. હેડકોન્‍સ. સંજયરાજભાઇ બારોટ વધુ તપાસ કરે છે. પ્રમોદભાઇના કહેવા મુજબ આ બંને કોઇ બીજા પાસેથી અગરબત્તીઓ મંગાવીને અમારી કંપનીના નામવાળા ડુપ્‍લીકેટ બોક્‍સમાં પેકીંગ કરી વેંચાણ કરતાં હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ કરશે.

(2:39 PM IST)