News of Saturday, 21st March 2026
ડોક્ટર પાસે ૨૫ લાખની ખંડણી માંગનાર કથીત પત્રકારોની ટોળકી પૈકીના એકે કહ્યું-અમે બધા એક જ છીએ, રૂપિયા આપો એટલે બધું પુરૂ!
૨૦૨૪માં ડોક્ટરન વ્હોટ્સએપમાં અંગત પળોનો વિડીયો મોકલી કોલ કરી ૫૦ લાખ મંગાયાઃ ન આપે તો જીવવા જેવા નહિ રહેવા દે તેવી ધમકી અપાઇઃ પછી ભારત હેડલાઇન્સના અમિત ઠક્કરે કાર્ટુન મીમ સાથે ફોટો વાયલ કર્યોઃ અમદાવાદના ઘનશ્યામે પણ ફોન કરી માણસને મોકલી ધમકી અપાવીઃ બાદ સત્યની ગર્જનના હિરેન, અજયસિંહ, હાર્દિકે કહ્યું-અમને આ વિડીયો તમારા જ ડો. કમલ નાંઢાએ દીધા છેઃ અમે આ વિડીયો ભારત ટાઇમ્સના જીગર, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કરને દીધા છેઃ જો રૂપિયા૨૫ લાખ નહિ દો તો વિડીયો વાયરલ થશે : ભારત ટાઇમ્સના જતીને ડોક્ટરના દુધવાળાને બોલાવી વિડીયો બતાવી ૩૦ લાખ માંગ્યાઃ જતીનની પત્નિએ પણ કર્યો ગર્ભીત ધમકીભર્યો ફોનઃ બી-વનના ભરતે ગંદી રીલ મોકલીઃ રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરૈયાએ રૂબરૂ મળી ધમકી દઇ પછી ન્યુઝ વાયરલ કરી ડોક્ટરને પીડીએફ મોકલીઃ સમગ્ર કારસ્તાન સાથી ડો. કમલ નાંઢાએ ઘડયું હતું: તેણે સ્પાય કેમેરાથી વિડીયો બનાવી પરિચીત કહેવાતા ત્રણ પત્રકારોને આપ્યાઃ આ ત્રણેયએ બાકીનાને આપ્યાઃ પછી બધાએ સાથે મળી વારાફરતી ૨૫થી ૩૦ લાખની ખંડણી માંગીઃ સાયબર ક્રાઇમ પોલીસના પીઆઇ જે. એમ. કૈલાએ એસીપી ચિંતન પટેલની રાહબરીમાં તપાસ શરૂ કરી : જતીને વિડીયો બતાવી ૫૦ હજાર પડાવી લીધા પછી ધમકી દીધી કે-બીજી રકમ બે દિવસમાં નહિ આપે તો જીવવા જેવા નહિ રહેવા દઇએઃ જગદીશે ધમકી આપી કહ્યું-એવા બદનામ કરશું કે આત્મહત્યા સિવાય રસ્તો નહિ રહે! : વિગતો જણાવતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા

રાજકોટ તા. ૨૧: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મિડીયા-પત્રકારના નામે ફુટી નીકળેલા અનેક કહેવાતા લેભાગુ મિડીયામેન, સંચાલકોની કરતૂતનો પર્દાફાશ થયો છે. એક ડોકટરના ક્લીનીકના અંગતપળના વિડીયો તેને ત્યાં જ કામ કરતાં ડોક્ટરે સ્પાઇ કેમેરાથી રેકોર્ડ કરી ત્રણ કહેવાતા મિડીયામેનને આપ્યા બાદ આ બધાએ અન્યને આપી દીધા હતાં. બાદમાં આ બધાએ કાવત્રાના ભાગ રૂપે ડોક્ટરને ડરાવી ધમકાવી બ્લેક મેઇલ કરી ૨૫ લાખની ખંડણી માંગી હતી. જે પૈકી એક જણાએ તો ૫૦ હજાર પડાવી પણ લીધા હતાં. એક કહેવાતા પત્રકારે જીવવા નહિ દે અને બીજાએ જો રૂપિયા નહિ આપો તો એવા બદનામ કરશું કે આત્મહત્યા સિવાય રસ્તો નહિ રહે તેવી ધમકી આપી હતી. ડોકટર અને ૧૦ કથીત મિડીયા સંચાલક-કર્મી સહિત ૧૩ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
