News of Friday, 20th March 2026
રૈયાધાર ૧૩ માળીયામાં ભારતીબેનને પતિની બેફામ મારકુટઃ ધાબા પરથી ફેંકી દેવાની ધમકી
ત્રણ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ સહન કરતી મહિલા બાળકોને લઇ નીચેના માળે સાસુ-સસરાના ઘરે જતી રહેતાં ત્યાં જઇ પતિએ ધમાલ મચાવીઃ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૦: શહેરના રૈયાધારમાં તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને સિવિલ હોસ્પિટલમાં હાઉસકિપિંગ તરીકે નોકરી કરતાં મહિલાને તેના પતિ ત્રણ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતાં હોઇ કેટલાક દિવસથી તેણી બે સંતાનને લઇ આ વિંગમાં જ રહેતાં સાસુ-સસરાના ઘરે જતી રહેતાં પતિએ ત્યાં આવીને તું તાત્કાલીક બાકળોને લઇને આપણી ઘરે આવી જા નહિતર તને ધાબા ઉપર લઇ જઇનીચે ફેંકીને મારી નાંખીશ તેવી ધમકી આપી મારકુટ કરતાં તેણીએ પોલીસને જાણ કરી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ૧૩ માળીયા ક્વાર્ટર એ-વિંગમાં ૧૧મા માળે ક્વાર્ટર નં. ૧૧૦૨માં રહેતાં ભારતીબેન દિનેશભાઇ પરમાર (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી તેણીના પતિ દિનેશભાઇ નાથાભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ભારતીબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હું સિવિલ હોસ્પિટલમાં હાઉસકિપીંગ તરીકે નોકરી કરુ છું. મારા પતિ કડીયા કામના કોન્ટ્રાકટ રાખી કામ કરે છે. મારા પતિ દિનેશભાઇ મારા સગા ફઇના દિકરા થતાં હોઇ અમે બંને એક બીજાના પરિચયમાં હોઇ પ્રેમસંબંધ બંધાો હતો. આ પછી અમે વર્ષ ૨૦૦૬માં ફુલહાર કરી સાથે રહેતાં હતાં. એ દરમિાયન અમારે બે બાળકો થયા હતાં. બાદ ૨૦૧૪માં અમારા પરિવારજનોએ મળીને સમાજના રીતરિવાજ મુજબ અમારા લગ્ન કરાવી દીધા હતાં. અમે ઓગણીસ વર્ષથી પતિ-પત્નિ તરીકે રહીએ છીએ. જો કે હાલ વીસેક દિવસથી હું અને મારા બાળકો મારા સાસુ-સસરા સાથે બી-વિંગમાં બીજા માળે-૨૦૩ નંબરના ક્વાર્ટરમાં રહેવા ગયા છીએ.
બુધવારે ૧૮/૩ના રોજ રાતે સાડા દસેક વાગ્યે હું મારા બંને બાળકો સાથે સાસુ સસરાના ઘરે હતી ત્યારે પતિ આવ્યો હતો અને કહેલુ કે તું બાળકોને લઇને આપણા ઘરે આવી જા. જેથી મે કહેલું કે તમે મને શારીરિક અને માનસિક ત્રાસ આપો છો જેથી મારે તમારી સાથે આવવું નથી. આમ કહેતા પતિએ મને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને દરવાજા પર પાટા મારવા લાગેલા અને ઉસ્કેરા ટમાં આવી કહેવા લાગેલ કે જો તું નહિ આવ તો તને ધાબા ઉપર લઈ જઈ નીચે ફેંકી મારી નાખીશ. એમ કહી મને ઢીકા પાટુનો માર મારવા લાગેલા. આથી મારા સાસુ સસરા તથા બાળકોએ બચાવ કરતા મારા પતિ ત્યાંથી જતા રહેલ અને મને શરીરને ધ્રુજારી થવા લાગેલ અને બાદ મને ચક્કર આવતા હું નીચે બેસી ગયેલ.
ત્યારબાદ મેં મારા સગા વ્હાલા સાથે આ બાબતે વાત કરી મેં પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરેલ. મારા પતિ મારી સાથ ત્રણેક વર્ષથી આવુ કરે છે અને શારીરિક ઇજા પહોંચાડી માનસિક ત્રાસ આપે છે. જેનું મુખ્ય કારણ એ છે કે મારા પતિને કોઇસ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે. જેની મને જાણ થતા તેઓ મને કહેતા કે તારે આ બાબતે કોઈ દખલગીરી કરવી નહીં અને ચૂપચાપ હું કહું એમ જ તારે કરવાનું રહેશે. આજથી વીસેક દિવસ પુર્વે મારી સાથે મારા પતિ બોલા ચાલી અને ઝઘડો કરતા હાઇ મારી દીકરીની ધોરણ-૧૦ની પરીક્ષા હોઇ જેથી હું મારા સાસુ સસરા સાથે રહેવા જતી રહી હતી. આથી મારા પતિએ મારા સાસુ સસરાના ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત ત્રણેક વર્ષથી આવો ત્રાસ હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તેણીએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:44 PM IST)