આ બારામાં સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનેલા ડોકટરની ફરિયાદ પરથી ડો. કમલ નાંઢા, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર, સત્યની ગર્જના ન્યુઝના હિરેન ભીખુભાઇ વાળા, અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નિતીનભાઇ ડોડીયા, રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરૈયા, ભારત ટાઇમ્સવાળા જીગર સોઢા, ભારત ટાઇમ્સના ઘનશ્યામ પટલ, ભારત ટાઇમ્સના જતીન નથવાણી, જતીન નથવાણીના પત્નિ સ્વાતિબેન નથવાણી, બી-વન ન્યુઝવાળા ભરતભાઇ તથા બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારક સહિત તપાસમાં ખુલે તેની સામે બીએનએસની કલમો હેઠળ ડોક્ટરના તેનીસ્ત્રી મિત્ર સાથેના અંગતપળોના વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ ૨૫ લાખની ખંડણી માંગી ટોળકી પૈકીના જતીને ૫૦ હજાર પડાવી બાકીના રૂપિયા બે દિવસમાં નહિ આપે તો જીવવા નહિ દેવ તેવી ધમકી આપી સમાજમાં બદનામ કરવાના ઇરાદે અલગ અલગ સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી દેવાનો ગુનો નોંધ્યો છે.
ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચેક વર્ષ પહેલા હું ક્લીનીક પર હતો ત્યારે લેડીઝ ડોક્ટર રાખ્યા હતાં. એ પછી ૨૦૨૪માં અમારા ક્લીનીકનો અંગત પળનો વિડીયો મને એક વ્હોટ્સએપ નંબરથી આવ્યો હતો અને કોલ કરીને રૂા. ૫૦ લાખ માંગ્યા હતાં. તેમજ જો રૂપિયા ન આપુ તો વિડીયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હતી. મેં તેને આ વિડીયો ખોટો છે તેમ કહેતાં તેણે રૂપિયા દેવા જ પડશે. પછી તપાસ કરતાં ખબર પડી હતી કે બીજા ક્લીનીકમાં કોઇએ સ્પાય કેમેરો મુકી વિડીયો રેકોર્ડ કયા ર્હતાં. બાદ ૯-૨-૨૬ના રોજ ભારત હેડલાઇન્સએ પોતાના ઇન્સ્ટા આઇડીમાં નામ વગરની મીમ પોસ્ટ મુકી હતી. જેમાં એક કિસ કરતો કાર્ટૂનનો ફોટો મુકી રાજકોટનો જાણીતો તબિબ પોતાની જ ક્લીનિકમાં રંગરેલીયા મનાવતો હોવાનો વિડીયો વાયરલ એવુ લખ્યું હતું. આ પોસ્ટ મને ડરાવવા બ્લેકમેઇલ કરવા બનાવી હતી.
ત્યારબાદ મને અમદાવાદના ઘનશ્યામ પટેલના નામે ફોન કરી વિડીયો બાબતે પુષ્ટી કરવા ફોન કર્યાનું અને પોતાનો માણસ આવશે તેમ કહ્યું હતું. બાદમાં એક શખ્સે જીગર સોઢાના નામે ફોન આવ્યો હતો. બાદમાં તે ક્લીનીકમાં ઘુસી આવ્યો હતો અને સ્પાઇ કેમેરો ચાલુ હતો. આ શખ્સે કહેલું કે આ વિડીયોવાળા તમે જ છો ને. જેથી મેં કહેલું કે ૨૦૨૪માં મેં અરજી કરી છે. જેમાં તમે છ સાત જણા છો. આ પછી તેણે જોઇ લેવાની ધમકી આપી હતી. એ પછી કાના નામના શખ્સે આવી કહેલું કે હિરેન મકવાણા પાસે તમારા વિડીયો છે. હું હિરેનને મળતાં તેણ કહેલુ કે મારે સત્યની ગર્જના ન્યુઝ પોર્ટલ છે. તેમાં મારી સાથે અજયસિંહ, હાર્દિક કામ કરે છે. તમારે ત્યાં અગાઉ કામ કરતાં ડો. કમલ નાંઢાએ તમારા અંગત પળના વિડીયો બનાવી અમને આપ્યા છે. આ વ્ડિીયો મેં ભારત ટાઇમ્સના જીગર સોઢા, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કરને દીધા છે.
જો તમે રૂપિયા નહિ આપો તો બધા વિડીયો, ફોટા તમામ ન્યુઝ, મિડીયામાં વાયરલ કરી દઇશું. આ બધાનું પતાવવું હોય તો ૨૫ લાખ આપવા પડશે, જો નહિ આપો તો આ બધેથી વિડીયો વાયરલ થઇ જશે તેવી ધમકી આપી હતી. બાદ દુધવાળા કાનાએ મને કહલું કે વિડીયો બાબતે એક શખ્સ મળવા માંગે છે. હું તેને મારી પાનની દુકાને બોલાવી લઉં. એ પછી કાનાએ શખ્સને બોલાવતાં તેણે પોતે જતીન નથવાણી હોવાનું કહેલું. કાનાને બાદમાં જતીને વિડીયો બતાવી ધમકાવી કહેલું કે-તારા સાહેબને કહેજે કે આ બધુ વાયરલ ન કરવું હોય તો ૨૫થી ૩૦ લાખ થશે. પોતે જ બધા પત્રકારોને ફોડી લેશે. તમે પોલીસમાં જવાની કોશિષ કરતાં નહિ, પોલીસની મને જરાય બીક નથી. તેમ જતીને કાનાને કહ્યું હતું અને તમે ભુલી નહિ શકો ઓવ બદનામ કરશું તેવી ધમકી દીધી હતી.
એ પછી ગયા મહિને રાતે બાર વાગ્યે મારાજ નામનું ફેક વ્હોટ્સએપ આઇડી બનાવી ધમકી ભર્યા મેસેજ કરાયા હતાં. તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી દીધી હતી. બાદ સ્વાતિ નથવાણીએ ફોન કરી કહેલું કે મારો પતિ જતીન નથવાણી ભારત ટાઇમ્સમાં છે, તેને તમે મળી લો તો સારુ. આથી હું ડરી જતાં જતીનને મળતાં તેણે બધા મિડીયાવાળાને સાચવી લેવા ૨૫ લાખ માંગી તે વખતે બળજબરીથી ૫૦ હજાર પડાવી લીધા હતાં. બાકીના રૂપિયા બે દિવસમાં ન આપું તો જીવવા નહિ દઇએ એવા ફોટા વિડીયો વાયરલ કરશે તેવી ધમકી દીધી હતી. આ પછી જતીને યુટયુબમાં વિડીયો વાયરલ કર્યા હતાં અને પર્સનલમાં મને લીંક મોકલી હતી.
બાદ સાંજે બી-વન ન્યુઝના ભરતે ફોન કર્યો હતો. તેણે મને વ્હોટ્સએપમાં ગંદી રીલ ન્યુઝ મોકલી હતી, જેથી હું ડરી ગયો હતો. એ જ દિવસે ભારત ટાઇમ્સવાળાએ પણ આરવી રીલ મોકલી હતી. બાદ રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેૈરયા મને રૂબરૂ મળેલ અને કહેલું કે તમારા બિભત્સ વિડીયો છે, ૨૫ લાખ આપશો તો હું બધુ રોકી દઇશ. જેથી મેં કહેલું કે બી-વનવાળા ભરતે પણ મને વિડીયો મોકલ્યા છે. તો જગદીશે કહેલું કે અમે બધા એક જ છીએ, તમે રૂીપયા આપી દો. જો નહિ આપો તો રાજકોટ હેડલાઇન્સના પેજ ઉપર વિડીયો, ન્યુઝ ફોટા મુકી એવા બદનામ કરશું કે આત્મહત્યા કરવા સિવાય રસ્તો નહિ રહે.
આ પછી જગદીશ તેરૈયાએ ન્યુઝ છાપી નાખી મને પીડીએફ મોકલી હતી. બાદમાં મેં તપાસ કરતાં ખબર પડેલી કે મારી ક્લીનીકમાં મેં બીએચએમએસ ડો. કમલ નાંઢાને રાખ્યો હતો તેણે હીડન કેમેરો લગાવી મારાસ્ત્રી મિત્ર સાથેના વિડીયો લઇ પોતાના સથી હિરેન મકવાણા (સત્યની ગર્જના)ને આપી દીધા હતાં. અજયસિંહ, હાર્દિકને આ વિડીયો પણ આપ્યા હતાં. આ લોકોએ બાકીના ન્યુઝવાળા રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરૈયા, ભારત ટાઇમ્ના જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર અને બી-વનના ભરતે આપ્યા હતાં.
આ બધાએ ગુનાહિત કાવત્રુ ઘડી મને ડરાવી ધમકાવી ૨૫ લાખ માંગ્યા હતાં. જેમાં જતીને ૫૦ હજાર પડાવી લીધા હતાં અને બીજા રૂપિયા હું બે દિવસમાં ન આપુ તો મને જીવવા નહિ દે તેવી ધમકી આપી હતી. અંતે મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં ફરિયાદી ડોક્ટરે જણાવતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ચિંતન પટેલના માર્ગદશન હેઠળ પીઆઇ જે. એમ. કૈલા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો આપતાં કહ્યું હતું કે આરોપી પાસે ભોગ બનનારના અનેક વિડીયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ પ્રકારના કોઇપણ પત્રકારો-મિડીયાના નામે કોઇ ભોગ બન્યું હોય તો તુરત પોલીસનો સંપર્ક કરવો જેથી કહીને કાર્યવાહી થઇ શકે. હાલ આ ગુનાના આરોપીઓની ધરપકડ બાકી છે અને આગળ તપાસ થઇ રહી છે.
ડો. નાંઢા અને કહેવાતા પત્રકારો આરોપીઓમાં સામેલઃ ત્રણ વર્ષમાં ચારેક હજાર વિડીયો બનાવ્યા
રાજકોટ તા. ૨૧: આ બનાવમાં ડોક્ટરને બ્લેકમેઇલ કરવાના કારસ્તાનમાં મુખ્ય સુત્રધાર ડો. કમલ નાંઢા છે, તેણે જ ડોક્ટરના વિડીયો સ્પાઇ કેમેરાથી બનાવ્યા હતાં. આ સિવાય અન્ય આરોપીઓમાં ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર, સત્યની ગર્જના ન્યુઝનો હિરેન ભીખુ મકવાણા, અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નીતીન ડોડીયા, રાજકોટ હેડ લાઇન્સના જગદીશ તેરૈયા, ભારત ટાઇમ્સના જીગર સોઢા, ભારત ટાઇમ્સના ધનશ્યામ પટેલ, ભારત ટાઇમ્સના જતીન નથવાણી, જતીન નથવાણીની પત્નિ સ્વાતી નથવાણી, બી-૧ ન્યુઝ વાળો ભરત અને મો.નં. ૮૧૨૮૬ ૯૬૭૯૫ તેમજ મો.નં.૭૯૮૪૮-૪૩૩૪૭ના ધારકો સામેલ છે.
કથિત પત્રકારો અને એક તબીબે મળી શહેરના જાણીતા તબીબના અંગત પળોના વિડીયો લઈ ખંડણી માંગ્યાના બનાવમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી પાસે ૪ હજાર વિડીયો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મળેલા વીડિયોમાં કેટલાક મહિલા દર્દીઓને ઇન્જેક્શન તેમજ સારવાર આપતા વિડીયો પણ આરોપીઓ પાસે છે સાથે સાથે તેમાં તબીબી અંગત પળોના વિડીયોનો પણ સમાવેશ થાય છે.
(2:05 PM IST)










